કચ્છ: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનવર્સિટીમાં આખરે 9 મહિના બાદ કાયમી કુલપતિ તરીકે ડો.મોહન પટેલની નિમણુંક કરવામાં આવી છે જેમને આજે કચ્છ યુનિવર્સિટી ખાતે વિધિવત રીતે કુલપતિનો ચાર્જ સંભાળ્યો હતો. ખાસ કરીને કચ્છના લોકો જે ઉચ્ચતર અભ્યાસ માટે બહાર જતા હોય છે તેમને કચ્છમાં જ તેવા કોર્સ મળી રહે તે માટે આગામી 5 વર્ષ દરમિયાન પ્રયત્નો કરવામાં આવશે તેવું ડો.મોહન પટેલે જણાવ્યું હતું.
ડો. મોહન પટેલે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ તરીકે સંભાળ્યો પદભાર
કચ્છ યુનિવર્સિટીએ મારા માટે વતન વાપસીનો ખ્યાલ છે. મારું મૂળ વતન કચ્છ છે અને શિક્ષણ માટે મને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને નવી દિશા અને નવી ઉંચાઈઓ સુધી લઈ જવાની તક મળી છે ત્યારે યુનિવર્સીટીને નવી ઉંચાઈઓ સુધી લઈ જવાના મારા ભગીરથ પ્રયાસો રહેશે. કચ્છ યુનિવર્સિટીના જુદાં જુદાં વિભાગોના ઉચ્ચતમ જ્ઞાન રૂપી શીલા આગળ વધારવામાં આવે અને આ કચ્છ યુનિવર્સિટીને શ્રેષ્ઠ યુનિવર્સિટી કંઈ રીતે બનાવી શકાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે.
કચ્છ યુનિવર્સિટીનો પહેલો જે પ્રશ્ન છે તે ગુણવત્તાનો છે. ક્વોલિટી અને કવોન્ટીટી એ બંને જરૂરી છે. ગુણવતાની વાત કરવામાં આવે તો જ્યાર સુધી ઉચ્ચતર અભ્યાસમાં રિસર્ચ કરવામાં ના આવે ત્યાં સુધી સારા અભ્યાસની ગુણવતાની વિકસાવી શકાય નહીં. માટે એજ ભાવના માટે ક્વોલિટી સાથે રિસર્ચ કંઈ રીતે આગળ વધારી શકાય અને કવોન્ટીટી માટે વધુને વધુ શિક્ષકો આપણે લઈ શકીએ તેના માટે પ્રયત્નો કરવામાં આવશે.
કચ્છ યુનિવર્સિટીને પણ નેશનલ સ્તર સુધી લઈ જવા કરાશે પ્રયત્નો
આ ઉપરાંત કચ્છ યુનિવર્સિટીમાં જે નેટ એક્રિએશનની વાત છે તેમાં પણ કંઈ રીતે આગળ વધી શકાય તેના માટે પણ કુલપતિ તરીકે પ્રયત્નો રહેશે. આ 5 વર્ષનો સમયગાળો કુલપતિ તરીકે મળ્યો છે ત્યારે આ સમયગાળા દરમિયાન જે રીતે તેમને આણંદની કોલેજને ગુજરાતની પ્રથમ આર્ટસ ઓટોનોમસ કોલેજ બનાવી હતી તે જ રીતે આ કચ્છ યુનિવર્સિટીને પણ નેશનલ સ્તર સુધી કંઈ રીતે લઈ જઈ શકીએ તેવી ભાવના સાથે વિધિવત રીતે કચ્છ યુનિવર્સીટીનાં કુલપતિ તરીકે કારોબાર સંભાળ્યો છે.
PhD વિભાગ માટે રીસર્ચ પ્રક્રિયાઓ વધારાશે
વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રશ્નોને પ્રાથમિકતા આપવા અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે PhD વિભાગમાં તેમજ દરેક વિભાગમાં રિસર્ચના જે ગાઇડ છે તે માટે દરેકની સાથે મીટીંગ કરી દરેક ગાઈડને સમજાવી કંઈ રીતે આગળ વધી શકાય અને PhD ના વધુને વધુ વિદ્યાર્થીઓને લાભ મળી શકે તે દિશામાં કામ કરવામાં આવશે. કચ્છની અંદર રિસર્ચ માટે ખૂબ સારી સંભાવનાઓ છે. જે રીતે અમેરિકાની યુનિવર્સિટી કચ્છ આવીને રિસર્ચ કરી શકતી હોય તો કચ્છને જ કચ્છ માં વિવિધ રિસર્ચ દ્વારા કચ્છ પ્રદેશના રિસર્ચ કરવાના ખેડાણો હજી બાકી છે તો તેના માટે વધુને વધુ રિસર્ચ થઈ શકે અને તેમાં PhD ના વિદ્યાર્થીઓ વધુને વધુ કાર્યરત થાય તેવી ભાવના સાથે કામ કરવામાં આવશે.
વધુમાં નવા કુલપતિએ જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટી હેઠળ આવતી તમામ કોલેજોમાં શિક્ષણની ગુણવતા સુધારવા પ્રયત્નો કરવામાં આવશે તેમજ ઉચ્ચ અભ્યાસ માટે કચ્છ મૂકીને જતાં વિધાર્થીઓનું થતું માઈગ્રેશન અટકાવવા અને નવા નવા કોર્સ કચ્છ યુનિવર્સિટી હેઠળ શરૂ કરવા માટેના પ્રયાસો કરવામાં આવશે. કારણ કે જો આણંદમાં કચ્છના વિદ્યાર્થીઓ ભણે છે તો કચ્છના વિદ્યાર્થીઓ કચ્છમાં જ શા માટે ના ભણે માટે તે દિશામાં પણ ચર્ચા વિચારણા કરીને નિર્ણયો લેવામાં આવશે. કચ્છમાં રિસર્ચ અને સંશોધન માટે નવા આયામો સર કરવા કચ્છ યુનિવર્સિટીને આગળ લઈ જવામાં આવશે.
કચ્છના વિવિધ વિભાગને લાગતા કોર્સ શરૂ કરાશે
સોમવારે જ્યારે રાજ્યપાલ પદવીદાન સમારોહ માટે કચ્છ આવશે ત્યારે કુલપતિ ડૉ.મોહન પટેલ તેમની સાથે ખાસ મુલાકાત કરીને કચ્છ યુનિવર્સિટીના કર્યો અને આગામી રોડમેપ અંગે પણ ચર્ચા કરશે. કચ્છમાં વિશાળ દરિયા કિનારો છે, ખનીજો છે, ઉદ્યોગો છે, હસ્તકલા છે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો સ્કોપ વધારે છે તો તેના સબંધિત કોર્સ શરૂ કરવામાં આવે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવશે. જો કન્યા શિક્ષણ માટેની શાળામાં 150 કરોડનું દાન મળી શકે તો કચ્છ યુનિવર્સિટીને પણ શા માટે ના મળી શકે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના અભ્યાસ અને વિકાસ માટે પણ દાન મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે.
આ સાથે જ કચ્છ યુનિવર્સિટીમાં મીડિયા વિભાગ માટે પણ 3 વર્ષનું કોર્ષ શરૂ કરવા પ્રયત્નો કરવામાં આવશે. આગામી 5 વર્ષ કુલપતિ તરીકે ફરજ બજાવવા માટે 5 વર્ષનું રોડમેપ બનાવવું અનિવાર્ય છે. જેના થકી કચ્છ યુનિવર્સિટીનું વિકાસ તેમજ અન્ય પ્રશ્નોને ઉકેલીને આ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરે આગળ લઈ જઈ શકાશે તેવું ડો.મોહન પટેલે જણાવ્યું હતું.