રાજકોટ: પ્રથમ બે ચરણમાં થયેલા મતદાનનાં આંકડાઓ રજુ કરવામાં ઢીલાશ વર્તનાર ભારતીય ચૂંટણી પંચ મુદ્દે રાજનીતિ ગરમ થઈ રહી છે ત્યારે રજુ કરવામાં આવેલા આંકડાઓને લઈને રાજકીય પક્ષો અનેક શંકા-કુશંકાઓ દર્શાવી રહ્યા છે ત્યારે માત્ર શું આ મુદ્દો ચૂંટણી પૂરતો સીમિત રહીને રાજનૈતિક મુદ્દો બનીને શમી જશે કે, કોંગ્રેસ પક્ષ આ દિશામાં કાયદેસરની કાનૂની કાર્યવાહી પણ આદરશે.આ પ્રશ્નનાં જવાબમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીનાં રાષ્ટ્રીય મીડિયા સંયોજક ડો. અનિક સિંઘે જણાવ્યું હતું કે, તેમનો પક્ષ બધા પાસાઓ તપાસીને જરૂરી તમામ પ્રકારની લડત આ મુદ્દે આવનારા દિવસોમાં આપશે. બીજી તરફ જ્યારે કોરોનાકાળમાં અપાયેલી વેક્સીનને લઈને વેક્સીન બનાવનાર કંપનીએ વિદેશી કોર્ટમાં સ્વીકાર્યું છે કે, વેક્સીનથી થતા બ્લડ ક્લોટને કારણે હૃદય પર હુમલાઓ વધવાની સંભાવના છે, આ મુદ્દે કોંગ્રેસ આવનારા દિવસોમાં કાનૂની લડત આપતા ખચકાશે નહિ, તેવું સિંઘે જણાવ્યું હતું. ડો. અનિક સિંઘે રાજકોટ ખાતે ETV BHARAT સાથે વાતચીત કરીને આ સંદર્ભે પ્રકાશ પાડ્યો.
પિત્રોડાના નિવેદન પર કોંગ્રેસે અંતર જાળવ્યું: ડો.સામ પિત્રોડાએ આપેલા ઈન્હેરિટન્સ ટેક્સ મુદ્દે આપને શું લાગી રહ્યું છે. આવનારી સરકાર આ દિશામાં પગલું લેશે? તેનાં જવાબમાં સિંઘે કહ્યું કે, કોંગ્રેસ આ દિશામાં કોઈ પગલું લેશે નહિ અને પિત્રોડાએ આપેલા નિવેદનથી કોંગ્રેસે પક્ષ તરીકે અંતર જાળવ્યું છે. શું રાહુલ ગાંધીએ કરેલા ક્ષત્રિયો સંદર્ભનાં નિવેદન મામલે તેમણે માફી માંગવી જોઈએ? એ મુદ્દે જવાબ આપતા ડો. સિંઘે કહ્યું કે, રાહુલ ગાંધીનાં નિવેદનને જુદી રીતે રજુ કરવામાં આવ્યું છે અને આ મુદ્દે શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટતાઓ કરી દીધી છે, એટલે આ વાતને એક રાજકીય હેતુથી રજુ કરવામાં આવેલી છે. અમારા પક્ષ દ્વારા આ મુદ્દે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે, રાહુલ ગાંધી હવે અમેઠી નહિ પણ રાયબરેલીથી તેમની ઉમેદવારી નોંધાવી રહ્યા છે એ મુદ્દે આપ શું કહેશો? આ મુદ્દે સિંઘે જણાવ્યું હતું કે, આ અમારા પક્ષનો નિર્ણય છે અને પક્ષે સમજી વિચારીને લીધેલો નિર્ણય હોવાને લીધે આમાં મારે કશું બહુ બોલવાનું રહેતું નથી, પણ અમે ચોક્કસપણે રાહુલ ગાંધીની રાયબરેલીથી જીત માટે આશ્વસ્થ છીએ.
મોદીનો રૂપાલાનો વિરોધને ડામવાનો પ્રયાસ: એક તરફ ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત ખાતે બે-દિવસીય પ્રચાર-પ્રસાર પ્રવાસમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની 6 બેઠકો પર મોદી સભાઓ સંબોધીને ગુજરાતમાં રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનાં ફાટી નીકળેલા જુવાળને ક્યાંક સભાઓ અને ભાષણો થકી ડામવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા, તો બીજી તરફ કોંગ્રેસ દક્ષિણમાંથી ઉભી થયેલી મોદી વિરોધી આંધીને ગુજરાત તરફ વાળી રહ્યું છે અને કોંગ્રેસે તમામ પ્રકારની પ્રચાર-પ્રસારની કાર્પેટ બોમ્બિંગ પદ્ધતિઓથી ભાજપ વિરુદ્ધ પ્રચાર યુદ્ધ જમાવી દીધું છે.