નવસારી: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીના વાંસદા ચીખલી અને ગણદેવી તાલુકામાંથી પસાર થતી કાવેરી અને અંબિકા નદીના જળસરમાં વધારો થતાં પૂરની સ્થિતિ બની હતી. ગત મોડી રાત્રેથી બીલીમોરા શહેર સહિત ગણદેવીના અસરગ્રસ્ત 20 ગામો તેમજ ચીખલીના અસરગ્રસ્ત 6 ગામોમાંથી અંદાજે 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. જેની સાથે બીલીમોરા શહેરમાં ફાયર વિભાગના જવાનો સ્પીડ બોટ સાથે તૈનાત કરવામાં આવ્યા હતા. શહેરના દેસરા તેમજ બંદર રોડ વિસ્તારમાંથી બોટની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે દેશરાના ભાઠા ફળિયામાં એક યુવતીને ગભરાટ થતા તેને રેસ્ક્યુ કરવામાં આવી હતી. જ્યારે નાંદરખા પાસે એક વ્યક્તિ ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું.
પાલિકાનો 40% વિસ્તાર પાણીમાં ડૂબી ગયો: ડાંગ જિલ્લામાં વરસેલી આકાશી આફત નવસારી જિલ્લાની અંબિકા અને કાવેરી નદીઓને ભયજનક સપાટી વટાવવા મજબૂર કરી દીધી હતી. કાવેરી અને અંબિકા નદીએ બીલીમોરા શહેરને ધમરોડી નાખતા પાલિકાનો 40% વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો. અને 25,000થી વધુ લોકો સીધી રીતે અસરગ્રસ્ત બન્યા હતા. લોકોની રાહત માટે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર કામે લાગ્યું છે.
તંત્ર દ્વારા 1000 જેટલા લોકોને સ્થળાંતર: નવસારી જિલ્લાના ઉપરવાસ ડાંગ સાપુતારા વઘઈમાં પડેલા ધોધમાર વરસાદને કારણે કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ હતી. જે બાદ ગણદેવી તાલુકાના 14 ગામડા સહિત બીલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેને લઈને તંત્ર દ્વારા 1000 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
બે નદીઓની વચ્ચે બીલીમોરા શહેર: ગણદેવી તાલુકામાંથી બે નદીઓ પસાર થાય છે એક કાવેરી અને બીજી છે અંબિકા, જેના પાણી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશતા નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા હતા. સૌપ્રથમ વાત કરીએ બીલીમોરા શહેરની તો શહેરના નાના-મોટા એવા 11 વિસ્તારો પ્રભાવિત થયા હતા. જેમાં સૌથી વધુ દેસરા અને વખારીયા બંદરમાં પાણી ભરાયા હતા. નગરપાલિકા દ્વારા વોર્નિંગ વાહન મોકલીને લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપી હતી. જેને પગલે લોકોએ તાત્કાલિક પાલિકાની સૂચનાને પગલે સુરક્ષિત સ્થળોએ ખસેડયા હતા. તંત્ર દ્વારા તેમના રહેવાની તથા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
મહિલાને રેસ્કયું કર્યું: ગણદેવી તાલુકાના કુલ 18 જેટલા ગામોમાં 1,000 જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. બીલીમોરા શહેરના દેસરા વિસ્તારમાં એક મહિલાની તબિયત બગડી હતી. ભાઠા ફળિયામાં રહેતા હેતવી નરેન્દ્ર પટેલની તબિયત બગડતા એમને બોટ મારફતે બહાર કાઢવામાં આવ્યાં હતાં. દેસરા વિસ્તારમાં પાણી ભરાયા હોવાના કારણે એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા બોટ મારફતે એમને બહાર કાઢવામાં આવ્યા હતા.
રાત્રિ દરમિયાન લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા: અંબિકા અને કાવેરી નદીની સપાટી વધતા બીલીમોરા શહેરનું જનજીવન પ્રભાવિત થયું છે. બીલીમોરા શહેરમાં આવેલા દેસરા વિસ્તારમાં 200થી વધુ લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. બીલીમોરા નગરપાલિકા દ્વારા રાત્રી સમયે તમામ લોકોનું શિફ્ટિંગ કરી દેવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત સહિત જાહેર લગ્નના હોલમાં નીચાણવાળા વિસ્તારોને રાત્રિના સમયે સ્થળાંતરિત કરાયા હતા.
અંબિકા નદી પણ ચેક ડેમને કારણે પાળા બન્યા: અંબિકા નદી ઉપર ચેકડેમ બનાવવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ છે, પરંતુ તે અગાઉ નદી કિનારે પાળા બનાવવામાં આવ્યા હતા. આ પાળા જ નીચાણવાળા ગ્રામજનો માટે સંરક્ષણ દિવાલ સમાન બની રહ્યા છે. આ પાળાને કારણે ગામમાં પાણી આવતું અટક્યું હતું.
જલારામ મંદિરમાં ભોજનની વ્યવસ્થા: ઉંડાચ, બીલીમોરા, માંડલ, ફળિયા, એરિયા-મોરિયા સહિતના નીચાણવાળા વિસ્તારના સ્થળાંતરિત થયેલા લોકો માટે શહેરના જલારામ મંદિરમાં આશરે 1200 થી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ભોજનની વ્યવસ્થા જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ફૂડ પેકેટ બનાવી દરેક વિસ્તારમાં વહેંચણીની શરૂઆત કરવામાં આવી હતી.
શાળાઓ બંધ: ગણદેવી તાલુકામાં પૂરની સ્થિતિ બનતા શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળા કોલેજો અને આઈ.ટી.આઈને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જિલ્લામાં માત્ર જલાલપુર અને નવસારી તાલુકાની શાળાઓ શરૂ રાખવામાં આવી હતી. પૂર્ણા નદીમાં પણ ભયજનક સપાટી હોવા છતાં પણ તંત્ર દ્વારા નવસારી તેમજ જલાલપુરની શાળાઓને શરૂ રાખવાનો નિર્ણય કર્યો હતો. બીજી તરફ ગણદેવી તાલુકામાંથી મોટી સંખ્યામાં નવસારી શહેરમાં ભણવા જતા બાળકો કઈ રીતે જઈ શકે તેની પરવા કર્યા વગર શિક્ષણ વિભાગે ગણદેવી તાલુકાની શાળાઓ બંધ કરવામાં આવી હતી.
રાત્રિના સમયે જ સમયસર શિફ્ટિંગ કર્યું: ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ આજે સવારે બીલીમોરા શહેરની મુલાકાતે આવ્યા હતા. જેમાં તેમણે વખારીયા બંદર સહિત દેસરા વિસ્તારની મુલાકાત કરી હતી. આ વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ કેશડોલ સર્વે સહિત આરોગ્ય તંત્ર પણ કામે લાગશે તેમ જણાવ્યું છે. રાત્રિના સમયે જ સમયસર શિફ્ટિંગ કર્યું હોવાને લઈને તેમણે માહિતી આપી હતી.
તંત્ર એલર્ટ: અંબિકા અને કાવેરી નદીના ધસમસતા પ્રવાહે બીલીમોરા નગરપાલિકાના વહીવટી તંત્રની ઉંઘ હેરાન કરી હતી. રાત્રી દરમિયાન શરૂ થયેલી પાણી ભરાવાની શરૂઆત 12 કલાક સુધી યથાવત રહી હતી. બીલીમોરા નગરપાલિકા તંત્ર એલર્ટ મોડમાં હતી, જ્યારે એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. અંબિકા અને કાવેરી નદીની જળ સપાટીમાં હાલ ઘટાડો થઈ રહ્યો છે. એકમની મોટી ભરતી હજી આવવાની શક્યતાઓને પગલે તંત્ર હજુ પણ એલર્ટ મોડમાં આવી ગયું છે.
જિલ્લાના 95 રસ્તાઓ ટેપિંગના કારણે બંધ: સમગ્ર મુદ્દે નવસારી જિલ્લા કલેકટર ક્ષીપ્રા અગ્રે માહિતી આપતા કહ્યું કે, હવે નદીઓના જળસ્તર ઘટ્યા છે અને પાણી સતત ઉતરી રહ્યા છે. જિલ્લાના 95 રસ્તાઓ ટેપિંગના કારણે બંધ થયા હતા, જ્યારે મુખ્ય 6 રસ્તાઓને પણ પાણીના કારણે બંધ થાયા હતા. હવે વરસાદ બંધ થયો છે જેથી જેમ જેમ પાણી ઉતરશે તેમ રસ્તાઓ ખોલવામાં આવશે. અંદાજે વધુ પૂર અસરગ્રસ્તો માટે સામાજિક સંસ્થાઓની મદદથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે બીલીમોરાના દેસરા વિસ્તારમાં કાવેરીના પાડાને કારણે પાણીનો નિકાલ ન થતો હોવાથી ફરિયાદ સામે સંબંધિત વિભાગો સાથે બેઠક કરી વરસાદની પેટર્ન તેમજ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સમાધાન લાવવાનો પ્રયાસ થશે. સાથે જ વાસદાના પ્રચલિત થઈ રહેલા આંકડા ધોધમાં ગતરોજ ઘણા પ્રવાસીઓ ફસાયા હતા, જેને વાંસદા પોલીસે ચાર કલાકની મહેનત બાદ સહી સલામત બહાર કાઢ્યા હતા. આ ઘટના અચાનક અને નવી હોવાનું જણાવી કલેકટરે આવતા વિક એન્ડ એટલે કે શનિ-રવિ પહેલા સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની તૈયારી દર્શાવી છે.