સુરેન્દ્રનગર : ચોટીલા મહંત પરિવારના યુવાન ગૌતમગીરી ગોસાઈનું ચાર શખ્સો દ્વારા માર મારી અને અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણ પૈસાની લેતીદેતીમાં થયું હોવાની ફરિયાદ ચોટીલા પોલીસ મથકે નોંધાઈ છે.
પૈસાની લેતીદેતીનો મામલો : ફરિયાદમાં ચોટીલા મહંત પરિવારના ગૌતમગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે, તેમના મિત્ર વીરભદ્રસિંહ ચૌહાણે જગુભાઈ ખાચર પાસેથી દોઢ લાખ રૂપિયા 7 વર્ષ પહેલા 12 ટકા વ્યાજે લીધા હતા. જેમાં ગૌતમ ગોસ્વામી વચ્ચે હતા અને આ રૂપિયા અપાવ્યા હતા. જ્યારે તેના મિત્ર વીરભદ્રસિંહે યુવરાજસિંહને રૂપિયા ન આપ્યા તો તેની ઉઘરાણી ગૌતમગીરી પાસેથી કરવા લાગ્યા હતા.
ઉઘરાણી કરી પરેશાન કરતા : આરોપી ફરિયાદને વ્યાજ સહિત રૂપિયા 18 લાખની રકમ આપવા અવારનવાર પૈસાની ઉઘરાણી કરી પરેશાન કરતા હતા. જેથી તેઓએ 2017 ના બીજા મહિનામાં ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી. આ પૈસાની લેતી બાબતે 4, નવેમ્બરના રોજ બપોરના આશરે અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં યુવરાજસિંહનો ફોન ગૌતમભાઈના મોબાઈલમાં આવ્યો.
અપહરણ કરી ધમકી આપી : ફોનમાં આરોપીએ કહ્યું કે, આપણા જૂના હિસાબનું શું છે. જેથી ફરિયાદીએ રૂબરૂ મળીને વાત કરવા જણાવ્યું. ફરિયાદીએ વધુમાં કહ્યું કે, સાંજના આશરે સાડા છ વાગ્યાના અરસામાં હું અને મારા કાકાના દીકરા અમે બંને ડુંગર તળેટીમાં આવેલ અમારી દુકાને હતા. તે વખતે શખ્સોએ આવી પૈસાની ઉઘરાણી કરી હતી. બાદમાં ચાર શખ્સોએ તેઓનું અપહરણ કર્યું તથા માર મારી અને ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
CCTV કેમેરામાં બનાવ કેદ : મહંત પરિવારના યુવાન ગૌતમગીરી ઉર્ફે ગોપી મહારાજ ઘનશ્યામગીરી ગોસાઇનું 4 શખ્સોએ કારમાં અપહરણ કર્યું હતું. ઉપરાંત લોખંડના પાઇપ વડે માર માર્યો અને 10 લાખની ખંડણી માંગી હતી. અપહરણના બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ : સાથે જ અપહરણ કરી ગયા અને ત્યારબાદ રુપિયા દસ લાખની માંગણી કરી હતી. બાદમાં આરોપીઓ સાંજના સમયે ફરિયાદીને પરત તેમના ઘરે છોડી મૂક્યા હતા. આ અંગેની ચોટીલા પોલીસ મથકે આરોપી યુવરાજભાઈ જગુભાઈ ખાચર, સત્યરાજભાઈ જગુભાઈ ખાચર, હરેશભાઈ દનકુભાઈ જળુ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.