બારડોલી: નગરપાલિકા દ્વારા અસ્તાન રોડ પર બની રહેલ રેલ્વે ઓવરબ્રિજની સર્વિસ લેનના માર્જિનમાં આવતી મિલકતોનું સોમવારના રોજ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજિત 25 જેટલી મિલકતોનું ડિમોલેશન કરી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ત્રણ નોટિસ પાઠવવામાં આવી હતી: બારડોલીથી અસ્તાન જતાં માર્ગ પર સુરત-ભૂસવાલ રેલ્વે લાઇનની રેલ્વે ફાટક નંબર એલસી 25 આવેલી છે. આ રેલ્વે ફાટક પર હાલ ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવી રહી છે. ઓવરબ્રિજના સર્વિસ રોડના માર્જિનમાં નડતર રૂપ મિલકતો, તેમજ કેટલાક મિલકત ધારકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોય તે તમામને નગરપાલિકા દ્વારા તમામ 25 જેટલા મિલકત ધારકોને લેખિતમાં નોટિસ પાઠવવામાં આવી હતી. અત્યાર સુધીમાં નગરપાલિકા દ્વારા 24 જૂન, 2024 સુધી મિલકત હટાવી લેવા માટે ત્રણ નોટિસ પાઠવવામા આવી હતી.
ટીપી સ્કીમના ફાઇનલ પ્લોટમાં આવતી મિલકતો દૂર કરાય: કોઈ પણ મિલકત ધારકોએ આ સૂચનાનું પાલન નહીં કરતાં અંતે પાલિકા દ્વારા સોમવારના રોજ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બારડોલી ચીફ ઓફિસર મિલન પલસાણા, ટાઉન પ્લાનિંગ ઓફિસર અને તેમની ટીમ બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. મોટા ભાગે ટીપી સ્કીમના ફાઇનલ પ્લોટમાં આવતા ઘર અને દુકાનની બહાર શેડ દૂર કરવામાં આવ્યા હતા. તો કેટલાક મકાનો અને દુકાનો પણ માર્જિનમાં આવતા હોય તેને પણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
મોટાભાગના લોકોએ સહકાર આપ્યો: સ્થાનિકો પૈકી મોટા ભાગના લોકોએ આ ડિમોલેશનની પ્રક્રિયામાં સહકાર આપ્યો હતો, તો કેટલાકે તેમની દુકાનો અને મકાનમાંથી સામાન હટાવવા માટે સમય માગ્યો હતો પરંતુ પાલિકા દ્વારા કોઈ પણ જાતનો સમય આપવામાં આવ્યો નથી.
ત્રણ નોટિસ છતાં કોઈએ વાંધો રજૂ ન કર્યો: રોડ કુલ 24 મીટર ખુલ્લો કરવાનો છે, અને તે માટે નગરપાલિકા દ્વારા ગત ડિસેમ્બર મહિનામાં માર્કિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મિલકત ધારકોને નોટિસ પાઠવવામાં આવી હતી. આ નોટિસમાં 6 મીટર માર્જિન છોડવાનો ઉલ્લેખ હતો જેમાં મિલકત ધારકો માત્ર 6 મીટર જગ્યા છોડવાનું સમજ્યા હતા. જેને કારણે તેઓએ ત્રણ ત્રણ નોટિસ છતાં કોઈ વાંધા અરજી રજૂ કરી ન હતી કે, આ બાબતે નગરપાલિકામાં મળવા પણ ગયા ન હતા. આજે જ્યારે ડિમોલેશન શરૂ કરાયું અને જ્યાં માર્કિંગ હતું ત્યાંથી તોડવાની શરૂઆત કરતાં મિલકત ધારકોએ વાંધો ઉઠાવ્યો હતો. જો કે નગરપાલિકાએ આ મામલે કોઈ દબાણમાં આવ્યા વગર મિલકતો દૂર કરવાનું ચાલુ રાખ્યું હતું.
બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર મિલન પલસાણાએ જણાવ્યુ હતું કે, "અસ્તાન રેલ્વે ફાટક પર બની રહેલ એલસી 25 રેલ્વે ઓવરબ્રિજના સર્વિસલેન બનાવવા માટે સરકારની સૂચનાથી ટાઉન પ્લાનિંગના ફાઇનલ પ્લોટ પર દબાણ કરનારને નોટિસ આપવામાં આવી હતી. તે લોકોને ત્રણ નોટિસ ઇશ્યૂ કરવામાં આવી હતી, તેમ છતાં તેમના દ્વારા કોઈ વાંધા રજૂ કરવામાં આવ્યો ન હતો". આજે સરકારની સૂચના મુજબ 25 જેટલી મિલકતોનું દબાણ હટાવવામાં આવી રહ્યું છે.