જુનાગઢ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોપાલવાડી વિસ્તારમાં બનાવવામાં આવેલો સંપ એક વર્ષ બાદ સફાઈ કરતાં અહીંથી કાદવ કિચડવાળું દૂષિત પાણી અને માછલીઓ નીકળતા સ્થાનિક કોર્પોરેટરે રોષ વ્યક્ત કર્યો છે. વોર્ડ નંબર ચાર અને પાંચ ના 35 થી 40 હજાર લોકો આ સંપમાંથી પીવાનું પાણી મેળવે છે, ત્યારે સંપની રખરખાવ અને નિયત સમયે સાફ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે.
ગોપાલવિડી સંપમાંથી નીકળ્યું દૂષિત પાણી
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર ૪માં ગોપાલવાડી વિસ્તારમાં આવેલો પીવાના પાણીનો સંપ એક વર્ષ બાદ સફાઈ કરવામાં આવતા તેમાંથી ચારથી પાંચ લાખ લિટર દૂષિત પાણીની સાથે માછલીઓ પણ નીકળતા આ વિસ્તારના કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર લલિત પરસાણાએ મ્યુનિસિપલ તંત્રને આડેહાથ લીધું છે. વોર્ડ નંબર ચાર અને પાંચના 35 થી 40 હજાર લોકો આ સંપમાંથી પીવાનું પાણી મેળવી રહ્યા છે. કચરાવાળું પાણી લોકોને આપવામાં આવી રહ્યું હતું જે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી માનવામાં આવે છે જેને લઈને સ્થાનીક કોર્પોરેટરે મનપા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
ફિલ્ટર સાથેનું પાણી આપવા રજૂઆત
કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર લલિત પરસાણાએ વોર્ડ નંબર ચાર અને પાંચમાં ગોપાલવાડી વિસ્તારમાં જે પાણીનો સંપ બનાવ્યો છે તેમાં ફિલ્ટર યુક્ત પાણી લોકોને વિતરણ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગચાળો ખૂબ વધતો હોય છે, ત્યારે દૂષિત અને પ્રદૂષિત પાણી લોકોના આરોગ્ય સાથે ચેડા પણ કરી શકે છે. વધુમાં પાણીના સંપની સફાઈનો નિર્ધારિત સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે તે મુજબ ચોમાસા પૂર્વે અને ચોમાસા બાદ વર્ષમાં બે વખત સંપની સફાઈ કરવામાં આવે તેવી માંગ પણ કોર્પોરેટરે કરી છે.
જુનાગઢ મનપાનો પ્રતિભાવ
જુનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ પીવાના પાણીના સંપની સફાઈને લઈને વિગતો આપવા જણાવ્યું હતું કે, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પાણીના સંપની સફાઈ અને રખરખાવ સમયાંતરે થતુ હોય છે. પરંતુ સ્થાનિક કોર્પોરેટર જે રીતે માંગ કરી રહ્યા છે તે મુજબ નિયમિત રીતે પીવાના પાણીના સંપની વર્ષ દરમિયાન બે વખત સફાઈ થાય તે માટે મ્યુનિસિપલ તંત્ર કામ કરશે.