તાપી: વરસાદી માહોલ વચ્ચે જિલ્લાના 87 જેટલા લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો છે, જેમાં વ્યારા તાલુકાના 22, ડોલવણ તાલુકાના 30, વાલોડ તાલુકાના 20 તથા સોનગઢ તાલુકાના 15 અને આર એન્ડ બી પંચાયત હસ્તકના 3 લો લેવલના પુલોને તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે બંધ કરી દેતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો કેટલાક ગામોના લોકોએ ભારે ચક્રાવો કરી એક બીજાના ગામનો સંપર્ક કરવો પડી રહ્યો છે.
તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તો કરવામાં આવી છે. પરંતું લખાલી ગામના નિલેશ ભાઈ ગામીતે રસ્તો બંધ થવાને કારણે પડતી મુશ્કેલીઓ અંગે જણાવ્યું હતું કે, લખાલી અને રાણી આંબા ગામને જોડતો જે પુલ છે તે દર વર્ષે ચોમાસાની ઋતુમાં પાણીમાં ગરકાવ થાય છે. જેથી સાત જેટલા ગામો સંપર્ક વિહોણા બને છે અને 108 જેવી સુવિધા પણ તેમના ગામ સુધી પહોંચી શકતી નથી અને ઉચ્ચતર અને માધ્યમિક શાળાના બાળકોને પણ ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં વારંવાર આ પુલ બનાવવા માટે રજૂઆત કરી છે. પરંતુ આજ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. અમારી માંગ છે કે, સરકાર અહી નવો પુલ બનાવે.