જૂનાગઢ: જિલ્લાની મુક્તિ માટે લડત લડેલા લડવૈયાઓની યાદમાં જૂનાગઢમાં મુક્તિ સ્તંભનું સ્થાપન થાય તે માટે વડાપ્રધાન કાર્યાલય સમક્ષ કરવામાં માંગ કરવામાં આવી હતી. જેના માટે સ્વાતંત્ર્ય સેનાની શશીકાંત દવે પાછલા 27 વર્ષથી માંગ કરી રહ્યા છે પણ રાજ્ય સરકાર જૂનાગઢ મુક્તિ સ્તંભની માંગ સ્વીકારતી નથી. જેને ધ્યાને રાખીને વડાપ્રધાન સમક્ષ મુક્તિ સ્તંભ સ્થાપવાની માંગ કરી છે. ત્યારે વડાપ્રધાન કાર્યાલયમાંથી પણ મુક્તિ સ્તંભને લઈને શશીકાંત દવેનો સંપર્ક કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં બની શકે કે, જૂનાગઢની મુક્તિ માટે લડાઈ લડેલા લડવૈયાઓની યાદમાં મુક્તિ સ્તંભનું સ્થાપન થઈ શકે છે.
9 મી નવેમ્બરે જૂનાગઢનો મુક્તિ દિવસ: 15 મી ઓગસ્ટ 1947 ના દિવસે સમગ્ર દેશ ગુલામીની જંજીરો કાયમી ધોરણે તોડીને આઝાદ થયો હતો. પરંતુ ભારતની આઝાદીની ખુશીની આ ઘડીમાં જૂનાગઢના નવાબે જૂનાગઢ સાથે માણાવદર, માંગરોળ, અને અન્ય પ્રાંતોનું પાકિસ્તાન સાથે જોડાણ કરી દેતા જૂનાગઢ પંથકમાં શોક છવાયો હતો. જૂનાગઢને ફરી ભારત સાથે જોડવા શામળદાસ ગાંધી અને રતુભાઈ અદાણીની આગેવાનીમાં સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મુક્તિ આંદોલનની શરૂઆત થઈ હતી.
જૂનાગઢ સ્વતંત્ર ભારતનો હિસ્સો બન્યું: 84 દિવસની આ લડત બાદ 9મી નવેમ્બર 1947 ના દિવસે ફરી જૂનાગઢ સ્વતંત્ર ભારતનો હિસ્સો બન્યું હતું. વર્ષ 1997 થી જૂનાગઢની મુક્તિ સંગ્રામ માટે લડતમાં શામેલ તમામ સ્વાતંત્ર સેનાનીઓને માન અને આદર મળે તે માટે જૂનાગઢમાં આરઝી હકુમતનો એક મુક્તિ સ્તંભની સ્થાપના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. 9મી નવેમ્બર 1997 ના રોજ તત્કાલિન મુખ્યપ્રધાન દિલીપ પરીખ બહાઉદ્દીન કોલેજમાં શિલારોપણ વિધિ કરીને જૂનાગઢમાં મુક્તિ સંગ્રામ સ્તંભની સ્થાપના કરાશે. તેવું વચન આપ્યું હતું.
આજે 27 વર્ષનો સમય વિતી ચૂક્યા: કમિટીના અધ્યક્ષ તરીકે જે તે સમયે કેબિનેટ પ્રધાન જસાભાઈ બારડની નિમણૂક કરવામાં આવી હતી. આ વાતને આજે 27 વર્ષનો સમય વિતી ચૂક્યો છે. તેમ છતાં હજુ સુધી જૂનાગઢને પાકિસ્તાનમાંથી મુક્ત કરાવીને ફરી અખંડ ભારતનો હિસ્સો બનાવનાર આરઝી હુકુમતના મુક્તિ સ્તંભનું કામ થયું નથી. જેને લઈને સ્વાતંત્ર્ય સેનાની શશીકાંત દવેએ રોષ વ્યક્ત કર્યો છે.
શામળદાસ ગાંધીની આગેવાનીમાં આરઝી હૂકુમત: 15 ઓગસ્ટ 1947 ના દિવસે જૂનાગઢના નવાબે જૂનાગઢની સાથે માણાવદર, બાટવા, સરદારગઢ, કુતિયાણા, માંગરોળ સહિત મુસ્લિમ રાજ્યો અને સ્ટેટને પાકિસ્તાનમાં ભેળવીને પાકિસ્તાન ભાગી ગયા હતા. ત્યારબાદ જૂનાગઢ સહિત અન્ય પ્રાંતોની મુક્તિ માટેની આંદોલનની રણનીતિ ઘડવામાં આવી હતી, જેનો તમામ દોરી સંચાર સરદાર વલ્લભભાઈ પટેલે કર્યો હતો.
ICS અધિકારી નીલમ બુચે શુ કામગીરી નિભાવી: જૂનાગઢની મુક્તિ માટેની લડત સમિતિ શામળદાસ ગાંધી અને રતુભાઈ અદાણીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. અંતે 84 દિવસની લડત અને આંદોલન બાદ 9મી નવેમ્બર 1947 ના દિવસે જૂનાગઢ સહિત માંગરોળ, બાંટવા, માણાવદર, કુતિયાણા, સરકારગઢ સહિત મુસ્લિમ રાજ્યો ફરી એક વખત સ્વતંત્ર ભારતનો હિસ્સો બન્યા હતા. 9મી નવેમ્બરે ICS અધિકારી નીલમ બુચે જૂનાગઢનો કારભાર સંભાળીને સ્વતંત્ર ભારતમાં જૂનાગઢનું જોડાણ કર્યું હતું.
27 વર્ષથી મુક્તિ સ્તંભની લડત પરિણામ શૂન્ય: 1997 થી સતત જૂનાગઢની મુક્તિ માટે લડવૈયાઓને સન્માન મળે તે માટે જૂનાગઢમાં મુક્તિ સ્તંભનું સ્થાપન થાય તે માટે શશીકાંત દવે લડત ચલાવી રહ્યા છે. દિલીપ પરીખ પછીના તમામ મુખ્યમંત્રીને જૂનાગઢમાં મુક્તિ દિવસના સ્તંભની સ્થાપન થાય તે માટે રજૂઆતો કરી છે. પરંતુ આજ દિન સુધી પરિણામ શૂન્ય આવ્યું છે. ત્યારે હવે તેઓનો વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો છે અને જૂનાગઢના મુક્તિ સ્તંભની સ્થાપના માટે તેઓ શું વિચારે છે, તેને લઈને તેમનો પ્રતિભાવ વડાપ્રધાન કાર્યાલય નોંધ્યો છે. તે પરથી એવું સ્પષ્ટ થઈ શકે કે આગામી દિવસોમાં જૂનાગઢની મુક્તિ માટે લડાઈ લડેલા લડવૈયાઓની કાયમી યાદરૂપે જૂનાગઢમાં મુક્તિ સ્તંભ સ્થપાય તેવા સંજોગો ઉજળા બન્યા છે.
આ પણ વાંચો: