જૂનાગઢ: ઉનાળાના આકરા દિવસો દરમિયાન ગાય ભેંસ સહિત દૂધ આપતા દુધાળા પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં અન્ય ઋતુની સરખામણીએ સરેરાશ ઘટાડો થતો હોય છે. તેની પાછળ ઉનાળા દરમિયાન સતત વધતી, ગરમી પાણીની અછત અને આ સમય દરમિયાન લીલા ઘાસચારાની તંગીને કારણે દૂધ ઉત્પાદન ક્ષમતા ઘટતી હોય છે. સામાન્ય રીતે ઠંડુ તાપમાન પૂરતા પ્રમાણમાં પાણી અને લીલો ઘાસચારો કોઈ પણ દુધાળા પશુ માટે આદર્શ માનવામાં આવે છે. પરંતુ ઉનાળા દરમિયાન આ ત્રણેય કુદરતી પરિબળો મર્યાદિત થતા જાય છે, જેને કારણે પ્રત્યેક દુધાળા પશુની દૂધ ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો નોંધાય છે.
ગરમીને કારણે પશુ આરોગ્ય પર માઠી અસર: ઉનાળાની ગરમીને કારણે કોઈપણ પશુ ચારો આરોગી શકવાની ક્ષમતા ઓછી કરે છે. જેને કારણે દૂધ આપતા પશુઓની પાચન ક્રિયા બગડે છે જેની વિપરીત અસર દૂધ ઉત્પાદન પર થતી હોય છે. દુધાળા પશુઓ માટે લીલોચારો આશીર્વાદ સમાન માનવામાં આવે છે, જે ઉનાળા દરમિયાન નહીં મળતા દૂધ ઉત્પાદન ઘટે છે. પશુવાળાઓ નજીક ઝાડ અને ખાસ કરીને કુદરતી વાતાવરણ અને ઠંડક ભરી પરિસ્થિતિ બની રહે તેવા કિસ્સામાં ઉનાળા દરમિયાન ઘટતા દૂધના ઉત્પાદનને થોડે ઘણે અંશે અટકાવી શકાય છે જેના માટે પશુવાળામાં ફોગર અને ફુવારા રાખીને તાપમાનમાં ઘટાડો કરાય તો દૂધ ઉત્પાદન ક્ષમતા ઘટતી અટકાવી શકાય છે.
દિવસના બદલે રાત્રે ચારો: ઉનાળાના આ દિવસો દરમિયાન દૂધ ઉત્પાદન ક્ષમતામાં કોઈ નોંધપાત્ર ઘટાડો ન થાય તે માટે પ્રત્યેક દુધાળા પશુઓને દિવસની જગ્યા પર રાત્રિના સમયે ચારો આપવો જોઈએ. ઠંડા વાતાવરણમાં પશુએ આરોગેલો ચારો વાગોળવાનો પૂરતો સમય મળી રહે છે. સાથે ગરમી ઓછી હોવાને કારણે દુધાળા પશુ તેના શરીરને ઠંડા રાખવાની જગ્યા પર કુદરતી રીતે દૂધ ઉત્પાદનની ક્રિયામાં વધારો કરે છે, જેથી ગરમીના દિવસોમાં પણ દૂધનું ઉત્પાદન સરેરાશની આસપાસ જાળવી શકાય છે. વધુમાં દિવસ દરમિયાન, પ્રત્યેક દુધાળા પશુને તેની જરૂરિયાત અથવા તો દિવસમાં ત્રણ થી ચાર વખત પીવાનું પૂરતું પાણી આપવું જોઈએ. પશુને આપવામાં આવતું ખાણદાણ 30 મિનિટ સુધી પાણીમાં પલાળીને આપવામાં આવે તો પણ દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. પશુવાળાનું તાપમાન 28 થી 30 ડિગ્રી સુધી જળવાઈ રહે તો દૂધ ઉત્પાદનમાં ઘટાડો અટકાવી શકાય છે. વધુમાં ઉનાળાના દિવસો દરમિયાન દુધાળા પશુઓમાં ખાસ કરીને ઇતડી અને જુ જેવી કીટકો દ્વારા કેટલીક બીમારી થતી હોય છે. જેને કારણે પણ દૂધ ઉત્પાદન ઘટે છે. ત્યારે ઉનાળા દરમિયાન પ્રત્યેક દુધાળા પશુને રોગમુક્ત રાખવાથી પણ દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકાય છે.