રાજકોટ: સૌરાષ્ટ્ર સૌથી મોટો લોકમેળા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ લોકમેળો સૌરાષ્ટ્રના રાજકોટમાં થાય છે. આ વખતે યોજાનાર લોકમેળામાં ટીઆરપી અગ્નિકાંડમાં સરકારની ખામીઓ દર્શાવતો સ્ટોલ જોવા મળે તો તેમાં નવાઈ નહીં. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ દ્વારા સરકારની ખામીઓને ઉજાગર કરતો સ્ટોલ નાખવાની તૈયારીઓ થઈ રહી છે. આ અંગે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પાસે મંજૂરી પણ માગવામાં આવશે. જો જિલ્લા વહીવટી તંત્ર કોંગ્રેસને મંજૂરી આપશે તો કોંગ્રેસ સરકારની ખામીઓને ઉજાગર કરતો સ્ટોલ લોકમેળામાં જોવા મળશે.
સ્ટોલ મૂકવો અમારો હક છે: રાજકોટમાં આજે કોંગ્રેસ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં રાજકોટમાં થયેલા અગ્નિકાંડ વિષે વાત કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું હતું કે, લોક મેળામાં TRP ગેમઝોન અગ્નિકાંડ અંગે લોકોની જાગૃતતા માટે સ્ટોલની માંગ કરીશું. જો સરકાર લોકમેળામાં પોતાની વાહવાહીના સ્ટોલ મુકતા હોય છે તો TRP ગેમઝોનના પિડીતોના ન્યાય માટેની માંગ કરતો સ્ટોલ મૂકવો અમારો હક છે. જોકે સૌથી મોટો સવાલ એ છે કે, શું જિલ્લા વહીવટી તંત્ર આની મંજૂરી આપશે? કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમ અંગે પણ વાત કરવામાં આવી હતી.