સુરત: લોકસભા ચૂંટણી માટે પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ આ પ્રચાર પ્રસાર દરમિયાન DGVCLના અધિકારીઓની તસવીર હાલ વાઇરલ થઇ છે. જેને લઈ કોંગ્રેસે ચૂંટણી પંચ અને જિલ્લા કલેકટરને રજૂઆત પણ કરી છે. જેમાં ખાસ નીરવ દેસાઈ ડીજીવીસીએલના વહીવટી અધિકારી સહિત અન્ય કર્મચારીઓના નામ સાથે કોંગ્રેસે ફરિયાદ કરી છે.
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમયે વીજ કંપનીના કેટલાક અધિકારીઓ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સાથે જોવા મળ્યા હતા. એક જ મંચ પર ઉમેદવાર સાથે બેસ્યા હતા. જેને લઇ કોંગ્રેસે અંગે ફરિયાદ કરી છે અને આવા અધિકારીઓને તાત્કાલિક હટાવીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
હાલમાં લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વહીવટી અધિકારી નીરવ દેસાઈએ ખુલ્લેઆમ તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના સમર્થનમાં જાહેરમાં મીટીંગ કરેલી હતી. એના ફોટોગ્રાફ્સ સહિત જિલ્લા કલેકટર ચૂંટણી પંચ અને રાષ્ટ્રીય ચૂંટણી પંચને ફરિયાદ કરેલી છે. આજે આઠ દિવસ હોવા છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આજે ફરી એક વખત અમે જિલ્લા કલેકટરને આ અંગે લેખિત ફરિયાદ કરી છે. - કૌશલ બારોટે, કોંગ્રેસના નેતા
અધિકારીને સસ્પેન્ડ કરવા માંગ: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, એક બાજુ આદર્શ વાતાવરણમાં ચૂંટણી થાય તેવી વાતો કરતા હો છો. ત્યારે કોંગ્રેસ પક્ષ જવાબદાર પક્ષ તરીકે લેખિતમાં રજૂઆત કરે છે ત્યારે તમે સરકારી અધિકારીઓને બચાવવા માટે પ્રયાસ કરો છો. એ સામે અમને વાંધો છે. ચૂંટણી પંચને તાત્કાલિક અસરથી જે અમે રજૂઆત કરી છે એની સામે કાર્યવાહી કરીને નીરવ દેસાઈ કરીને જે પણ વહીવટ અધિકારી છે સસ્પેન્ડ કરવા જોઈએ..
જોકે આ સમગ્ર મામલે ટેલિફનિક અધિકારી નીરવ દેસાઈ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ આ અંગે કશું જણાવ્યું ન હતું.. તેઓએ કહ્યું હતું ચૂંટણી પંચ જે પણ પૂછશે તે જવાબ આપીશ.