દાહોદ : દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભા ક્ષેત્રના પ્રથમપુર ગામના 220 નંબર કેન્દ્ર પર ફરી મતદાન શરૂ થઈ ગયું છે. સવારે સાત વાગ્યાથી 11:00 વાગ્યા સુધી 26.72 ટકા મતદાન નોંધાવવા પામી છે જ્યારે ભાજપ અને કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવારો પણ બુથ ઉપર જોવા મળ્યા હતાં.
પ્રથમપુરમાં બની હતી લાઇવ સ્ટ્રીમની ઘટના : દાહોદ લોકસભામાં સમાવિષ્ટ દાહોદ ફતેપુરા લીમખેડા ઝાલોદ દેવગઢ બારીયા ગરબાડા સંતરામપુર 7 વિધાનસભા ક્ષેત્ર આવે છે સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને મતદાન યોજાઇ હતી. તેમાં દાહોદ જિલ્લામાં પણ મતદાન થયું હતું જેમાં સંતરામપુર વિધાનસભા ક્ષેત્રમાં પ્રથમપુર ગામે સોશિયલ મીડિયા પર સંતરામપુર તાલુકાના ભાજપના રમેશભાઈ ભાભોરના પુત્ર વિજય ભાભોર દ્વારા લાઈવ સ્ટ્રીમ કરાયો હતો. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી હતી. બાદમાં વિજય ભાભોરની ધરપકડ કર્યા બાદ ભાજપના બુથ એજન્ટ મગન ડામોરની ધરપકડ કરી હતી અને બીજી તરફ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોક પ્રતિનિધિત્વ કાયદા અનુસાર પરથમપુર ગામના બુથ નંબર 220 મતદાન રદ કરવામાં કર્યું મતદાન મથકમાં કાર્યરત તમામ કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી પણ કરાઈ હતી.
નવેસરથી મતદાનની કાર્યવાહી : ચૂંટણી પંચ દ્વારા આજરોજ નવેસરથી રિપોલીંગ હાથ ધરાયું હતું. પ્રથમપુર ગામના 220 નબરના બુથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ નવેસરથી મતદાન થઈ રહ્યું છે. આ બુથ પર 606 મહિલા મતદાર અને 618 પુરુષ મતદાર મળી 1224 મતદાર આજે ફરી મતદાન કરશે ત્યારે વહેલી સવારથી સાત વાગ્યાથી 11 વાગ્યા સુધી 26.72 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં 618 પુરુષમાંથી 151 જ્યારે સ્ત્રી 606 માંથી 176 મતદાન કર્યું હતું. દાહોદ કલેક્ટર યોગેશ નિરગુંડે અને તંત્ર દ્વારા જણાવાયું હતું કે મતદારોને નિર્ભિક થઈ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
6 જણાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી : ચૂંટણી પંચ દ્વારા 4 કર્મચારી સહિત 6 જણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રોહિત કાનાભાઈ ખુશાલભાઈ પ્રિસાઇડિંગ ઓફિસર , પરમાર ભુપતસિંહ મોતીસિંહ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર,સોળ્યા યોગેશભાઈ સોનજીભાઈ પોલિંગ ઓફિસર, પટેલ મયૂરિકાબેન શાંતિલાલ બોગસ મતદાન તથા વિડિયોગ્રાફી થતી હોય મદદનીશ ચૂંટણી અધિકારી ઝોનલ અધિકારી જાણ નહીં કરવા બદલ અને પોતાની ફરજમાં નિષ્કાળજી અને બેદરકારી કરવા બદલ ચૂંટણી પંચ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. વિડીયોગ્રાફી કરનાર વિજય ભાભોર તથા ભાજપના બુથ એજન્ટ મગન ડામોર વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. લોકશાહીના હનન થયા બાદ વહીવટી તંત્ર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રથમપુર બુથ પર મતદારો શાંતિપૂર્ણ મતદાન કરી રહ્યા છે.