આણંદ: શહેરમાં વરસાદી છાંટા શરુ થવા સાથે વીજ પુરવઠો ખોરવાઇ જવાની ફરિયાદો પણ શરુ થવા લાગી હતી, પરંતુ મોટાભાગે વીજ કંટ્રોલરૂમના કર્મચારીઓ ફોન રીસીવ ન કરતા હોવાનું અને કદાચ રીસીવ કરે તો ઉડાઉ જવાબ આપતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. આ મામલે વીજ અધિકારીઓ પણ જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહીના બદલે રગશિયું તંત્ર ચલાવતા હતા. આથી ભારે વરસાદના સમયમાં વીજ કર્મચારીઓની આ પ્રકારની બેદરકારી જોખમ સર્જશેની ચિંતા સેવીને જાગૃતજનો દ્વારા આ અંગે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
![આણંદ દ્વારા જાહેર જનતા માટે ટોલ ફ્રી નંબર 1800-233-2670 જાહેર કરવામાં આવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-07-2024/gj-and-collector-visited-mgvcl-dry-gj10070_08072024081045_0807f_1720406445_627.jpg)
કલેકટરે લીધી એમજીવીસીએલ કચેરીની આકસ્મિક મુલાકાત: આ દરમિયાન આજે જિલ્લા કલેકટર પ્રવિણ ચૌધરી સાથે ડીડીઓ, નિવાસી અધિક કલેકટર અને પ્રાંત અધિકારીની ટીમે આણંદમાં ગ્રીડ ચોકડી પાસેની એમજીવીસીએલ કચેરીની આકસ્મિક મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન ખાસ કરીને વીજ કંપનીના કંટ્રોલરૂમનું વ્યવસ્થા તંત્ર કેવું છે તે અંગે કલેકટરને જાણકારી મેળવી હતી. જેમાં જીઇબીનું ભોપાળું બહાર આવ્યું હતું.
![કલેકટર પ્રવિણ ચૌધરીએ લીધી એમજીવીસીએલ કચેરીની આકસ્મિક મુલાકાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-07-2024/gj-and-collector-visited-mgvcl-dry-gj10070_08072024081045_0807f_1720406445_497.jpg)
"જીઇબીનું ભોપાળું બહાર આવ્યું!'': આણંદ ઉત્તર પેટા વિભાગનો કંટ્રોલરૂમ બંધ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી કલેકટરે તુરંત તેના ડેપ્યુટી એન્જિનીયરને નોટિસ પાઠવવા તથા સુપ્રિ. એન્જિનીયરને જરુરી કારણો, ખુલાસા સાથે કલેકટર કચેરીએ ઉપસ્થિત રહેવા તાકિદ કરવામાં આવી છે. કલેકટરની મુલાકાતના પગલે ગુલ્લીબાજ તેમજ ગ્રાહકોને ફોન પર ઉડાઉ જવાબ આપવા સહિતની બેદરકારી દાખવનારા કર્મચારીઓએ એકાએક શોક લાગ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
હવે કામગીરી થશે: આણંદમાં વીજ કંપની દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર, ચોવીસ કલાક કર્મચારીઓ તૈનાત
આણંદ વીજ કંપની સામે ગ્રાહકોની વિવિધ પ્રકારની ફરિયાદોના પગલે આજે કલેકટર દ્વારા લેવાયેલ મુલાકાતમાં ક્ષતિઓ જોવા મળી હતી. જેમાં જવાબદારને નોટિસ સહિતની કાર્યવાહીની તાકિદ કરવામાં આવી છે. દરમિયાન વીજ ગ્રાહકોને વરસાદી ઋતુમાં વીજ પુરવઠો ખોરવાઇ જવાની ફરિયાદનો યોગ્ય જવાબ મળી રહે તે માટે મધ્ય ગુજરાત વીજ કંપની, આણંદ દ્વારા જાહેર જનતા માટે ટોલ ફ્રી નંબર 1800-233-2670 જાહેર કરવામાં આવ્યો છે. જેના પર વીજ પુરવઠો ખોરવાઇ ગયો હોય તો ગ્રાહકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે. આ નંબર પર ચોવીસ કલાક કર્મચારીઓ હાજર રહેવા સાથે ફરિયાદોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં આવશે તેમ કચેરીના સૂત્રો દ્વારા જણાવાયું છે.