કચ્છ: માંડવીમાં દૂષિત પાણી મુદ્દે માંડવી નગરપાલિકામાં હંગામો થયો હતો. જેમાં સ્થાનિકો તેમજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. દૂષિત પાણીની સમસ્યાનો હલ કરવા માટે માંડવી નગરપાલિકાને 21 જૂનના અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું, ત્યારે સમસ્યા હલ ન થતા આજે નગરપાલિકામાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
દૂષિત પાણી બાબતે અગાઉ રજૂઆત કરાઈ: દૂષિત પાણી બાબતે અગાઉ માંડવી નગરપાલિકાને જાણ કરી હોવા છતાં પગલાં ન લેવાતાં અંતમાં તંત્રે કોલેરાગ્રસ્ત જાહેર કરવું પડયું હતું. ત્યારે આજે માંડવી નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસના કાર્યકરોને માંડવી નગરપાલિકાની ઓફિસમાં પ્રવેશ કરતા અટકાવ્યા હતા અને પોલીસે 20 જેટલા લોકોની અટકાયત કરી હતી. કચ્છના વહીવટી તંત્ર દ્વારા માંડવી વિસ્તારને એક મહિના માટે કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે.
પાણીજન્ય રોગચાળાથી લોકો પરેશાન: સહેલાણી બીચ ધરાવતા માંડવી શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાણીજન્ય બીમારીથી લોકો પરેશાન બન્યા છે અને અનેકવાર રજૂઆતો પણ કરી છે. ત્યારે લોકોની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માંડવી શહેરને આજે કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. જેના માટે માંડવી મામલતદારને કોલેરા નિયંત્રણ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.
માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું: મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રવીન્દ્ર ફુલમાલી દ્વારા 26 જૂનથી 25 જુલાઈ સુધી માંડવી શહેરના સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવા જિલ્લા કલેકટર સમક્ષ ભલામણ કરવામાં આવી હતી. જે મુજબ એપેડિમીક ડીઝીઝ એકટ-1897ની કલમ (3) મુજબ કોલેરા રેગ્યુલેશન અંતર્ગત કચ્છ કલેક્ટર અમિત અરોરા દ્વારા માંડવી શહેરના સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. માંડવી શહેરના ગ્રામ્ય વિસ્તાર સલાયા,મસ્કા ઓક્ટ્રાય વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગની 25 ટીમો કરી રહી છે ચકાસણી: કચ્છ જીલ્લા ઇન્ચાર્જ મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.ખત્રીએ જણાવ્યું હતું કે, માંડવીમાં એક કોલેરા પોઝિટિવ કેસ સામે આવતા આસપાસના વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર જારી કરવામાં આવ્યું છે. કોલેરા શહેરના અન્ય વિસ્તારોમાં ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ અને નગરપાલિકા સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી. આરોગ્ય શાખાની 25 જેટલી ટીમ સમગ્ર શહેરમાં બીમાર લોકોનો સંપર્ક કરી તેમના બ્લડ સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ આ કામગીરી કરી રહ્યા છે.
ડોર ટુ ડોર સફાઈ રાખવા સૂચના: આ ઉપરાંત પાણીજન્ય રોગ ન થાય તે માટે પાણીમાં ક્લોરીનની ગોળીઓ નાખવી, ડોર ટુ ડોર સફાઈ રાખવા સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે. માંડવી નગરપાલિકાના સ્ટાફ દ્વારા પણ સમગ્ર શહેરમાં આવેલા પાણીના પ્લાન્ટ, ખાણીપીણીની જગ્યાઓ, કુલ્ફી અને બરફના કારખાના વગેરે સ્થળે તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા માંડવીના અમુક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદ પણ કરવામાં આવી હતી. માટે લિકેજ શોધવા અને રીપેર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી.
કોંગ્રેસના ગંભીર આક્ષેપો: સમગ્ર મામલે માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજ ગઢવીએ માંડવી નગરપાલીકા પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, શહેરમાં સતત દૂષિત પાણી વિતરણના કારણે પાણીજન્ય બીમારી વધી રહી હોવાની અનેક રજૂઆતો તંત્ર સમક્ષ કરી હતી. તેમ છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં ના આવતા પરીસ્થિતી વકરતા અંતે તંત્રે માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કર્યું હતું. પરંતુ છેલ્લા 15 દિવસમાં 80 જેટલા ઝાડા ઉલટીના કેસો સામે આવ્યા છે. હોસ્પિટલમાં પાણીજન્ય બીમારીની મોટી માત્રામાં દર્દીઓ જોવા મળી રહ્યાં છે. યોગ્ય તપાસ કરવા અને કામગીરી કરવા માંડવી નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી અને તેમને અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું હતું છતાં પણ કામગીરી ન થતા આજે ફરી એકવાર ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને જ્યાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
રાજ્યના આરોગ્ય કમિશ્નરે લીધી મુલાકાત: ઉલ્લેખનીય છે કે, માંડવીને કોલેરાગ્રસ્ત જાહેર કરાતાં આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ પણ માંડવીની મુલાકાતે દોડી આવ્યા હતા અને સરકારી હોસ્પિટલની મુલાકાત લઇ અને સાવચેતીનાં પગલાં લેવા તથા ઝાડા-ઊલટીના કેસોને નિયંત્રણમાં લાવવા માટે શું શું પગલાં ભરવા તે અંગે તંત્રને વાકેફ કર્યા હતા. આરોગ્ય કમિશનરે સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા અને સાચી સ્થિતિ જાણી હતી. આરોગ્ય કમિશનરે માંડવીની મામલતદાર ઓફિસમાં પણ આરોગ્ય વિભાગની ટીમ, મામલતદાર, માંડવી નગરપાલિકાની ટીમ અને તંત્ર વચ્ચે બેઠક યોજી જરૂરી સૂચનો પણ કર્યાં હતાં.