દેવભૂમિ દ્વારકા : છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં સૌથી વધુ 11.8 ઇંચ અને દ્વારકા તાલુકામાં સૌથી ઓછો 8.6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કંટ્રોલ રૂમ તરફથી મળેલી માહિતી મુજબ દ્વારકા તાલુકામાં 8.6 ઇંચ, ખંભાળિયા તાલુકામાં 9 ઇંચ, ભાણવડ તાલુકામાં 11.8 ઇંચ જ્યારે કલ્યાણપુર તાલુકામાં 10.52 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકામાં તારાજી : દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. લોકોના જાન-માલનું રક્ષણ કરવા જિલ્લા પ્રશાસન તંત્ર સાથે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, આર્મી તેમજ NDRF ટીમો ખડેપગે ફરજ બજાવી રહી છે. ઓખા સમુદ્રમાં ફસાયેલા 13 જિલ્લા માછીમારોનું કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મેઘપર ટીટોડી ગામે પાણીના પ્રવાહમાં ફસાયેલા આઠ લોકોનું કોસ્ટગાર્ડના ચોપર દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. દ્વારકાના આવડપારા વિસ્તારમાં ફસાયેલા 28 જેટલા લોકોનું NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. રાવલ ગામે રાહત કામ અર્થે આર્મીની ટુકડી પણ પહોંચી હતી.
દિલધડક રેસ્ક્યુ ઓપરેશન : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે 7 જેટલા લોકો પાણીમાં ફસાયા હોવાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્રએ સતર્કતા દાખવી હતી. તમામ લોકોને NDRF ટીમની મદદથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ ધુમથર ગામેથી 4 લોકોનું હેલિકોપ્ટર દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય આપદા મોચન દળના જવાનો બચાવ અને રાહત કાર્યમાં જિલ્લા વહીવટી તંત્રને મદદમાં ઉતર્યા છે. જિલ્લાના આવડપરા ગામેથી 26 જેટલા વ્યક્તિનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
સંપર્ક વિહોણા ગામ માટે મદદ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્ય સરકારના સીધા માર્ગદર્શનમાં કલેકટર જી. ટી. પંડ્યાના દિશાનિર્દેશ સાથે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે નાગરિકોની મદદ માટે સતત કાર્યશીલ છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલરૂમ ખાતેથી સંપર્ક વિહોણા ગામ સાથે કોમ્યુનિકેશન કરી સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે.
અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારના અસરગ્રસ્ત અનેક લોકોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થાને સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેને પગલે દ્વારકા નગરપાલીકા દ્વારા અસરગ્રસ્ત અંદાજિત 1500 જેટલા નાગરિકોના ભોજન વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સલામતીને પ્રાથમિકતા અગ્રતા ધોરણે રાખી રાખી સતર્કતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે.
બચાવ-રાહત કામગીરી : જિલ્લા વહીવટી તંત્રના આપત્તિ વ્યવસ્થાપન તંત્રના નિયંત્રણ કક્ષને ઉક્ત બાબતે મળેલા સંદેશાને પગલે એનડીઆરએફના જવાનોની એક ટીમને બોટ સાથે આવડપરા ગામે રવાના કરવામાં આવી હતી. જ્યાં ફસાયેલા 12 પુરુષો, 9 મહિલાઓ અને 5 બાળકોને NDRFના જવાનો દ્વારા લાઇફ સેવિંગ જેકેટ પહેરાવી બોટમાં બેસાડી આશ્રયસ્થાન સલામત રીતે ખસેડવામાં આવ્યા હતા.
રાવલ ગામના નીચાણવાળા વિસ્તારમાંથી 100 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. દ્વારકાના આવડ પાડા, રૂપેણ બંદર સહિતના નીચાણવાળા વિસ્તારમાંથી 1500 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતું. ખંભાળિયા ખાતે નીચાણવાળા વિસ્તારમાંથી 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. ભાણવડ ખાતે 100 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતું.
"જળ ત્યાં સ્થળ " : ખંભાળિયા ડિવિઝનમાં 44 ગામોમાં તેમજ દ્વારકા ડિવિઝનમાં 88 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જે પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે. દ્વારકાની ગોમતી નદીના તમામ ઘાટ પર પાણી ફરી વળ્યુ હતું. દ્વારકાના ઇસ્કોન ગેટ પાસે પાણી ભરાતા અનેક હોટેલમાં પાણી ઘૂસ્યા હતા. દ્વારકા-ખંભાળિયા હાઇવે પર સમુદ્રનું તેમજ વરસાદનું પાણી ભરાતા સમુદ્ર જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ખંભાળિયાની અનેક સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયાં હતાં. સાથે જ સલાયા બંદર વિસ્તાર અને યાત્રાધામ હર્ષદમાં પણ પાણી ભરાયા છે.
પરિવહનના તમામ માધ્યમ પ્રભાવિત : માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 32 તેમજ રાજ્ય હસ્તકના 5 રસ્તા હાલ બંધ છે. જેમાં ખંભાળિયા-પોરબંદર હાઇવે, ખંભાળિયા-જામનગર હાઇવે, કલ્યાણપુર-પોરબંદર હાઇવે, ભાટિયા-ભોગાત હાઇવે, દ્વારકા-ઓખા હાઇવે, દ્વારકા-નાગેશ્વર હાઇવે, સલાયા-ગોઈંજ રોડ સહિત જિલ્લામાં કુલ 37 જેટલા રસ્તા હાલ બંધ છે. જ્યારે ST ના 22 રૂટ બંધ છે. દ્વારકા જિલ્લામાં મોટાભાગના એસ.ટી. બસના રૂટ રદ થયા હતા. તો રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો હતો.
જાનમાલને ભારે નુકસાન : પ્રવર્તમાન ભારે વરસાદની સ્થિતિ પગલે જિલ્લા કંટ્રોલરૂમમાંથી મળેલા અહેવાલ અનુસાર ખંભાળિયા પંથકમાં ખાબકી રહેલા ધોધમાર વરસાદને પગલે ખંભાળિયા સ્મશાનમાં પાણી ભરાતા અગ્નિ સંસ્કાર માટે લાવવામાં આવેલ મૃતદેહોને વેઇટિંગમાં રાખવા પડ્યા હતા. ભાણવડ પંથકમાં આવેલા વર્તુ 2 ડેમ ભયજનક સપાટીએ હોઈ 10 દરવાજા ખુલ્લા રાખ્યા હતા, જેના પગલે રાવલ ગામ બેટમાં ફેરવાયું હતું.
ભાણવડ પંથકમાં વૃક્ષ પડવાથી 1 મહિલાનું મૃત્યુ થયું હતું. તો ભાણવડની નક્તી નદીમાં એક કાર ખાબકી હતી. રાવલ ગામે હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા હતા, જેથી દર્દી તેમજ ડોક્ટરનું રેસ્ક્યુ કરાયું હતું. તો બાટીસા પાસે દર્દીને ટ્રેક્ટર દ્વારા 108 સુધી પહોંચાડી પ્રાથમિક સારવાર અપાય હતી. રાત્રે 10 વાગ્યા આસપાસ ધીરો પડેલો વરસાદ રાત્રે 2 વાગ્યા બાદ ફરી ધોધમાર જામ્યો હતો.