અમદાવાદ: જિલ્લામાં આવેલા કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં દાહોદમાં થયેલી બાળકીની કરપીણ હત્યા મામલાના આરોપી આચાર્યના ભારતીય જનતા પાર્ટી સાથેના સંબંધો વિશે પૂરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસે આરોપી આચાર્યના ફોટો જાહેર કર્યા: ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ આરોપી આચાર્ય ગોવિંદ નટ્ટના ફોટો જાહેર કર્યા છે. ફોટોગ્રાફ્સમાં આરોપી ગોવિંદ નટ્ટ પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે નજરે પડે છે. અન્ય એક ફોટોમાં સંઘના ગણવેશમાં કાર્યશાળામાં હાજર દેખાઇ રહ્યો છે.
કોંગ્રેસે ભાજપ પર કર્યા પ્રહારો: પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, બેટી પઢાવોના નારા સામે ગુજરાતની બેટી બચાવોનો નારો આપવો પડે એવી સ્થિતિ સર્જાય છે. દાહોદની દીકરી માટે ભાજપવાળા ક્યારે મીણબત્તી લઈને નીકળશે ? ચૂંટણીમાં પણ આ વ્યક્તિ ભાજપનું કામ કરતો હતો. આવા લોકો ભાજપમાંથી જ કેમ નીકળે છે એ પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો.
દાહોદની ઘટના વાલીઓ માટે ચિંતાનો વિષય: શૈક્ષણિક સંકુલોમાં દીકરીઓના શોષણ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, શિક્ષણને હચમચાવતો દાહોદનો કિસ્સો સામે આવ્યો હતો. બોટાદમાં પણ માસૂમ દિકરી સાથેનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં દીકરીઓ સલામત ન હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. દાહોદની ઘટના વાલીઓ માટે ચિંતાનો વિષય બની છે.
આરોપી આચાર્ય ભાજપ સાથે સંકળાયેલ છે: સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ પર હોવાથી આવી ઘટનાઓ બની રહી છે. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, દાહોદ ઘટનાના આરોપી આચાર્ય ભાજપની ભગીની સંસ્થા સાથે સંકળાયેલું છે. આ ઘટનામાં પણ ભાજપના પદાધિકારીઓ સામે આવ્યા હતા. આવી પ્રવૃતિઓ કરનારો સામે કડક પગલા ભરે તો જ આવી ઘટના બંધ થશે.
આ પણ જાણો: