જામનગરઃ જામનગર મહાનગરપાલીકાની ચર્ચાસ્પદ બનેલી આઇસીડીએસ શાખામાં ઓફિસ સુપ્રિટેન્ડન્ટ સામે પાંચ જેટલી મહિલા કર્મચારીઓએ જાતીય સતામણીની ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મહિલાઓનો આરોપ છે કે, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ તેમની સામે એકીટસે જોયા રાખે છે તેમજ ગમે તે બહાને મહિલાઓને સ્પર્શ કરે છે. આ બાબતે હવે મહાનગરપાલિકામાં તપાસ શરૂ થઇ ગઇ છે.
પ્રાપ્ત વિગત અનુસાર મહાનગરપાલિકાની આઇસીડીએસ શાખા અગાઉ પણ અનેક વિવાદોમાં આવી ચૂકી છે. ત્યારે હવે આઇસીડીએસ વિભાગના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ સામે વિભાગના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ સામે આ કચેરીમાં જ કામ કરતી પાંચ જેટલી મહિલા કર્મચારીઓએ જાતીય સતામણીનો આરોપ લગાડી કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલાને લઈને તો હાલ આઈસીડીએસ શાખા કોર્પોરેશનમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
ફરિયાદમાં શું કહે છે મહિલાઓ? મહિલાઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી ઓફિસ સુપ્રિટેન્ડન્ટ તેમને એકટસે જોયા રાખે છે. તેમજ ગમે તે બહાને કરીને તેમને સ્પર્શ કરે છે. આ ઉપરાંત પણ અનેક આરોપો મૂકવામાં આવ્યા છે. મહાપાલિકામાં જાતીય સતામણીની આ ફરિયાદથી ભારે ચકચાર મચી જવા પામી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલની ગંભીરતાને ધ્યાને લઇને તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આ બાબતે શું તથ્ય છે તે જાણવા કમિટી રચાઇ છે. તેમજ પીડીત મહિલાઓ અને અન્યના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
અધિકારી બલીનો બકરો બન્યા? ઓફિસ સુપ્રિટેન્ડન્ટને બલીનો બકરો બનાવ્યા હોવાની પ્રબળ શંકા મામલે પણ મહાનગરપાલિકામાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, આઇસીડીએસમાં વર્ષોથી ઘર કરી ગયેલી મહિલાઓ કોઇને પણ ટકવા દેતી નથી. તેમજ તેમની પાસે કામ લેવામાં આવે તો તેઓ વિરોધ કરી આ વ્યકિત કે અન્યને હેરાન કરે છે. ઓફિસ સુપ્રિટેન્ડન્ટ પણ કદાચિત કડક કાર્યવાહી કરતા જાતીય સતામણીની ફરિયાદનો ભોગ બન્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જોકે સવાલો ઘણા છે, જે આગામી તપાસ કાર્યવાહી દરમિયાન સ્પષ્ટ થશે. હવે જોવું રહ્યું કે તપાસમાં કોની સામે શું સત્ય ખુલે છે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે.
આ બાબતની તપાસ ચાલી રહી છે, નિયમ મુજબ કાર્યવાહી થશે: ડીએમસી આ અંગેની ફરિયાદ અમને મળી છે તેમજ આ ફાઇલ હજુ સુધી મેં પુરી વાંચી નથી, પરંતુ આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે અને જે હશે તે સામે આવશે અને નિયમ મુજબ પગલા પણ લેવામાં આવશે.