ખેડાઃ તિરૂપતિ મંદિરના પ્રસાદમાં મિલાવટનો મુદ્દો બહાર આવતા ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે સુ્પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે વિતરણ કરવામાં આવતા પ્રસાદ વિશે જાણવા ETV BHARATની ટીમ ડાકોર રણછોડરાયજી મંદિરે પહોંચી હતી. જેમાં ડાકોર રણછોડરાયજી મંદિરના મેનેજર દ્વારા મંદિરમાં બનાવાતા લાડુનો પ્રસાદ શુદ્ધ સામગ્રી અને શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવતો હોવાનું જણાવાયું હતું. લાડુનો પ્રસાદ વર્ષોની પ્રણાલિકા મુજબ ખાસ પ્રક્રિયાથી બનાવવામાં આવે છે. જેમાં પૂરતી તપાસ અને તકેદારી રાખવામાં આવતી હોવાનું પણ જણાવ્યું હતું.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ભાવિકોને લાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.જે પ્રસાદના લાડુ વર્ષોની પ્રણાલિકા મુજબ ખાસ પ્રક્રિયાથી ઘઉંના લોટ અને શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવે છે.
એકપણ લાડુ ઠાકોરજીને ધરાવ્યાં વિના પેકિંગ કરાતો નથી
પ્રસાદના લાડુ બનાવવા માટે શુદ્ધ ઘીમાં ઘઉંને રાત્રે પલાળી તેને કોરા કરી તેને દળવામાં આવે છે.જે બાદ તેમાં અન્ય સામગ્રી મેળવી લાડુ બનાવાય છે.વિશિષ્ટ સ્વાદ ધરાવતા મંદિરના આ લાડુના પ્રસાદની ખાસ વિશેષતા એ છે કે એકપણ લાડુ ઠાકોરજીને ધરાવ્યા વિના પેકિંગ કરવામાં આવતો નથી.એટલે કે જ્યારે પ્રસાદના આ લાડુ બની જાય એટલે તેને તપેલામાં ભરી ખુલ્લા ભગવાનને ધરાવવામાં આવે છે.તે બાદ તેને પેકિંગ માટે મોકલવામાં આવે છે.પેકિંગ કરેલા આ લાડુ ભાવિકોને વિતરિત થાય છે.
મંદિરમાં પ્રસાદ સહિત તમામ સામગ્રી શુદ્ધ ઘીમાં બને છે : મેનેજર
ડાકોર મંદિરના મેનેજર જગદીશ દવેએ જણાવ્યું હતુ કે પ્રસાદની વ્યવસ્થા દરેક વૈષ્ણવોને મળી રહે તે માટે ખાસ પ્રોસેસથી વર્ષોની પ્રણાલિકા મુજબ શુદ્ધ ઘીમાં ઘઉંને રાત્રે પલાળી તેને કોરા કરી અને તેને દળી જે દળના લાડુ કહે છે.એક વિશિષ્ટ મહત્વ છે તેનુ અને લોકોને ઠાકોરજીની તેની પર અમી દ્રષ્ટી પડે છે અને એ જે ભોગ બને છે લાડુનો પ્રસાદ એનો લોકોને એક વિશિષ્ટ અનુભવ થાય છે પ્રસાદીનો કે આ ખરેખર ઠાકોરજીનો પ્રસાદ છે.એની પાછળનું મૂળ કારણ એવું છે કે રણછોડજી મંદિરમાં એક પણ લાડુ ઠાકોરજીને ધરાવ્યાં વગર પેકિંગ કરવામાં આવતો નથી. જ્યારે લાડુ બની જાય છે એટલે પહેલાં તપેલામાં ભરી ખુલ્લા ભગવાનને ધરાવવામાં આવે છે.ત્યારબાદ એને પેકિંગમાં મોકલવામાં આવે છે.દરેક પ્રસાદી મંદિરમાં શુદ્ધ ઘીમાં બને છે.હાલ તો અમુલનું શુ્દ્ધ ઘી આવી રહ્યુ છે. એની અંદર તમામ સામગ્રી મંદિરમાં અમુલના ઘીમાં બની રહી છે.