ભાવનગર: જિલ્લામાં મેઘમહેર થોભી જતા જગતના તાત ઉપર મુશ્કેલી આવી છે. જિલ્લામાં ગત વર્ષ કરતા વરસાદના આંકડા અને ડેમના પાણીના સ્રોતના આંકડા તપાસવામાં આવે તો મેઘરાજા કેટલા રુઠેલાં છે તે જણાઈ આવે છે. જો કે ખેતી ઉપર અસર અને ડેમોના આંકડા સાથે વરસાદના આંકડા મેળવીને જોતાં નવી વિગતો જાણવા મળે છે. શું છે સંપૂર્ણ સ્થિતિ જાણો.
જિલ્લામાં જગતના તાતની વરસાદની અછત વચ્ચે સ્થિતિ: જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી એ.એમ. પટેલે જણાવ્યું હતું કે, 'ભાવનગર જિલ્લામાં સરેરાશ 624 મિલિમિટર વરસાદ નોંધાતો હોય છે. ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં 57 ટકા વરસાદ નોંધાઇ ચુક્યો છે, 354 મિલિમિટર જેટલો, જેમાં હાલમાં ખતીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે. જેમાં મુખ્યત્વે કપાસ, મગફળી, શાકભાજી, બાજરી, મોટા ભાગે કઠોળનો સમાવેશ થાય છે. અને તેનું વાવેતર પણ થઈ ચકયું છે. હાલની તારીખે નાના મોટા વરસાદી ઝાપટાઓ પડે છે. વાદળો હોઈ તાપ નહિ હોવાથી કોઈ ભેજ કે ઉપદ્રવ જણાતો નથી. પરિણામે પાકની સ્થિતિ સારી છે અને કોઈ ફરિયાદ હાલ નથી.'
સિંચાઈ અધિકારી એ.એમ. બાલધીયાએ જણાવ્યું હતું કે, 'ભાવનગર જિલ્લામાં મુખ્યત્વે જે 13 ડેમ આવેલા છે, તેમાં શેત્રુંજી સિંચાઇ યોજના મુખ્યત્વે છે. હાલ શેત્રુંજી સિંચાઈ યોજનામાં 49 ટકા જેવું પાણી ભરેલું છે. જેની ગત વર્ષની સાથે સરખામણી કરીએ તો ગઈ વખતે ઓવરફ્લો થઈ ગયો હતો અને અત્યારે ડેમ 50 ટકા જેટલો ખાલી છે. અન્ય ડેમમાં પણ મોટાભાગના ગયા વર્ષે 50 ટકાથી ઉપર ભરેલા હતા. હાલ જે અત્યારે બીજા ડેમો 10 થી 20 ટકા જેવા ભરાયેલા છે. શેત્રુંજી સિંચાઈમાંથી મુખ્યત્વે શેત્રુંજીના કમાન્ડો વિસ્તારના 12000 હેકટર જેવી જમીનને પિયત મળી રહે છે તેમજ બીજા જે નાના ડેમ આવેલા છે તે ડેમમાંથી આશરે 500 થી 600 હેકટરમાં પાણી જાય છે.
વરસાદના આંકડા અને ખેતીના આંકડા વચ્ચે તફાવત: ભાવનગર જિલ્લામાં આજદિન સુધીમાં 353 મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે ગત વર્ષે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો હતો અને અન્ય ડેમો ઓગસ્ટમાં 50 ટકાથી વધારે ભરાઈ ગયા હતા. જ્યારે આ વર્ષે શેત્રુંજી ડેમ જ 49 ટકા માત્ર ભરાયો છે. એટલે ગત વર્ષ કરતા 50 ટકા ખાલી છે. જો કે નાના ડેમો 50 ટકા ઉપર ભરાયા હતા જે આજે 20 થી 30 ટકા ભરાયા છે. છુટા છવાયા વરસાદને પગલે ખેતીમાં રાહત જરૂર છે, પરંતુ લાંબો સમય તાપ નીકળે તો ખેતીમાં પાકને નુકશાનની ભીતિ વધી શકે છે.
સ્થળ | 2024 ઓગસ્ટ | 2023 ઓગસ્ટ |
શેત્રુંજી | 46 ટકા | 100 ટકા |
રજાવળ | 8 ટકા | 30 ટકા |
ખારો | 23 ટકા | 58 ટકા |
માલણ | 14 ટકા | 65 ટકા |
રંઘોળા | 34 ટકા | 100 ટકા |
લાખણકા | 2 ટકા | 83 ટકા |
હમીરપરા | 2 ટકા | 32 ટકા |
હણોલ | 7 ટકા | 60 ટકા |
બગડ | 20 ટકા | 100 ટકા |
રોજકી | 51 ટકા | 100 ટકા |
જસપરા માંડવા | 6 ટકા | 17 ટકા |
પિંગળી | 26 ટકા | 35 ટકા |