વડોદરા : શહેરમાં તરસાલી હાઈવે પર સ્થિત સર્વોત્તમ હોટલમાં ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં જમવા માટે આવેલ ગ્રાહકે સૂપ મંગાવ્યું, જોકે આ સુપમાંથી મરેલી ગરોળી નીકળી હતી. જે બાદ ગ્રાહકને ઉધડો લીધો અને હોટલ મેનેજર પર ચડી બેઠો. આ સમગ્ર મામલે મેનેજરે ફક્ત માફી માંગી અને આજીજી કરી હતી.
સુપમાં નીકળી ગરોળી : વડોદરા શહેરના તરસાલી હાઈવે પર આવેલ સર્વોત્તમ હોટલમાં જમવા આવેલા ગ્રાહકે સુપ મંગાવ્યું હતું. પરંતુ તે સુપમાં ગરોળી નીકળતા ગ્રાહકે મેનેજરનો સંપર્ક કર્યો હતો. જોકે સમગ્ર બાબતે મેનેજરે માત્ર માફી માગીને આજીજી કરી હતી. એટલું જ નહીં પરંતુ જમવા આવેલા ગ્રાહકના પરિવારના લોકો મરેલી ગરોળી વાળુ અડધું સુપ પી ગયા હતા. જો આ બાબતે ફૂડ પોઇઝન થયું હોત તો જવાબદાર કોણ ?
વાયરલ વીડિયો : ક્રોધે ભરાયેલા ગ્રાહકે આ ગરોળી નીકળેલો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યો હતો. જેમાં સર્વોત્તમ હોટલનું લોકેશન આવે છે. આ સમગ્ર વીડિયોમાં હોટલ સંચાલક અને ગ્રાહક સાથેની ચર્ચા દેખાઈ આવે છે. આ વીડિયો એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેની પુષ્ટિ અમે કરતા નથી.
ગ્રાહક દ્વારા ગંભીર આરોપ : તરસાલી હાઈવે પર સ્થિત સર્વોત્તમ હોટલમાં પીરસવામાં આવેલા સુપમાંથી મરેલી ગરોળી નીકળતા હોબાળો મચ્યો હતો. તેમજ ગ્રાહકને ખબર પડતાં હોટલ મેનેજરનો ઉધડો લીધો હતો. મેનેજરે સમગ્ર મામલે ફક્ત માફી માગી હતી. જેમાં ગ્રાહકે કહ્યું કે, અમારા પરિવારના સદસ્યોને કશું થયું તો જવાબદાર કોણ હશે. ફૂડ હાઇજીન મેઈન્ટેઈન કરવામાં હોટલ મેનેજમેન્ટ ઝીરો છે. વારંવાર ખાદ્ય પદાર્થમાં જીવજંતુ નિકળે છે. છતાં પણ જવાબદાર અધિકારીઓ આ બાબતે નિષ્ફળ નીકળતા હોય તેમ લાગી રહ્યું છે.
આવા બનાવ ક્યારે અટકશે : હાલ સમગ્ર ગુજરાતમાં ખાદ્ય ચીજ વસ્તુઓ તેમાં પણ ખાણીપીણીનો વેપાર કરતા વેપારીઓ ફૂડ સેફ્ટીને લઈને ખૂબ જ બેદરકારી દાખવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એટલું જ નહીં તાજેતરમાં જ વડોદરા કોર્પોરેશન ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કેટલીક હોટલોમાં વાસી ગ્રેવી પણ ઝડપાઈ હતી. પરંતુ વહીવટી તંત્ર માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની રહ્યું છે. હાલ તો નગરજનો આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી છે.