અમદાવાદ: દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે અમદાવાદની ફટાકડા બજારમાં ચહલ પહલ વધવા લાગી છે. પરંતુ બહું ઓછા લોકોને ખબર હશે કે આ ફટાકડા કેવી રીતે બને છે ? કોના દ્વારા બનાવવામાં આવે છે ? ફટકડામાં ક્યાં ક્યા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે અને ફટાકડાઓ ક્યાં બનાવવામાં આવે છે ? તો આજે આપને જણાવીશું અમદાવાદના એક એવા ગામ વિશે કે જ્યાં મોટાભાગના લોકોનો માત્ર એક જ વ્યવસાય છે અને તે છે ફટાકડા બનાવવાનો !
આખા ગામમાં 24 જેટલી ફટાકડાની ફેક્ટરી: લગભગ વર્ષ 2005માં અમદાવાદ શહેરના દસક્રોઈ તાલુકામાં આવેલ વાંચ ગામમાં ફટાકડાની પહેલી ફેક્ટરી નાખવામાં આવી હતી, ધીમે ધીમે વ્યવસાય વધતો ગયો અને અત્યારે આ ગામમાં 24 જેટલી ફટાકડાની ફેક્ટરીઓ આવેલી છે. આ ફેક્ટરીઓમાંથી પહેલા અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ફટાકડા જતા હતા પરંતુ હવે વ્યવસાય એટલો વધી ગયો છે કે સમગ્ર રાજ્ય સહિત આસપાસના અન્ય રાજ્યોમાં પણ વાંચ ગામના ફટાકડાઓની સપ્લાય કરવામા આવે છે.
દિવાળીના 6 મહિના પહેલાં શરૂ થાય છે તૈયારી: છેલ્લી 4 પેઢીઓથી ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા અને વાંચ ગામે ફટકડાની ફેક્ટરી ધરાવતા સોનિક ફાયરવર્કસના માલિક નદિમભાઈ ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવે છે કે દિવાળી આવે તેના 6 મહિના અગાઉથી અમે તે માટેની કામગીરી શરૂ કરી દઈએ છીએ પરંતુ આ વખતે વરસાદના કારણે ત્રણ મહિના મોડું થઈ ગયું છે.
કેટલું કરવું પડે છે રોકાણ: ફટાકડાની ફેક્ટ્રી માટે અંદાજે 20 થી 25 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે, જેની સામે તેમને અંદાજિત 5% થી 7% જેટલો નફો મળે છે. તેઓ જણાવે છે કે, અત્યારે તેમને ત્યાં 15 થી 16 કારીગરો આ ફટાકડા બનાવવાનું કામ કરે છે અને આનાથી જ તેમના ઘરનું ગુજરાન ચાલે છે. આ વખતે બજારમાં મોંઘવારીના કારણે તેજી જોવા મળતી નથી ફટાકડા સંપૂર્ણ જીએસટીમાં જવાથી આ વખતે તેમાં પણ 20થી 30 % ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
રાજકોટ અગ્નીકાંડના બાદ કડક થયા કાયદા: ફટાકડા ફેક્ટરીના માલિકોએ સ્ટોલ નાખવા અને ફેક્ટરી બંને માટે લાયસન્સ લેવું, ફાયર NOC લેવું અને જમીનને NA કરાવવી ફરજીયાત બને છે, જો ફાયર NOC ન હોય તો ફટાકડા બનાવવાની કે વહેંચવાની પરવાનગી મળતી નથી. વધુમાં નદીમભાઈ જણાવે છે કે રાજકોટ અગ્નિકાંડ બાદ કાયદાઓ આકરા બની ગયા છે, દિવાળીને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે હવે છેક અમને સ્ટોલ નાખવા માટેની મંજૂરી અને ફાયર NOC આપવામાં આવ્યું છે. અમારે 1 હજાર વારની જગ્યા છે જેમાં અમારે લગભગ 15 થી 16 અગ્નિશામકના બાટલા સાથે 20 થી 25 રેતીની અને પાણીની ડોલ મૂકવી પડે છે.
ફટાકડાની ફેક્ટરીમાં શું હોય છે મજુરી: છેલ્લા 20 વર્ષથી ફટાકડા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા ઈસ્માઈલભાઈ જણાવે છે કે, અમે સવારે 8:30- 9:00 વાગ્યે અહીં આવી જઈએ છીએ અને સાંજે 5:00 વાગ્યા સુધી કામ કરીએ છીએ, તેના બદલામાં તેમને 450 થી 500 રૂપિયા મજૂરી મળે છે.
આ કેમિકલ તો અમારા માટે દવા જેવું: વધુમાં ઈસ્માઈલભાઈ જણાવે છે કે, આજે કેમિકલ અને ફટાકડાનો દારૂ છે તે અમને કોઈ નુકસાન નથી પહોંચાડતું તેના કારણે અમને કોઈપણ પ્રકારની મુશ્કેલી નથી પડતી, ઉલ્ટાનું આતો અમારા માટે દવા જેવું છે. કંઈક લાગે ત્યારે ત્યાં આ કેમિકલ લગાડી દઈએ તો અમને મટી જાય છે અને તેની ઉપર માખી કે મચ્છર પણ નથી બેસતા.
પહેલા માત્ર આ બે સમાજ લોકો ફટાકડા બનાવતા હતા: પહેલા વાંચ ગામમાં આ ફટાકડાનો વ્યવસાય માત્ર મુસ્લિમ અને દેવીપુજક સમાજના લોકો જ કરતા હતા, પરંતુ હવે બધાને પોતાના પેટનો સવાલ છે તે માટે બધા સમાજના લોકો હવે આ કામ કરે છે, અત્યારે અહીં વાંચ ગામમાં લગભગ 24 જેટલી ફટાકડા બનાવતી ફેક્ટરીઓ છે. બધી ફેક્ટરીઓમાં અંદાજે 15 થી 20 લોકો મારી જેમ ફટાકડા બનાવવાનું કામ કરે છે એટલે અંદાજિત 450 થી 500 જેટલા વાંચ ગામના લોકો ફટાકડા બનાવવાના આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. -ઈસ્માઈલભાઈ, ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક
આ કામ કરવું અમારી મજબૂરી: પોતાનું નામ ન જણાવતા અને છેલ્લા 40 વર્ષથી ફટાકડા બનાવવાનું કામ કરતા એક મહિલા શ્રમિકે જણાવ્યું હતું કે, અમારી મજબૂરી છે તે માટે અમે આ કામ કરીએ છીએ શેઠને અમારી જરૂર છે અને અમારે કામની જરૂર છે.