અમદાવાદઃ ફોરેસ્ટ વિભાગની ભરતીમાં પેપર વિવાદ ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો. ગુજરાતના જામનગરના 6 અરજદારોએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે તેમણે જણાવ્યું હતું કે, ફોરેસ્ટ વિભાગની ભરતીમાં 6 પ્રશ્નના સાચો જવાબ આપ્યા હતા તેમ છતાં આન્સર કી માં તે ખોટા દર્શાવવામાં આવ્યા છે.
આ પિટિશનમાં અરજદાર દ્વારા રાજ્ય, ગુજરાત વન રક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ અને ટીસીએસને પક્ષકાર બનાવ્યા હતા. અરજીમાં અરજદારોએ આક્ષેપ કર્યો છે કે પાસ ઉમેદવારોને ફેલ કરવામાં આવ્યા છે. આ પરીક્ષા 28 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી 16 દિવસમાં લેવામાં આવી હતી. જેમાં દરરોજ ત્રણ શિફ્ટ લેખે 48 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી અને આ પરીક્ષા બાદ આન્સર કીમાં મોટાભાગના પેપર્સમાંથી બેથી 11 જેટલા પ્રશ્નો રદ કરવામાં આવ્યા હતા.
આ અરજીમાં અરજદારે જે પ્રશ્નની રજૂઆત કરી હતી તે પ્રશ્ન એવો હતો કે "વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યના કયા કયા જિલ્લામાં સૌથી વધુ સાક્ષરતા દર છે?", જેમાં સરકારી આંકડા પ્રમાણે અમદાવાદ અને સુરત બંને જિલ્લાઓમાં આંકડો 86.65 ટકા હતો. જેના વિકલ્પમાં અમદાવાદ અને સુરત બંનેનો સમાવેશ થતો હતો અને આવી જાણકારી હોવાથી અરજદારે અમદાવાદ પસંદ કર્યું હતું. જ્યારે આન્સર કીમાં ફકત સુરતનો ઓપ્શન લખેલો હતો. અરજદારોએ એમ પણ કહ્યું કે આ પરીક્ષામાં કુલ 45 થી વધુ પ્રશ્નોને રદ કરવામાં આવ્યા છે. જેથી તેનો સાચો જવાબ આપનાર વિદ્યાર્થીઓને ખોટ ગઈ છે.
અરજદારોએ વધુ જણાવ્યું હતું કે, આ પરિક્ષામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્ન એવો છે કે, અરવલ્લી પર્વતમાળામાંથી નીકળતી કઈ નદીએ ગુજરાતમાં ખીણોનું નિર્માણ કર્યું? તેના જવાબમાં અરજદારે સાબરમતી નદીનો ઓપ્શન સિલેક્ટ કર્યો હતો, પરંતુ ટીસીએસ મુજબ સાચો જવાબ મહી હતો. મહી નદી કોતરોનું નિર્માણ કરે છે પરંતુ તે અરવલ્લી પર્વતમાળામાંથી નીકળતી નથી. જોકે આ પ્રશ્નને પણ કેન્સલ કરી દેવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે, તમે દરેક પ્રશ્નને ચેલેન્જ ના કરી શકો. તમારી ફરિયાદ સાચી હોવી જોઈએ.
આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે સરકારી વકીલને કહ્યું હતું કે, દરેક પરીક્ષામાં પેપરના પ્રશ્નોને લઈને અરજીઓ આવે છે. આનું કાયમી સોલ્યુશન લાવો અરજીઓને લઈને રિઝલ્ટ અટકાવી શકાય નહીં. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, પરીક્ષાની આન્સર કી કેવી રીતે તૈયાર કરાય છે? કોણ ક્વેશ્ચન પેપર તૈયાર કરે છે? આના માટે કોઈ કમિટી છે કે જે આ બધું જુએ છે? કોર્ટે આ પ્રશ્ન પણ કર્યો હતું કે, દર મહિને એક સરકારી પરીક્ષા થાય છે, તો કોર્ટમાં આવી અરજીઓ આવતી રહેશે? દરરોજ આવા પ્રશ્નોની કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવે છે. હાઇકોર્ટ દ્વારા સરકારી વકીલને સલાહ અને સૂચન આપવામાં આવ્યું હતું કે, પરીક્ષા લેવા માટે ગોપનીયતા જાળવવી જરૂરી છે, પણ પરીક્ષા બાદ આન્સર કીને જાહેર કરતા અગાઉ એક કમિટી દ્વારા તેની સમીક્ષા થવી જોઈએ જેથી કોર્ટમાં આવી અરજીઓનું પ્રમાણ ઘટશે.
આ મામલે સરકારી વકીલે જણાવ્યું હતું કે, આવી એક સાથે 8 થી 10 મેટર્સ આવી છે. જેની સુનાવણી 23 જાન્યુઆરી અને 24 ફેબ્રુઆરી કરવામાં આવશે. અંતે કોર્ટે આ મામલે પક્ષકારને નોટિસ ફટકારી અને આ મામલે વધુ સુનાવણી 23મી જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.