બનાસકાંઠા : દાંતીવાડાની પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા બાળકોને માર મારવાની ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. ખુદ વિદ્યાર્થીઓ રેલી યોજી શિક્ષકની વ્હારે આવ્યા છે. વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે, શિક્ષક નિર્દોષ છે, તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.
વિદ્યાર્થીને માર મારવાનો બનાવ : દાંતીવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા શિક્ષક સામે કડક કાર્યવાહી કરવામાં આવી. સાથે જ શાળાના શિક્ષકની બદલી કરવાની માંગને લઈને જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હવે આ મામલે શાળાના બાળકો ખુદ શિક્ષકની વહારે આવ્યા છે. દાંતીવાડા પ્રાથમિક શાળાના બાળકોએ રેલી યોજી શિક્ષકની બદલ ન કરવામાં આવે તેવી માંગ કરી હતી.
શિક્ષકની વ્હારે આવ્યા વિદ્યાર્થીઓ : શાળા છૂટ્યા બાદ બાળકોએ બેનરો સાથે રેલી કાઢી હતી. શાળાના શિક્ષકને ખોટી રીતે બદનામ કરતા હોવાની વાત ખુદ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. આ રેલીનાં જે વિડિયો સામે આવ્યા છે તેમાં બાળકો કહી રહ્યા છે કે, શિક્ષક અશોક ચૌધરી નિર્દોષ છે. શિક્ષક સારું ભણાવતા હતા. એમની બદલી નહીં થવા દઈએ. બાળકો દ્વારા સચ્ચાઈ કી જીત હોગી બુરાઈ કી હાર હોગીના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
શિક્ષક વિરુદ્ધ પોલીસમાં લેખિત અરજી : દાંતીવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાના મામલે પોલીસ મથકે લેખિત અરજી આપી કાર્યવાહીની માંગ કરાઈ હતી. સાથે જ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા પણ તપાસના આદેશ કરાયા હતા. ત્યારે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે.
શિક્ષકના સમર્થનમાં વિદ્યાર્થીઓ : શાળાના બાળકો શિક્ષક નિર્દોષ હોવાનું કહી રહ્યા છે. બાળકો મોટી સંખ્યામાં બેનર સાથે રેલી યોજી હતી. ત્યારે જે શાળામાં બાળકોને માર મારવાની ઘટના બની હતી તે જ શાળાના બાળકો દ્વારા શિક્ષકના સમર્થનમાં યોજાયેલી રેલીને લઈ આ મામલે હવે તંત્ર દ્વારા શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.