કચ્છ : તાજેતરમાં જ વરસાદ અને વાવાઝોડા દરમિયાન મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ નજીક લાગેલું મહાકાય હોર્ડિંગ ધરાશાયી થયું હતું. આ ઘટનામાં 14 લોકોના કરૂણ મોત થયા હતા, જ્યારે 70 થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ભુજ શહેરના અનેક વિસ્તારમાં આવા મહાકાય હોર્ડિંગ લાગેલા છે. જો ભારે પવન ફૂંકાય તેમજ તોફાની વાવાઝોડું આવે તો ભુજમાં પણ આવી દુર્ઘટના સર્જાઈ શકે છે.
ભુજ પર તોળાતું ભૂકંપનું જોખમ : શહેરમાં હોર્ડિંગ લગાવવા માટે ભુજ નગરપાલિકાની મંજૂરી લેવાની રહેતી હોય છે. ત્યારે ઠેર ઠેર લગાડવામાં આવેલ હોર્ડિંગ મંજૂરી સાથે લગાડવામાં આવ્યા છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. ભુજ વિસ્તાર ભૂકંપના ઝોન 5 માં આવે છે, જેથી આ વિસ્તારમાં ભૂકંપ આવવાની શક્યતા વધુ છે. અવારનવાર કચ્છમાં ભૂકંપના આંચકાઓ તો આવતા જ હોય છે.
ભુજની જનતા પર લટકતું મોત : આવી સ્થિતિ વચ્ચે ભુજ શહેરના ખાનગી મકાન કે પ્લોટ પર લગાડવામાં આવેલા હોર્ડિંગ જોખમી સાબિત થઈ શકે છે. ભુજના વાણિયાવાડ વિસ્તારમાં પણ ખાનગી બિલ્ડિંગ પર જોખમી હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં લોકોની અવરજવર મોટા પ્રમાણમાં રહેતી હોય છે. ત્યારે ચોમાસાના સમયમાં આવા જોખમી હોર્ડિંગ નગરપાલિકા તંત્ર દ્વારા ઉતારી લેવા જોઈએ જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે.
ભુજ નગરપાલિકાની કામગીરી : ભુજના સતત ધમધમતા માર્ગ જ્યુબિલી સર્કલ પાસે પણ મસમોટા હોર્ડિંગ પણ લાગેલા છે, જે સત્વરે ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા ઉતારી લેવા જોઈએ. જોકે અમુક સ્થળો પરથી ખાનગી હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યા છે. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારે પવન કે મોન્સુનના સમયે ભુજ નગરપાલિકાની ટીમ તૈયાર જ હોય છે. ત્યારે કોઈ અનિચ્છનીય પરિસ્થતિ ઘટે તે અગાઉ જ હોર્ડિંગ ઉતારી લેવામાં આવે છે. અગાઉ પણ બિપર જોય વાવાઝોડાના સમયે હોર્ડિંગ ઉતારી લેવામાં આવ્યા હતા.