દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તથા વલસાડ જિલ્લામાં રોજગારી માટે સ્થાઇ થયેલો બંગાળી સમાજ વર્ષોથી સેલવાસમાં દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરે છે. જે અંતર્ગત આ વર્ષે પણ ભવ્ય આયોજન દુર્ગા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. પાંચ દિવસના આ મહોત્સવમાં પૂજન-અર્ચન, સાંસ્કૃતિક કાર્યક્રમ, મહાપ્રસાદ સહિતના તમામ આયોજનનો બંગાળી મહિલાઓ દ્વારા આયોજિત કરી નારી શક્તિની અનોખી મિસાલ આપી છે.
દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન: ગુજરાતની નવરાત્રી જેમ જગ વિખ્યાત છે. એવી જ રીતે બંગાળની દુર્ગાપૂજા પણ જગ પ્રખ્યાત છે. પરિણામે યુનેસ્કો દ્વારા તેનો હેરિટેજ કલ્ચરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે બંગાળના આ મહાઉત્સવને જાળવવા અને બાળકોમાં સંસ્કૃતિનું સિંચન અકબંધ રાખવા તેમજ નારી શક્તિને બિરદાવવા દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ બંગાળી સમાજે ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કર્યું છે. જેમાં સમગ્ર સેલવાસના લોકો ભારે હર્ષોલ્લાસભેર જોડાય છે.
મા દુર્ગાએ મહિસાસુર નામના રાક્ષસનો વધ કર્યો: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વસેલા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા કમિટી સેલવાસના નેજા હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ 5 દિવસીય ભવ્ય દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કર્યું છે. આ પ્રસંગે બંગાળી સમાજે ગુજરાતી સમાજને નવરાત્રિ પર્વની હાર્દિક શુભકામના આપતા જણાવ્યું હતું કે, દુર્ગા પૂજા એ બંગાળનો સૌથી મોટો તહેવાર છે. મા દુર્ગાએ મહિસાસુર નામના રાક્ષસનો વધ કરી વિજય મેળવ્યો હતો. આ વિજયને બંગાળી સમાજ શારદોત્સવ તરીકે મનાવે છે. શક્તિ આરાધનાના આ પર્વથી નારી શક્તિના નવ રૂપ ને દર્શાવવામાં આવ્યા છે. સમાજમાં નારીનું અનેરું મહત્વ છે.
તમામ રસોઈ બંગાળી ટેસ્ટ સાથે તૈયાર: વર્ષો જૂનું આ પર્વ નવરાત્રિના નવ દિવસ દરમિયાન છેલ્લા 5 દિવસ ભક્તિ ભાવપૂર્વક ઉજવવામાં આવે છે. દાદરા નગર હવેલીમાં રહેતા બંગાળી સમાજ કલકત્તાના કારીગરે બનાવેલી મા દુર્ગાની મૂર્તિને લાવે છે. જેની સાથે રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન ગણેશ, કાર્તિકેય, સરસ્વતી માતા, લક્ષ્મી માતાની પણ સ્થાપના કરે છે. ચાર દિવસના આ ઉત્સવમા માતાજીની આરાધના માટે બંગાળથી મહારાજને બોલાવવામાં આવે છે. તો મહાપ્રસાદ માટે રસોઈયાઓને પણ કલકત્તાથી બોલાવવામાં આવે છે. જે તમામ રસોઈ બંગાળી ટેસ્ટ સાથે તૈયાર કરે છે.
વિસર્જન યાત્રા કાઢી નદીમાં વિસર્જન: સામાન્ય રીતે દુર્ગા પૂજા એ નવરાત્રિના નવ દિવસ દરમિયાન દશમ સુધી ઉજવવામાં આવે છે. જેમાં મા દુર્ગાની ભક્તિભાવ સાથે આરાધના કરવામાં આવે છે. પરંપરાગત વાજિંત્રો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ, મહાપ્રસાદ, મહાપુજાનું આયોજન કરવામાં આવે છે. મા દુર્ગા માતાની પ્રતિમાની સ્થાપના બાદ સંધિ પૂજા, દશમીના દિવસે મહાપૂજા અને અગિયારસના પરંપરાગત નૃત્ય સાથે ભવ્ય વિસર્જન યાત્રા કાઢી નદીમાં વિસર્જન કરવામાં આવે છે. દાદરા નગર હવેલી પ્રશાસન પણ આ મહોત્સવમાં ખૂબ જ ઉપયોગી થાય છે.
દશમીએ માતાજીની પ્રતિમાનું વિસર્જન: મા દુર્ગાએ અષ્ટમીના દિવસે મહિસાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. પરિણામે આ પાંચ દિવસ મા પાર્વતીજી કૈલાશ પર્વતથી તેમના માવતરે આવે છે. જેને વધાવવા આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. બંગાળમાં આ ઉત્સવના અંતિમ દિવસે વિજયા દશમીએ માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવા સાથે નીલકંઠ નામના પક્ષીને આકાશમાં મુક્ત કરી મહાદેવને સંદેશ આપવામાં આવે છે કે માતા પાર્વતી માવતરેથી પિયર જવા નીકળ્યા છે.
મોટી સંખ્યામાં દાતાઓ પણ દાન આપે છે: 5 દિવસના આ ઉત્સવમાં બંગાળી સમાજના લોકો જ નહીં પરંતુ દરેક સમાજના લોકો ભક્તિ ભાવપૂર્વક માતાજીની ઉપાસના કરે છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં આયોજિત દુર્ગા પૂજા મહોત્સવમાં મહિલાઓ પણ ભક્તિ ભાવ સાથે માતાજીની આરાધનામાં ઉત્સાહભેર ભાગ લે છે. તેમની વર્ષો જૂની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે માતાજી પાસે પ્રાર્થના કરે છે. મોટા બજેટના આ પર્વમાં મોટી સંખ્યામાં દાતાઓ પણ દાન આપવા આગળ આવે છે.
દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન: ઉલ્લેખનીય છે કે, સેલવાસમાં આયોજિત દુર્ગા પૂજા મહોત્સવમાં દરરોજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. 6 મહિનાની મહેનત બાદ 5 દિવસ માટે ઉત્સવ ઉજવાય છે. જેમાં મહિલાઓ, ગૃહણીઓ દ્વારા મા દુર્ગાના નવ રૂપનો મહિમા વર્ણવતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. દશમીના મહાપૂજા બાદ બીજા દિવસે ભક્તિભાવ પૂર્વક માતાજીની પ્રતિમાનું દમણગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે.
આ પણ વાંચો: