વડોદરા: શહેરના પાદરા ખાતે આવેલા એ.જે શાહ પેટ્રોલ પંપ પર એક યુવક પેટ્રોલ ભરાવવા આવ્યો હતો. યુવકે રૂ. 50 નું પેટ્રોલ ભરવા કહ્યું હતું. પરંતુ ફીલર દ્વારા ભુલથી રૂ.140નું પેટ્રોલ ભરાઇ જાય છે જેને લઈને રૂપિયા 90નું વધારાનું પેટ્રોલ ભરાઈ જતા તે પેટ્રોલ બોટલમાં પરત કાઢી લેવામાં આવે છે. સમગ્ર ઘટના બનતા ગ્રાહક અને પંપના કર્મચારી દ્વારા બંનેના ઈગોના સવાલને લઈને બોલાચાલી સર્જાય છે અને એકાએક આ બનાવે મોટું સ્વરૂપ ધારણ કરી લીધુ છે જેને લઈને પાદરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડવું પડ્યું.
બંને એકબીજાની ભૂલ ઉપર સહમત: પાદરા પોલીસ મથકમાં મોઇનખાન યુસુફખાન પઠાણ (ઉં. 33) (રહે. ભાગ્યલક્ષ્મી સોસાયટી, પાદરા)એ ફરિયાદ નોંધાવી છે કે, તે પાદરા ડેપોની બાજુમાં આવેલા એ.જે. શાહ પેટ્રોલ પંપ ઉપર નોકરી કરે છે. ગત બપોરથી તેઓ નોકરી પર હાજર હતા. રાત્રે 9 વાગ્યે એક્ટીવા લઇને પ્રિન્સ નામનો કસ્ટમર આવે છે અને રૂ.50નું પેટ્રોલ ભરવા જણાવે છે. તે સમય દરમિયાન ભુલથી રૂ.140 નું પેટ્રોલ ભરાઇ જાય છે જેથી તેઓ પ્રિન્સને કંપની ડિસ્પ્લે ઉપર જોવા માટે સુચન કરે છે. પ્રિન્સ કહે છે કે, મારી પાસે 140 રૂપિયા નથી પરંતુ 50 જ રૂપિયા છે. જેથી તેઓ રૂ. 90 નું પેટ્રોલ કાઢી લેવાનું કહે છે. જે વાતને પ્રિન્સ મંજુર કરે છે.
ફોન કરીને મિત્રોને એકત્રિત કર્યા: પાદરા ખાતે પેટ્રોલ પંપ ઉપર બનેલી ઘટનાને લઈને વધારાનું પેટ્રોલ પુરાઈ જતા ₹90 નું વધારાનું પેટ્રોલ પરત પ્લાસ્ટિકની બોટલમાં પરત કાઢી લેવામાં આવે છે. પરંતુ સમગ્ર ઘટનામાં બંને પક્ષોનો ઈગો ગવાતા એકાએક સમગ્ર ઘટના રોદ્ર સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. જે બાદ પ્રિન્સ કહે છે કે, આ રૂ. 90 નું પેટ્રોલ છે ? તારૂ થાય છે ! તેમ કહી તે કોઇને ફોન કરે છે. થોડીક જ વારમાં અજયસિંહ મહેશભાઇ પરમાર, ભોપો દરબારનો દિકરો મોન્ટુ, મહેન્દ્ર ઉર્ફે લાલી દરબાર, કાની, નિકુલ રાજપુત, વિકી રાજપુત, ભાવેશ માળી, અને અનિલ (તમામ પાદરા ટાઉનના રહેવાસી) આવે છે અને કોઇ પણ વાત સાંભળ્યા વગર મારવાનું શરૂ કરી દે છે. બચાવમાં મોઇનખાન પેટ્રોલની નોઝલ ગોળ ફેરવે છે જેમાં પાઇપ છુટી પડી ગયા બાદ હુમલો કરવામાં આવે છે દરમિયાન બનેવી આફ્તાબભાઇ મલેક છોડાવવા પડતા તેઓને પણ માર મારવામાં આવે છે.
પાદરામાં વારંવાર જૂથવાદના બનાવો: છેલ્લા કેટલાક સમયથી વડોદરા જિલ્લાના પાદરા પંથકમાં જૂથવાદને લઈને ઉગ્ર સ્વરૂપ ધારણ થતું હોય છે અને વારંવાર પાદરા પંથકમાં આવા બનાવો બનવાને કારણે લોકો ભયભીત થઈ જતા હોય છે એટલું જ નહીં ક્યાંક ને ક્યાંક પાદરા પોલીસ પણ આ બાબતે પૂરતું ધ્યાન આપે તેવી ચર્ચાએ વેગ પકડ્યો હતો.
ખુરશીઓની તોડફોડ: બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં પેટ્રોલપંપની બાજુમાં આવેલી બરફની લારી ચલાવતા દીપકભાઇ જોષીની ખુરશીઓ લઈને લોકો તોડફોડ કરવા લાગી ગયા હતા. ઘટનાની જાણ પાદરા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલાને થાળે પાડીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
જાણો કોના કોના વિરુદ્ધ દાખલ થઈ ફરિયાદ: સમગ્ર ઘટના ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દેતા પાદરા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આ ઘટનામાં ઇજાગ્રસ્ત મોઇનખાનને 108 મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેઓ સારવાર લઇ રહ્યા છે. ઉપરોક્ત મામલે અજયસિંહ મહેશભાઇ પરમાર, ભોપો દરબારનો દિકરો મોન્ટુ, મહેન્દ્ર ઉર્ફે લાલી દરબાર, કાની, નિકુલ રાજપુત, વિકી રાજપુત, ભાવેશ માળી, અને અનિલ (તમામ રહે. પાદરા ટાઉન) સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.