અમદાવાદ: ગુજરાતની અતિવૃષ્ટિનો મુદ્દો આજે રાજ્યસભામાં ગુંજ્યો હતો. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો છે કે, રાજ્યમાં વરસાદથી મોટું નુકસાન થયું હોવા છતાં રાજ્ય સરકારે સહાય માટે કેન્દ્રને રજૂઆત કરી નહીં અને લોકો સાથે અન્યાય કર્યો છે. હકીકતમાં સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા સવાલ પછાયો હતો કે, ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જે નુકસાની થઈ છે અને લોકોનું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેનો અંદાજ લાગાવાયો છે? અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને કેટલી સહાયની રકમ પ્રદાન કરવામાં આવી છે?
અતિવૃષ્ટિ મામલે કેન્દ્રમાંથી ગુજરાતને કેટલી સહાય મળી?
કોંગ્રેસના સાંસદના પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, જ્યારે-જ્યારે મોટી કુદરતી આફત આવે ત્યારે NDRFમાંથી સહાયની મોટી રકમ મળે, પરંતુ નુકસાનીનો સર્વે કરીને રાજ્ય સરકાર દ્વારા આવેદન આપવામાં આવે, માંગણી કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી થતી હોય છે. 2024માં ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને મોટું નુકસાન થયું, પરંતુ નુકસાની માટે માંગણી કરતું આવેદન ગુજરાત સરકાર દ્વારા કેન્દ્રને નહોતું અપાયું માટે કેન્દ્ર સરકાર તરફથી NDRFમાંથી ખાસ સહાય મળવી જોઈએ એ નથી મળી શકી. SDRFમાંથી મળતી સહાયની મર્યાદા હોય છે.
ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને જે નુકસાની થઈ છે એના સંદર્ભમાં એક પ્રશ્ન રાજ્યસભામાં પૂછ્યો હતો. જેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, જ્યારે-જ્યારે મોટી કુદરતી આફત આવે ત્યારે NDRFમાંથી સહાયની મોટી રકમ મળે, પરંતુ નુકસાનીનો સર્વે કરીને રાજ્ય સરકાર દ્વારા આવેદન આપવામાં આવે,… pic.twitter.com/FfjnkWiItX
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) December 5, 2024
ગુજરાત સરકાર પર શક્તિસિંહના આરોપ
કેન્દ્ર સરકારના જવાબને ટાંકીને શક્તિસિંહ ગોહિલે X પર લખ્યું કે, ભૂતકાળમાં આવા પ્રસંગોએ ગુજરાત સરકારને કેન્દ્રની ખાસ સહાય મળે તે માટે આજના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, હું વિપક્ષનો નેતા હતો ત્યારે એમણે ખાસ સહાય માટે આવેદન રજૂ કર્યું હતું. અમે પણ કોંગ્રેસ પક્ષ તરીકે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને ગુજરાતને વધારે સહાય મળે તે માટે માંગણી કરી હતી અને ત્યારે આટલું મોટું નુકસાન નહોતું છતાં ઉદાર હાથે NDRFમાંથી સહાય મળી હતી. આ વખતે ગુજરાતમાં મોટાપાયે નુકસાન થયું છે, ખેડૂતો બરબાદ થયા છે ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા આંકડા મુજબ ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી, પરંતુ મળેલા જવાબ પરથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન આપ્યું નથી કે માંગણી કરી નથી, જે ગુનાહિત બેદરકારી છે.
તેમણે આગળ કહ્યું છે કે, ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા હોય, કેન્દ્રમાંથી સહાય મળતી હોય, ડબલ એન્જિન સરકારની વાતો કરતા હોય એટલે રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને વડાપ્રધાન પણ ગુજરાતના છે, ત્યારે મોસાળમાં લગ્ન અને મા પીરસનારી છે ત્યારે ગુજરાતના ખેડૂતોને નુકસાનીમાં વધારે ફાયદો મળવો જોઈતો હતો. એના બદલે માંગણી પણ નહીં કરવાની, આવેદન પણ નહીં આપવાની એ ગુજરાતની ભાજપ સરકારની ગુનાહિત બેદરકારી છે. ગુજરાતની જનતાને ઘોર અન્યાય ગુજરાતની ભાજપ સરકાર દ્વારા થયો છે તેનું ભારોભાર દુઃખ છે.
આ પણ વાંચો: