પોરબંદર: પોરબંદરમા હીરાપન્ના કોમ્પ્લેક્સ અતિશય જર્જરીત બન્યો હોવાથી નોટિસ ફટકાર્યા બાદ પણ લોકો ખાલી ન કરતા હોવાથી કલેક્ટરએ દુર્ઘટના ન સર્જાય તે પહેલા ખાલી કરવા જણાવ્યું હતું. આ વિષય પર તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે અને આ સૌની સલામતીનો પ્રશ્ન છે તેવી કલેક્ટરએ સૌને સમજૂતી આપી હતી. આમ જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીની સમજાવતથી 12 દુકાન ધારક અને 10 રેસીડેન્સી લોકોએ જર્જરિત બિલ્ડીંગ ખાલી કરવામાં સહમતિ આપી છે.
ફ્લેટ ધારકોને અન્ય જગ્યાએ મકાન શોધી શિફ્ટ થવા માટે એક સપ્તાહનો સમય અપાયો છે.
ભૂતકાળમાં બનેલ બનાવ: પોરબંદર શહેરમાં હીરાપન્ના કોમ્પલેક્ષ અતિશય જર્જરી બન્યું છે. અગાઉ બીપરજોય વાવાઝોડા દરમિયાન આ કોમ્પ્લેક્સ જર્જરિત બન્યો હોવાની ગંભીરતા લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી હતી. અને ખૂબ જ બિસ્માર બનેલ હીરાપન્ના કોમ્પ્લેક્સમાંથી ફ્લેટ ધારકો અને દુકાનદારોને ખાલી કરવા જણાવવામાં આવ્યું હતું.
કોમ્પલેક્ષ ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું: તાજેતરમાં ચોમાસાનો શુભારંભ થયો છે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ખૂબ જ જોખમી બનેલ હીરાપન્ના કોમ્પલેક્ષ ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. નગરપાલિકાના તંત્ર દ્વારા નળ કનેક્શન કાપવા અને દુકાનોમાં સીલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ 10 જેટલા ફ્લેટ ધારકો અને 12 દુકાનદારો દ્વારા તાજેતરમાં જિલ્લા કલેકટર કે. ડી. લાખાણીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સોમવારના દિવસે નગરપાલિકાના તંત્ર સહિત જિલ્લા વહીવટી તંત્રએ ફ્લેટ ધારકો અને દુકાનદારોને ખાલી કરવા આદેશ કર્યો હતો.
જિલ્લા કલેકટરની સમજાવટથી કોમ્પલેક્ષ ખાલી કરવાનો નિર્ણય થયો: જાણવા જેવી બાબત એ છે કે, દુકાનદાર અને ફ્લેટ ધારકોએ જર્જરિત બિલ્ડીંગ ખાલી ન કર્યું હતું. અંતે જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીએ હીરાપન્ના કોમ્પ્લેક્સ ખાતે સ્થળ વિઝીટ કરી હતી. અને આ ખૂબ જ જર્જરીત બનેલ ઈમારતનું ઇન્સ્પેક્શન કર્યું હતું. આ મોટી ઇમારત ધરાશાય થાય તો આસપાસના અન્ય વિસ્તારોને પણ નુકસાન પહોંચી શકે તેવી સ્થિતિ જણાઈ આવી હતી. તેમજ જે પરિવારો ફ્લેટ ખાલી ન કરતા હતા, તેઓને તેમના જીવનું જોખમ હોવા અંગે જિલ્લા કલેક્ટરએ સમજાવટ કરી લોકોને સમજૂત કર્યાં હતા. કલેકટર દ્વારા સમજાવ્યા બાદ સ્થાનિકોએ આ જોખમી ઇમારત ખાલી કરવાનો નિર્ણય લીધો હતો. અન્ય જગ્યાએ શિફ્ટ ન થાય અને તેમનો સમાન વ્યવસ્થિત બીજે ત્યાં ન ગોઠવાય ત્યાં સુધીનો સમય આપવામાં આવે તેવી રજૂઆત જિલ્લા કલેક્ટર સમક્ષ કરાઈ લોકો દ્વારા કરવામાં આવી હતી. પરિણામે તેઓને અન્ય સ્થળે ઘરનો સામાન શિફ્ટ કરવા માટેનો સમય આપવામાં આવ્યો હતો. આમ જિલ્લા કલેકટરની સમજાવટથી હીરાપન્ના કોમ્પલેક્ષ ખાલી કરવાનો નિર્ણય થયો છે.

બિલ્ડીંગ ખૂબ જ જર્જરિત બન્યું છે: જિલ્લા કલેક્ટર કે. ડી. લાખાણીની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી સહિત વહીવટી તંત્રના અલગ અલગ વિભાગોના અધિકારી કર્મચારીઓ પણ જોડાયા હતા. આ બિલ્ડીંગ ખૂબ જ જર્જરિત બન્યું હોવાથી તેની તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી હતી.
સૌની સહભાગીતા જરૂરી છે: જિલ્લા કલેકટર કે .ડી લાખાણીએ આ મુદ્દે જણાવતા કહ્યું હતું કે, "પોરબંદર જિલ્લામાં જે કોઈ બિલ્ડીંગ જર્જરિત છે અને ત્યાં રહેવાનું જોખમ છે તે માટે સ્થાનિક તંત્ર દ્વારા જણાવવામાં આવે તો પરિવારજનોની સલામતી માટે ઘરના મોટાઓને યોગ્ય નિર્ણય લઈ તંત્રને સહકાર આપવા બદલ અપીલ કરવામાં આવી છે. દુર્ઘટનાઓમાં ઝીરો કેજ્યુઆલિટીનો સરકાર અભિગમ ધરાવે છે એમાં સૌની સહભાગીતા જરૂરી છે."