સુરત : અમદાવાદમાં તા. 18 થી 22 એપ્રિલ દરમિયાન શાન્તિજિન જૈન સંઘ - અધ્યાત્મ પરિવારના ઉપક્રમે આયોજિત વીરવ્રતોત્સવ સામુહિક દીક્ષા ઉત્સવમાં જૈનાચાર્ય યોગતિલકસૂરીશ્વરજી મહારાજ સાનિધ્યમાં 35- દીક્ષાર્થીઓ સંયમમાર્ગે જશે. જેમાં સુરતનાં દેવેશ નંદીષેણભાઈ રાતડીયા સામેલ છે.પરિવારની CA તથા એકાઉન્ટની 5 જેટલી પેઢીના સીધા વારસદાર બનવાની શક્યતાઓ હોવા છતાં દેવેશ દીક્ષા ગ્રહણ કરશે.
અતિ વૈભવ અને સાહ્યબી વચ્ચે ઉછેર: અતિ વૈભવ અને સાહ્યબી વચ્ચે ઉછેર વચ્ચે સવા લાખનો મોબાઈલ અને મોંઘી SUV કાર દેવેશ વાપરે છે. ફરવાનો પણ શોખ - દુબઈ વગેરે જગ્યાએ પણ ગયો.આ સિવાય એને ક્રિકેટનો પણ ભારે શોખ છે. લગ્નની વાત નીકળે એટલે કોઈને કોઈ રીતે એને ટાળી દેતો. દેવેશનાં રોજિંદા નિત્યક્રમમાં ઘરમાં 100 વર્ષોમાં ક્યારેય રાત્રિભોજન નથી કર્યુ. નિત્ય પૂજા કરે છે. તેની સંગીતમાં શાસ્ત્રીય રાગ અને સૂરતાલ પર એની ગજબની પક્કડ છે. જેને કારણે એ જૈનસમાજના પ્રથમ શ્રેણીના ગાયક અને સંગીતજ્ઞમાં સામેલ થઇ ગયો.પણ ક્યાંય કોઈ કાર્યક્રમમાં એક પણ રૂપિયો સંગીત કળાના નામે લીધો નથી. નિઃસ્વાર્થ ભાવે સંગીત ભક્તિ કરી છે. અત્યાર સુધીમાં એણે 27 જેટલા શાસનના સૂરીલા ગીતો સર્જ્યા છે. ‘અજબ ગજબ ઉત્સવ ધજાનો’ હોય કે પછી ‘નાચે રે ઝૂમે તેરવાડા’ હોય, એના તમામ ગીતો ખૂબ વખણાયા છે. પણ આ ગીતોનો વિડિયો કે ઓડિયો સોશ્યલ મીડિયામાં ક્યાંય જોવા નહીં મળે.
ખુદ મહાપૂજામાં પ્રભુજીની સંધ્યાભક્તિ કરશે: દેવેશની દીક્ષામાં એક ખાસ વાત એ છે, કે અમદાવાદ વીરવ્રતોત્સવ પ્રસંગે, દીક્ષાના આગલા દિવસે સંસારની છેલ્લી સાંજે અંતિમ વાયણા બાદ પ્રથમવાર એવું બનશે. કે દીક્ષાર્થી ખુદ મહાપૂજામાં પ્રભુજીની સંધ્યાભક્તિ કરશે અને કરાવશે.
આધ્યાત્મએ વ્યક્તિને સર્વોચ્ચ સુખ આપી શકે: દેવેશએ જણાવ્યુ હતુ કે, સંસારમાં બધા સુખ ખંડિત છે. ખુબ સમજી વિચારીને હું આ માર્ગ પર આગળ વધ્યો છે. હું હવે આ સંસારીક જીવન ત્યજી એક આદર્શ જીવન જીવવા માગું છું. આધ્યાત્મએ વ્યક્તિને સર્વોચ્ચ સુખ આપી શકે છે.
માતા પિતાનો એકમાત્ર દીકરો: એકલ પુત્રને દીક્ષા આપતા દેવેશના માતાપિતા ફાલ્ગુનીબેન અને નંદિષેણભાઇ જણાવ્યુ હતુ કે,ઘર કરતા અમે એને ગુરુકુળવાસમાં વધુ ખુશ જોયો છે. અમારો એકમાત્ર દીકરો સર્વોચ્ય એવા સંયમ માર્ગે આગળ જઈ રહ્યો હોય તો અમારે તો એને સમર્થન છે.આ અમારા માટે આનંદ અને ગૌરવની ઘડી છે.
હાર્મોનિયમ થીમ પર કંકોતરી: દેવેશ સંગીતનો મર્મજ્ઞ છે. સંગીત એને ખુબ પ્રિય છે. નવરાશની પળોમાં એ હંમેશા સંગીત સાથે જ હોય. હાર્મોનિયમ એનુ પ્રિય સંગીત વાદ્ય છે. એથી જ હાર્મોનિયમની થીમ પર એની આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે. કંકોતરી હાથમાં લેતાં જાણે મીની હાર્મોનિયમ હાથમાં આવી ગયું હોય એવો અહેસાસ થઈ આવે. ને જ્યારે કંકોતરી ખૂલે ત્યારે અંદરથી સંયમની સુવાસ ચારેકોર ફેલાય જાય છે.
પાલીતાણા ઉપધાન અને સુરતમાં સિદ્ધિતપ કર્યા: 2012ના સુરત ખાતેના ગુરુયોગના ચાતુર્માસ સમયે શ્રવણ કરેલી ગુરુવાણીએ એના જીવનમાં પ્રવ્રજ્યાની જ્યોત પ્રગટાવી. પાલીતાણા ઉપધાન અને સુરતમાં સિદ્ધિતપ કર્યા. એ જ ધાર્મિક વાતાવરણમાં ખૂબ મનોમંથન કર્યું કે ક્યાં છે સુખ?? એમાં "કર્મ છોડાવે તેના કરતાં જાતે છોડવું સારું." ગુરુયોગના આ એક વાક્યએ ચાનક જગાડી અને તેઓની લગભગ પોણાત્રણ વર્ષની મુમુક્ષુયાત્રા પ્રારંભ થઇ. પરિવારની CA તથા એકાઉન્ટની 5 જેટલી પેઢીના સીધા વારસદાર બનવાની શક્યતાઓ હોવા છતાં, ભર યુવાન વય, સુખ-શાંતિ, સુખ સંપત્તિ અને સગવડો, તંદુરસ્ત તન, સંયુક્ત પરિવારનો પ્રેમ, મેનેજમેન્ટમાં માસ્ટરી, નામના-ખ્યાતિ, સંગીતમાં આગળ પડતી બુદ્ધિ, હાજરજવાબીપણું,ગાડીઓ, 7000ફૂટનો વેસુમાં ફ્લેટ, અનેક છોકરીઓના માંગા, માતા પિતા.દાદા દાદી,કાકા કાકી ભાઈઓ, બેન-બનેવી, ફઇ-મામા, મિત્રો વગેરેનો સ્નેહ વગેરે કેટલુંય છોડીને તેઓએ વૈરાગ્ય તરફ આગળ વધવા મન મક્કમ કર્યું. જે બહારની દુનિયાના સુખો મેળવવાનું લોકોનું સપનું હોય છે, જેના માટે લોકો દોડે છે. દેવેશે છ મહિના ગુરુકુળવાસ અને સાધુભગવંતો સાથે 600 કિલોમીટર જેટલો આકરો પદવિહાર કર્યો છે.
Diksha Samaroh: જામનગરની 3 પેઢીએ એક સાથે સંસારનો ત્યાગ કરીને સંયમ માર્ગ અપનાવ્યો