ભાવનગર: શહેરમાં પશ્ચિમ વિધાનસભામાં આવતી ગઢેચી નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવાનો મહાનગર પાલિકાનો પ્રોજેક્ટ છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકા ગઢેચી નદી ઉપર વિકાસના કાર્યને પગલે નોટિસો પાઠવીને નદી કાંઠેના મકાનો ખાલી કરવા જણાવી ચૂકી છે. તેની સામે ઝૂંપડપટ્ટી હિત રક્ષક સમિતિ મેદાનમાં ઉતરી છે. મહાનગરપાલિકામાં ધરણા કરવા ગયેલા ઝૂંપડપટ્ટી હિત રક્ષક સમિતિ અને કોંગ્રેસના નેતાઓના વિરોધ વચ્ચે પોલીસની દરમિયાનગીરી થઈ અને ત્યારબાદ જોવા જેવા દ્રશ્યો સર્જાયા હતા.ગાંધી ચીંધ્યા માર્ગે પણ વિરોધ નહીં કરવા દેતા કોંગ્રેસ લાલઘૂમ થઈ છે. શાસકો કહે છે, અમને તો ખબર જ નથી, અમે તો સામાન્ય સભામાં હતા.
વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત: હિત રક્ષક સમિતિના સભ્ય લાલભા ગોહિલે જણાવ્યું કે, આજના કાર્યક્રમમાં ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને ધરણાનો કાર્યક્રમ કરવા માંગતા હતા. ત્યારે ગઢેચી નદીના શુદ્ધિકરણની વાહિયાત વાતો કરીને હજારો લોકોને બેઘર કરવાનો ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોનો ઉદ્દેશ છે, તેની સામે અમે વિરોધમાં ધરણા કરવાના હતા. અમને મંજૂરી ન આપે તો શું થાય?. તેઓએ અમોને પોલીસને મોકલી અને દબાણપૂર્વક બળજબરીથી ધરપકડ કરી નિલમબાગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. આ ધરપકડથી અમે મૂંઝાવા નથી. અમારા જોશમાં કોઈ કમી નથી આવી. છેલ્લા શ્વાસ સુધી આ મુદ્દા પર અમે લડત આપીશું. આ લોકોને ભાન નથી પડતી, તો આના કરતા પણ વધારે ઉગ્ર આંદોલન કરતા આવડે છે, એ બતાવીશું.
કોંગ્રેસે કર્યા શાસકો પર પ્રહારો: પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘણીએ જણાવ્યું હતું કે, આ ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિ, દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી છે. એટલા માટે 1700 ઝૂંપડપટ્ટીને આવાસ આપશું તેવું તેમના ચૂંટણી ઢંઢેરામાં લખ્યું છે. તેમના ચૂંટણી ઢંઢેરા મુજબ અમે ઝૂપડપટ્ટીના લોકોને સરકારી આવાસ આપશું ત્યાં તમારે સરકારી આવાસ આપવા છે. ત્યારે તમે લોકોના મકાનો પાડીને ગઢેચીના વિકાસની વાતો કરો છો. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને જીગ્નેશ મેવાણી પણ ભાવનગરમાં આ લોકોના દુ:ખમાં ભાગ લેવા માટે આવ્યા હતા. ત્યારે કમિશ્નરે ઉત્તર આપ્યો હતો કે, આ બાબતે અમે યોગ્ય નિર્ણય કરીશું. પરંતુ આજ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. માટે હવે નછૂટકે અમે શાંતિ ધરણા કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં પણ નછૂટકે શાસકોની દાદાગીરી છે, તે લોકોને ખબર નખી, ભાવનગરના લોકો જ્યાં સુધી શાંત છે. ત્યાં સુધી જ શાંત છે, જ્યારે હથિયારો હાથમાં લેશે. તો ખબર નથી, ભારતીય જનતા પાર્ટીના લોકોને કે, તેઓ ભાવનગરમાં રહી શકશે.
સમગ્ર ઘટના મુદ્દે સત્તાધીશોનો જવાબ: કોંગ્રેસના વિરોધ વચ્ચે મેયર ભરતભાઈ બારડ સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, અમારે સામાન્ય સભા ચાલુ હતી. નીચે શું થયું તેનો અમને કોઈ ખ્યાલ નથી. જો કે ધરણાને પગલે મંજૂરી આપી કે ના આપી એ બાબતનો મને ખ્યાલ નથી તમે ચેરમેનને પૂછી શકો છો. જો કે આ મુદ્દે ચેરમેન રાજુભાઇ રાબડીયા સાથે પણ ટેલીફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, ધરણા માટેની મંજૂરી તો ન મળે. પરંતુ સામાન્ય સભા ચાલુ હોય તેથી નીચે શું થયું. તેનો અમને ખ્યાલ નથી.
આ પણ વાંચો: