પોરબંદર : હવામાન વિભાગે આપેલી અતિભારે વરસાદની આગાહી અનુસાર પોરબંદર જિલ્લામાં ગત 27, 28 અને 29 ઓગસ્ટ એમ સતત 3 દિવસ દરમિયાન 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં રાણાવાવમાં સૌથી વધુ 17 ઇંચ અને કુતિયાણામાં 15 ઇંચ વરસાદ પડ્યો છે. ચાલુ ચોમાસુ સિઝનમાં 58 ઇંચ જેટલો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
4 નંબરનું સિગ્નલ : આ વરસાદી વિઘ્નમાંથી માંડ પસાર થયા બાદ ફરી હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી સમયમાં વાવાઝોડું આવે તેવા સંકેત આપતા પોરબંદરના લોકોની મુશ્કેલી ફરી વધી છે. વરસાદી આફત બાદ હવામાન વિભાગ દ્વારા પોરબંદરના બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવતા માછીમારોમાં ચિંતાના વાદળો છવાયા છે. આ વાવાઝોડું ભારે નુકસાન ન કરે તેવી ભીતિ માછીમારોમાં ફેલાઈ છે.
માછીમારોમાં ચિંતાનો માહોલ : વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે માછીમારોની 1,200 જેટલી બોટ કિનારે પરત ફરી હતી. હાલ પોરબંદરના બંદર કિનારા પર તમામ બોટ લાંગરેલી હોવાથી, વાવાઝોડાના કારણે બોટ અથડાઈ અને કોઈ નુકસાન થશે તેવી ભીતિ પણ માછીમારોમાં વર્તાઈ રહી છે. ત્યારે આગામી સમયમાં વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાણાવાવમાં સૌથી વધુ વરસાદ : છેલ્લા ત્રણ દિવસમાં કુતિયાણામાં સૌથી વધુ 445 mm વરસાદ થયો છે. તેવી જ રીતે સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો ત્રણ દિવસ પહેલા ચોમાસુ સિઝન દરમિયાન 1,065 mm વરસાદ નોંધાયો હતો. જેમાં 381 mm વધારો થતા 29 ઓગસ્ટના 1446.33 mm વરસાદ થયો છે. આમ, સમગ્ર જિલ્લામાં સૌથી વધુ રાણાવાવ તાલુકામાં 17 ઇંચ અને કુતિયાણામાં 12 ઇંચ વરસાદ ત્રણ દિવસમાં થયો હોવાનું ડિઝાસ્ટર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.