સુરત : શહેરના રેલ્વે સ્ટેશન પર ફરી એક વખત અવ્યવસ્થા જોવા મળી હતી. ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં યાત્રીઓ એકત્ર થઈ ગયા હતા અને રેલવે સ્ટેશન પર વ્યવસ્થા શૂન્ય જોવા મળી હતી. યુપી બિહાર સહિત અન્ય રાજ્યમાં જવા માટે હાલ ઉનાળાના વેકેશનમાં યાત્રીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. જેના કારણે ભગદડની સ્થિતિ સર્જાઇ હતી. કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ભારે ગરમીના કારણે લોકોની તબિયત પણ લથડી હતી.
તંત્રની બેદરકારી: દિવાળી વેકેશન હોય કે ઉનાળાનું વેકેશન દર વખતે સુરત રેલ્વે સ્ટેશન પર પોતાના વતન જઈ રહેલા યાત્રીઓની સંખ્યામાં વધારે હોવા છતાં રેલવે તંત્રની બેદરકારી હંમેશાં સામે આવતી હોય છે, આ વખતે પણ ઉધના રેલવે સ્ટેશન પર રેલવે તંત્રની બેદરકારી સ્પષ્ટ પણે જોવા મળી હતી. અંતોદય આનારક્ષિત ટ્રેનમાં બેસવા માટે હજારોની સંખ્યામાં યાત્રીઓ એકત્ર થઈ ગયા હતા. રેલવે પ્લેટફોર્મ ઉપરાંત ઉધના રેલવે સ્ટેશનના પરિસરમાં હજારોની સંખ્યામાં યાત્રીઓ જોવા મળ્યા હતા. છ વધારાની સમર વેકેશન ટ્રેન જાહેરાત કર્યા પછી પણ મોટી સંખ્યામાં યાત્રીઓ એકત્ર થયા હતા.
અગાઉ પણ સર્જાઈ હતી આવી સ્થિતિ: અગાઉ પણ દિવાળી વેકેશનમાં ઘરે જઈ રહેલા યાત્રીઓ આવી જ અવ્યવસ્થાનો ભોગ બન્યા હતા, જેમાં એક યાત્રીનું મોત નીપજ્યું હતું. ઉધનામાં બનેલી આ સ્થિતિ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાર્ટીલે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી હતી. અને તેઓએ આવી સ્થિતિમાં વધારાની છ ટ્રેનો દોડાવવાની વાત કરી હતી.
કેટલાંક લોકોની તબિયત બગડી: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યમાં જવાના લોકો ભેગા થયા હતા. અફરા તફરી સર્જાઈ હતી.એક ટ્રેનની અંદર કદાચ ત્રણ-ચાર ટ્રેનના પેસેન્જર એકસાથે સ્ટેશન પર હતા. ધક્કા મૂકી પણ થઈ હતી. કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત બગડી એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અંગે તાત્કાલિક મે કેન્દ્રીય રેલવે મંત્રી વૈષ્ણવજી સાથે વાત કરી હતી.
છ વધારાની ટ્રેન: ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, રેલવે પ્રધાનને રજૂઆત કરી હતી કે હાલ વેકેશન હોવાના કારણે મોટી સંખ્યામાં ઉત્તર ભારત જવા માટે યાત્રીઓની સંખ્યા વધારે હોય છે અને જેથી અવ્યવસ્થા સર્જાય છે. તરત જ અશ્વિની વૈષ્ણવે તાત્કાલિક સૂચનાઓ પણ આપી દીધી છે અને વધારાને ટ્રેનો દોડાવવામાં આવશે તેવું જણાવ્યું હતું. હું યુપી બિહાર જનારા ભાઈ બહેનોને કહેવા માગું છું કે, છ વધારાની ટ્રેન આવવાની છે. ખોટી ભીડ ન કરે પોતે પહેલા ટિકિટ લઈ લે અને પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે. જેથી કોઈપણ પ્રકારે અઈચ્છનીય બનાવ ન બને ખોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન સર્જાય આ માટે લોકોને અપીલ કરું છું.