જુનાગઢ: જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા જુનાગઢ લોકસભા અંતર્ગત ગત 22 એપ્રિલે વિસાવદર વિધાનસભાના ગામમાં સભાનું આયોજન કર્યું હતું, જેમાં જિલ્લા પ્રમુખ કિરીટ પટેલે દિવ્યાંગોને લઈને જે ભાષાનો પ્રયોગ કર્યો હતો તેને લઈને આજે દિવ્યાંગો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને કિરીટ પટેલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.
ભાજપ પ્રમુખ સામે દિવ્યાંગો મેદાને: લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. આવા સમયે ચૂંટણીની સભામાં નેતાઓ દ્વારા કેટલાક આપત્તિજનક અને અણછાજતા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ગત 22 એપ્રિલના રોજ જુનાગઢ લોકસભા મતવિસ્તારમાં આવતા વિસાવદર વિધાનસભાના એક ગામમાં ભાજપની સભાનુ આયોજન થયું હતું, જેમાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા દિવ્યાંગોનો ઉલ્લેખ કરીને કેટલીક અપમાનજનક ભાષાનો પ્રયોગ કર્યો હતો. જેના વિરુદ્ધમાં હવે દિવ્યાંગો મેદાનમાં ઉતરી રહ્યા છે. આજે દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા જુનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર આપ્યું છે.
દિવ્યાંગોએ વ્યક્ત કર્યો રોષ: જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા દિવ્યાંગો પર જે ન બોલવાની ભાષાનો પ્રયોગ કરીને તેમના ભાષણમાં જે પ્રદર્શિત કરવા માગતા હતા તેને લઈને હવે સમગ્ર રાજ્યના દિવ્યાંગોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે દિવ્યાંગ અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ રમેશ કોરાટની હાજરીમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જે રીતે જિલ્લા ભાજપ પ્રમુખે દિવ્યાંગોને અપમાનજનક સ્થિતિમાં મૂક્યા છે. ત્યારે ચૂંટણી પંચ આચારસંહિતાના ભંગ બદલ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરે તેવી માંગ કરી છે. આજના દિવસે કલેક્ટર ઓફિસમાં કલેકટર કે નાયબ કલેક્ટર હાજર નહીં હોવાને કારણે દિવ્યાંગો રોષે ભરાયા હતા અને કલેક્ટર કચેરીમાં રામધુન બોલાવીને કલેકટર અને અન્ય જવાબદાર અધિકારીઓની ગેરહાજરીનો પણ વિરોધ કર્યો હતો.