રાજકોટ: શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આગામી તારીખ 24 થી 28 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાવવાનો છે. આ લોકમેળાનાં આયોજનને લઈને કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા અને લોકમેળાના આયોજનને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કલેક્ટર પ્રભવ જોશી દ્વારા જુદી-જુદી 19 સમિતિઓની રચના કરવામાં આવી હતી તેમજ ઉદ્ઘાટન-વીમો અને સ્ટોલની હરરાજી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે TRP ગેમઝોન દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રાઈડ્સ માટે ખાસ SOP ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કલેકટર કચેરીમાં બેઠક: કલેકટર કચેરીએ આગામી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રાજકોટ ખાતે યોજાનાર લોકમેળાના આયોજન અંગેની બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ આ બેઠકમાં સલામતીની તમામ બાબતોનું ચુસ્તપણે પાલન કરવાના તથા મેળાના સુચારુ આયોજન માટે બનાવાયેલી તમામ 19 સમિતિઓના અધ્યક્ષોને તેમની કામગીરી પૂર્ણ સજ્જતા સાથે કરવાના આદેશો આપ્યા હતા. જ્યારે લોકમેળા અમલીકરણ સમિતિના સભ્ય સચિવ અને પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારે PPTના માધ્યમથી લોકમેળાના આયોજન અંગેની તમામ બાબતો આ બેઠકમાં રજૂ કરી હતી.
આટલી બાબતોના આદેશ અપાય: જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનાં જણાવ્યા મુજબ, આ બેઠકમાં મેળાની રાઇડ્સ તથા દુકાનોમાં 40 ટકાનો ઘટાડો કરી યોગ્ય રીતે ક્રાઉડ મેનેજમેન્ટ કરવા, સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવા, વાસી ખોરાકનો નાશ કરી લોકોના આરોગ્યની જાળવણી કરવા, છાપેલા ભાવ કરતાં વધુ ભાવે ખાદ્ય સામગ્રીનું વેચાણ ન થાય તેનું ધ્યાન રાખવા, કંટ્રોલરૂમ, એમ્બ્યુલન્સ, ફાયર સેફ્ટી વગેરેની યોગ્ય વ્યવસ્થા કરવા, સરકારી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા બાદ જ રાઇડ્સ ચાલુ કરવા, રાત્રે 11:30 વાગ્યે એન્ટ્રી બંધ કરાવવા, એન્ટ્રી-એક્ઝિટ તથા ખોવાયેલા બાળકો માટે CCTV કેમેરા લગાવવા તથા મેળાના ઉદ્ઘાટન, 5 દિવસ દરમિયાન યોજાનારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, NDRF અને ડિઝાસ્ટરની ટીમ તૈયાર રાખવા વગેરે તમામ બાબતો વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટનો લોકમેળો: ઠેર-ઠેરથી દરરોજ લાખોની સંખ્યામાં લોકો આ મેળો માણવા માટે આવતા હોય છે ત્યારે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર અત્યારથી જ સતર્ક બન્યું છે. અને મેળાની તૈયારીઓ માટે બેઠકો શરૂ કરવામાં આવી છે. આગામી સમયમાં સ્ટોલની ફાળવણી સહિત તમામ પ્રક્રિયાઓ કલેક્ટર દ્વારા નિમાયેલી સમિતિઓ દ્વારા કરવામાં આવશે. તેમજ લોકમેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવશે.