ગાંધીનગર : એક બાજુ ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રા શરૂ છે અને બીજી બાજુ આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. સત્રમાં સરકાર દ્વારા ભ્રષ્ટાચારી અધિકારીઓની મિલકત જપ્ત કરવા બિલ રજૂ કરવામાં આવશે. રાજ્યમાં કાળા જાદુ અને અંધશ્રદ્ધા વિરુદ્ધ પણ હાઇકોર્ટના આદેશથી બિલ રજૂ કરવામાં આવશે. દારૂના કેસમાં વાહનોની હરાજી કરવા માટે પણ સરકાર કાયદામાં સુધારો લાવી સદનમાં બિલ રજૂ કરશે.
વિધાનસભાનું ચોમાસુ સત્ર : સત્રની પ્રથમ બેઠક 21 ઓગસ્ટ, બુધવારની બપોરે 12 કલાકે શરૂ થશે, જેમાં દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને ત્યારબાદ સરકારી કામકાજ પર ચર્ચા થશે. દરમિયાન સરકાર આ સત્રમાં પાંચ વિધેયકો રજૂ કરવા જઈ રહી છે. સરકાર સદનમાં પોતાની સિદ્ધિઓનું વર્ણન કરશે, જ્યારે વિપક્ષ રાજકોટ અગ્નિકાંડ અને સરકારી નોકરીઓમાં ભરતી મુદ્દે થયેલા કૌભાંડ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. વિપક્ષમાં કોંગ્રેસ અને આપનું સંખ્યાબળ ઓછું છે.
ગુજરાત નશાબંધી સુધાર વિધેયક, 2024
દારૂ અને ડ્રગ્સના કેસમાં પકડાયેલા વાહનોની હરાજી અંગેના કાયદા રજૂ કરાશે. ગુજરાત નશાબંધી અધિનિયમ, 1949 ની કલમ 98 ની પેટા-કલમ (2) ની જોગવાઈ અનુસાર કોઈ કેફી પદાર્થ, ભાંગ-ગાંજો, મહુડાના ફૂલો વગેરે લઈ જતા વાહનો જેવી વસ્તુઓને સરકાર દાખલ કરવા માટેની અને જપ્ત થયેલ દારૂનો જથ્થો, નિયમોથી ઠરાવ્યા પ્રમાણેના જથ્થા કરતા વધુ હોય, ત્યારે કોર્ટના આખરી ચુકાદા સુધી બોન્ડ અથવા જામીન પર તેને મુક્ત કરી શકાશે નહીં, તે માટેની જોગવાઈ કરી છે.
વાહનોની સરકાર હરાજી કરશે : આ રીતે જપ્ત થયેલ વાહનો પોલીસ સ્ટેશનમાં લાંબો સમય સુધી પડ્યા રહે છે. જે તે વાહન માલિકોને પરત કરી શકાતા નથી અને તે કેસના આખરી ચુકાદા સુધી પોલીસ સ્ટેશન અથવા કોર્ટ કમ્પાઉન્ડમાં વણવપરાયેલા પડી રહે છે. આ સંજોગોમાં વાહનોની સ્થિતિ બગડી જાય છે. આ પરિસ્થિતિને હલ કરવા માટે રાજ્ય સરકારને સદરહુ પેટા-કલમ (2) સુધારવાનું જરૂરી જણાય છે. જેથી કરીને હરાજી મારફતે આવા વાહનોનો નિકાલ કરી શકાય છે. વિધેયકની કલમ 2 થી તે માટેની જોગવાઈ કરી છે.