પાટણ: નગરપાલિકા દ્વારા કમરતોડ વેરો વધારો ઝિંકવામાં આવ્યો છે, જેને કારણે શહેરની ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા ઉપર મોંઘવારીના માર સાથે આવેલો વધારો ભરવો અસહ્ય બની જશે. ગરીબ અને શ્રમજીવી પ્રજામાં વેરા વધારાને લઈ ઘેરા પત્યાઘાતો પડ્યા છે, જેને વાચા આપવા આજે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકામાં કાળા વસ્ત્રો સાથે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યકરો કાળા વસ્ત્રો પહેરીને હાથમાં બેનરો સાથે નગરપાલિકા સંકુલમાં પહોંચ્યા હતા અને ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વેરા વધારા સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. આ સમયે પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરી રહેલા મહિલા અને પુરુષ કાર્યકરોની ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી અટકાયત કરી બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા.
![ટીંગાટોળી કરીને કાર્યકર્તાઓને લઈ જવાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-04-2024/gj-ptn-fierceoppositionofcongressagainsttaxincreaseofpatanmunicipalty-rtu-gj10046_12042024200732_1204f_1712932652_1059.jpg)
વેરો વધારાનો વિરોધ: શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે જણાવ્યું હતું કે ભાજપ શાસિત પાટણ નગરપાલિકાએ વેરામાં ડબલ વધારો કર્યો છે. પાણી વેરો જે રૂપિયા 50 હતો તે વધારી ડબલ કરી 100 કરવામાં આવ્યો છે. જ્યારે મિલકત વેરામાં પણ 20 થી 25% નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ રીતે અન્ય વેરામા પણ વધારો કરવામાં આવ્યો છે જે ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાને માટે કમરતોડ બની રહેશે.
![પાટણ નગરપાલિકાના વેરાનો ઉગ્ર વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-04-2024/gj-ptn-fierceoppositionofcongressagainsttaxincreaseofpatanmunicipalty-rtu-gj10046_12042024200732_1204f_1712932652_911.jpg)
મહત્વપૂર્ણ છે કે, પાટણ નગરપાલિકા દ્વારા વેરામાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ સોફ્ટવેર અપડેટ નહીં થતા હજુ સુધી વેરાવ વસુલાતની કામગીરી શરૂ થઈ શકી નથી વૃદ્ધો માટે બેસવાની પણ યોગ્ય વ્યવસ્થા કરાઈ નથી તો હાલ ગરમીની સિઝન ચાલી રહી છે છતાં પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા કરાવી નથી.