બારડોલી: આંધ્રપ્રદેશથી માછલી લઈને આવી રહેલ ટ્રક બારડોલી કડોદરા રોડ પર પલસાણા તાલુકાનાં બગુમરા ગામના બસ સ્ટેન્ડમાં અથડાતાં વાહનચાલકનું ગંભીર ઇજા થવાથી મોત થયું હતું. ટ્રકની કેબિનમાં દબાઈ ગયેલા ચાલકના મૃતદેહને કાઢવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી.
ચાલક અને ક્લીનર આંધ્રપ્રદેશના રહેવાસી: સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ રિવર ડ્રાઇવ દીપા કોમ્પ્લેક્સમાં રહેતા શૈલેષભાઈ કિશોરભાઈ ટેલર માછલીનો વેપાર કરે છે. તેઓ આંધ્રપ્રદેશથી રામારાવ નામના વેપારી પાસેથી માછલી મંગાવે છે. આ માછલી રામારાવની માલિકીની ટ્રક મારફતે મહિનામાં એક વખત સુરત આવે છે. જેના ચાલક તરીકે કનારાપ્પુ વેંકટેશ્વરા રાવ કનારાપ્પુ નારાયણ રાવ અને ક્લીનર તરીકે કોટે જાનકી રામાયાહ રેડ્ડીયાહ નોકરી કરતાં હતા.
કેવી રીતે બની ઘટના: સોમવારે રાત્રિના 12 વાગ્યાની આસપાસ તેમની ટ્રક બારડોલીથી કડોદરા રોડ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે બગુમરા ગામની નજીક ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં ટ્રક રોડની સાઇડે આવેલા બસ સ્ટેન્ડ સાથે અથડાતાં પલટી મારી ગઈ હતી અને કેબિનનો ભાગ તૂટી ગયો હતો. ચાલક અને ક્લીનર આ કેબિનમાં દબાઈ ગયા હતા. જેમાં ચાલક કનારાપ્પુ વેંકટેશ્વરા રાવ કનારાપ્પુ નારાયણ રાવનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત થયું હતું. ક્લીનર કોટે જાનકી રામાયાહ રેડ્ડીયાહને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મૃતદેહ કાઢવા ક્રેનની મદદ લેવી પડી: વાહન ચાલક કનારાપ્પુ વેંકટેશ્વરા રાવ કનારાપ્પુ નારાયણ રાવનો મૃતદેહ કેબિનમાં ફસાઈ જતાં તેને ક્રેનની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટના અંગે માછલીના વેપારી શૈલેષભાઈ કિશોરભાઇ ટેલરે પલસાણા પોલીસને જાણ કરતાં પોલીસે મૃતક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અધિકારી હેડ કોન્સટેબલ મિતેશ ચૌધરીએ જણાવ્યુ હતું કે, રાત્રિના સમયે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં તેમની ટ્રક બસ સ્ટેન્ડ સાથે અથડાઇ હતી. જાણ થતાં જ અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલમાં સુરતના વેપારી શૈલેષ ટેલરની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.