સુરત: જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જવાબદાર અધિકારીઓની નિષ્કાળજીના કારણે સુરત જિલ્લામાં દર વર્ષે વરસાદી પાણી ભરાવો થવા બાબતે તપાસ કરી વરસાદી પાણીનાં નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા બાબત તેમજ ખેડૂતોનાં પાક અને અસરગ્રસ્ત લોકોની ઘરવખરીને થયેલ નુકસાનનું સર્વે કરાવી વળતર ચુકવવા બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી અને સુરત જિલ્લા સહકારી નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
કોંગ્રેસ પ્રદેશ મહામંત્રીની મુખ્યમંત્રીને રજૂઆત: ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી અને સુરત જિલ્લા સહકારી નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં હાલમાં વરસાદ પડવાના કારણે ઠેર ઠેર પાણી ભરાવો થવાની સમસ્યા સામે આવી રહી છે. સુરત જિલ્લાના અનેક ગામથી ખેડૂતો અને નાગરિકો પોતાના અને અને આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાવો થવાના વિડીઓ મોકલીને કરી રજૂઆત કરી રહ્યા છે કે, વરસાદી પાણીના નિકાલ નહીં થવાને કારણે ઘણી તકલીફ થઈ રહી છે અને અને ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે.જેથી અમો દ્વારા પણ સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં પ્રવાસ કરી પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવેલ ત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થતિનું નિર્માણ થયેલ તે નજરે નિહાળ્યું છે.
અનેક લોકોની ઘરવખરીને નુકસાન: સુરતમાં આશરે 132 કરતાં વધારે રસ્તાઓ બંધ હાલતમાં હતા. તેમજ અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં આવી ગયેલ છે.જેને કારણે સરકારની તિજોરીને પણ લાખો રૂપિયાનું નુકસાન થવા પામેલ છે. સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં હજારો લોકોને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવા પડેલ હતા.અને અનેક લોકોની ઘરવખરીને નુકસાન થવા પામેલ છે.
ડાંગરના પાકમાં પાણીની વિશેષ જરુરિયાત: સુરતના કેટલાક વિસ્તારમાં ખેડૂતો મુખ્યત્વે ડાંગર, શેરડી, શાકભાજીની ખેતી કરે છે. ડાંગરના પાકમાં પાણીની વિશેષ જરૂર હોય છે. ડાંગરની વાવણી સમયે વરસાદ પડવો એ ખેડૂતો માટે ખુશીની વાત છે. પરંતુ સુરત જિલ્લાનાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જવાબદાર અધિકારીઓની નિષ્કાળજી કારણે આ વરસાદ જ ખેડૂતો માટે આફત બની ગયેલ છે. કેમ કે, સુરત જિલ્લા ઠેર ઠેર પાણી ભરવો થવાની સમસ્યા ઉદ્ભવી રહી છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે સુરત જિલ્લાના ગામોંમાં અને ખેતરોની સીમમાં પાણી ભરાવો થવાની સમસ્યા ઉદ્ભવી રહી છે.
ડાંગર અને શાકભાજીના પાકને નુકસાન: પાણી ભરાવો થવાને કારણે ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવેલ ડાંગર અને શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અને અનેક ખેડૂતો કે જેમની વાવણી કરવાની બાકી છે. પાણી ભરાવો થવાના કારણે વાવણી કરી શકતા નથી તેમજ અનેક ખેડૂતોના ડાંગરના ધરુનો નાશ થવાની ભીતિ છે. અનેક ખેડૂતોના શાકભાજીના માંડવા તૂટી પડેલ છે અને શાકભાજીના પાકને નુકસાન થઈ રહેલ છે. જેને કારણે સુરત જિલ્લાના ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઇ રહેલી છે.
ગામોની સીમમાં પાણી ભરાવાની સમસ્યા: સુરત જિલ્લાની વાત કરીએ તો દરેક વર્ષે ચોમાસાની ઋતુ દરમ્યાન જ્યારે જ્યારે વરસાદ પડે છે. ત્યારે સુરત જિલ્લાના ગામોની સીમમાં પાણી ભરાવો થવાની સમસ્યા ઉદ્ભવતી હોય છે. કારણ કે, સુરત જિલ્લામાં ખાસ કરી ને મજૂરા, ઓલપાડ, ચોર્યાસી તાલુકાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 7000 હેક્ટર કરતાં વધુ જમીન ઉપર ઝીંગાના તળાવ બનાવી દેવામાં આવેલ છે જેમાં થી મોટાભાગના તળાવો ગેરકાયદેસર રીતે સરકારી જમીન ઉપર દબાણ કરી ને બનાવી દેવામાં આવેલ છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાગળ પર કાર્યવાહી: છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂત આગેવાનો અને અનેક અરજદારો દ્વારા રજૂઆત કરવા છતાં તેમજ નામદાર એન. જી. ટી . દ્વારા આ તમામ દબાણો દૂર કરવાની સૂચના આપેલ હોવા છતાં સુરત જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા માત્ર નામ પૂરતી કાગળ ઉપર કાર્યવાહી કરવામાં આવે છે અને સ્થળ ઉપર કાર્યવહી થવી જોઈએ તે કરવામાં આવી રહેલ નથી. જિલ્લાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં આ ગેરકાયદેસર ઝીંગાના તળાવની સંખ્યા રોજ બરોજ વધીજ રહી છે. જેને કારણે વર્ષોથી વરસાદી પાણીના નિકાલની જે કુદરતી વ્યવસ્થા હતી. તેમાં ગેરકાયદેસર દબાણને કારણે અવરોધ ઊભો થયેલ છે.
પ્રિ મોન્સુનની કામગીરી કરવામાં નથી આવી રહી: વધુમાં જણાવવાનું કે ચોમાસાની ઋતુ શરૂઆત થવા પૂર્વે જે પ્રિ મોન્સુનની કામગીરી વહીવટીતંત્ર દ્વારા થવી જોઈએ. તે સુરત જિલ્લામાં કરવામાં આવી રહી નથી. ખાસ કરીને પલસાણા, બારડોલીમાંથી પસાર મીંઢોણા નદી અને કોયલી ખાડી, ઓલપાડની કીમ નદી, સેના ખાડી, તેના ખાડી,ઘોડા ખાડી તેમજ આ નદી અને ખાડીઓ સાથે સંલગ્ન નાની નાની ખાડીઓ અને ફિલ્ડ ચેનલોની જે રીતે સફાઇ ચોમાસા પૂર્વે થવી જોઇએ તે કરવામાં આવતી નથી. અને માત્ર કાગળ ઉપર કરવામાં આવે છે અને લાખો રૂપિયાના બિલ એજન્સી /કોન્ટ્રાકટર દ્વારા મૂકી દેવામાં આવે છે. તેમજ આ નદીઓ અને ખાડીઓ ઉપર પણ અનેક જગ્યાએ ગેરકાયદેસર દબાણ કરવા આવેલ છે. જેને કારણે પણ વરસાદી પાણીના નિકાલ માં અવરોધ ઊભો થઈ રહેલ છે.
ઠેર ઠેર પાણી ભરાવો થવાની સમસ્યા: વધુમાં જણાવવાનું કે કોઈ એક વર્ષમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થવાને કારણે પાણીના ભરાવો થયાનો રિપોર્ટ સુરત શહેરી વિકાસ મંડળ (SUDA), સિચાઈ વિભાગ, ડ્રેનેજ વિભાગ અને મામલતદાર કચેરી સહિતના વહીવટી તંત્રના અધિકારીઓએ સાથે મળી તૈયાર કરવાનો હોય છે. તે યોગ્ય રીતે તૈયાર કરવામાં આવતો નથી. સુરત જિલ્લાના સુરત શહેરી વિકાસ મંડળ (SUDA), સિચાઈ વિભાગ, ડ્રેનેજ વિભાગ, મામલતદાર કચેરી સહિતના વહીવતી તંત્રના જવાબદાર અધિકારીઓ સ્થળ ઉપર જઇ કામગીરી કરવાની જગ્યા એ એ. સી. ઓફિસમાં બેસીને ખાલી કાગળો ઉપર કામગીરી કરી રિપોર્ટ તૈયાર કરી દેતા હોય છે. જેને કારણે સુરત જિલ્લામાં દરેક વર્ષે જ્યારે જ્યારે વરસાદ પડે છે. ત્યારે ત્યારે ઠેર ઠેર પાણી ભરાવો થવાની સમસ્યા ઉદ્દભવે છે. જેનો ભોગ ખેડૂતો અને સામાન્ય લોકો બની રહ્યા છે.
અનેક ખેડૂતોના ખેતરમાં પાણીનો ભરાવો: વધુમાં જણાવવાનું કે સુરત જિલ્લામાંથી પસાર થઈ રહેલ વડોદરા – મુંબઈ એક્સપ્રેસ હાઇવે બનાવતી સમયે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવામાં આવેલ ન હોવાને કારણે પણ અનેક ખેડૂતનાં ખેતરમાં પાણી ભરાવો થઈ રહેલ છે. જ્યારે સદર એક્સપ્રેસ હાઇવેની કામગીરી ચાલી રહેલ હતી. ત્યારે ખેડૂતો અને આગેવાનો દ્વારા હાઇવે ઓર્થોરીટીના અધિકારીઓ સાથે પાણીના નિકાલ બાબતે અનેક મિટિંગ કરી રજૂઆત કરવામાં આવેલ હતી. તેમ છતાં આ અધિકારીઓ દ્વારા ખેડૂતોની રજૂઆ ધ્યાને લેવામાં આવેલ હતી નહીં અને મનસ્વી રીતે કામગીરી કરવામાં આવેલ હતી. જેને લઇને આજે અનેક ખેડૂતોના પાકને નુકસાન થવાને કારણે આર્થિક નુકસાન થઇ રહ્યું છે . અનેક જગ્યા સ્લેબ ડ્રેનેજ બનાવવામાં આવેલ છે પરતું જે પ્રમાણની સાઇઝમાં સ્લેબ ડ્રેનેજ બનાવવાની હોય છે તેના કરતા નાની સાઇઝમાં સ્લેબ ડ્રેનેજ બનાવવામાં આવેલ છે,જેને કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થામાં અવરોધ આવી રહ્યો છે.
સુરતની સમસ્યાનો નિકાલ કરવામાં આવે: આ રજૂઆતને ધ્યાને રાખી સુરત જિલ્લામાં દર વર્ષે વરસાદી પાણીના નિકાલ ન થવાને કારણે જે પાણી ભરાવો થઈ રહેલ છે. તે બાબતે એક સમિતિ બનાવી સુરત જિલ્લામાં જ્યાં પણ વરસાદી પાણીના નિકાલમાં ગેરકાયદેસર રીતે અવરોધ ઊભો કરવામાં આવેલ હોય તેને દૂર કરવામાં આવે. તેમજ જે અધિકારીઓ વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થા કરવાની કાર્યવાહીમાં બેદરકારી કે બેજવાબદારી દાખવે તેમની સામે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે. તથા જે ખેડૂતોનાં પાક અને નાગરિકોની ઘરવખરીને થયેલ નુકસાન નો સર્વે કરાવી તેમને આર્થિક મદદ કરવા માટે વળતર ચૂકવવામાં આવે. એવી સુરત જિલ્લાનાં નાગરિકો અને ખેડૂતોના હિતમાં તેમની લાગણી છે તેમ જણાવ્યું હતું.