જૂનાગઢ: સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે શાકભાજીની આવકમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ અહીં આવક ઘટતા બજાર ભાવમાં મોટો ઉછાળો આવવાની શક્યતા પણ સ્થાનિક વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
શાકભાજીની આવક શરૂ થાય તેવી શક્યતા નથી: અમદાવાદ, બરોડા, સુરત, આણંદ, નડિયાદ અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડ્યો છે પરિણામે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રાજ્યના અન્ય પ્રાંતોમાંથી આવતી શાકભાજીની આવક એકદમ નહિવત બની છે. આથી આજે જૂનાગઢ માર્કેટ યાર્ડ શાકભાજી વિના એકદમ ખાલીખમ જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, મંગળવાર સુધી શાકભાજીની આવક શરૂ થાય તેવી શક્યતા પણ નથી.
સ્થાનિક કોબીજ અને ટામેટાની આવક: જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે જૂનાગઢ, રાજકોટ અને સોમનાથ જિલ્લામાંથી પણ સ્થાનિક શાકભાજીની પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોય છે તે આવક પણ હવે સદંતર બંધ થયેલી જોવા મળી રહી છે. હાલ જે મોટા વેપારીઓ પાસે ટમેટા અને કોબીજનો સંગ્રહ થયેલો છે તે જ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે અને તેનો જથ્થો પણ એકદમ મર્યાદિત બની રહ્યો છે. આ સિવાય ગવાર, ભીંડા, તુરીયા, ગલકા, કારેલા, રીંગણ, ધાણા, મેથી, સહિતની મોટાભાગની શાકભાજીઓની આવક સદંતર બંધ થયેલી જોવા મળે છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો વિધિવત પુરવઠો પૂર્વવત જળવાય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળતી નથી. આગામી એક મહિના સુધી આ જ પ્રકારે શાકભાજીની આવકમાં સદંતર ઘટાડા સાથે બજાર ખુલતું જોવા મળશે, જેને કારણે છૂટક અને જથ્થાબંધ બજાર ભાવોમાં પણ ખૂબ મોટો વધારો થવાની શક્યતા સ્થાનિક વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.