છોટાઉદેપુર : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશના સહપ્રભારી ગોપાલ ઇટાલીયા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ મંત્રી જયેશભાઈ સંગાડાએ મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર અને નર્મદામાં આયોજિત બેઠકમાં હાજરી આપી હતી.
AAP મિશન વિસ્તાર કાર્યક્રમ : આ મિશન વિસ્તાર કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ 55,000 બૂથને મજબૂત કરવા માટે રણનીતિ બનાવી રહી છે. આવનારા એક વર્ષમાં ગુજરાતના તમામ બૂથ પર દરેક બૂથ દીઠ પાંચ-પાંચ લોકોની નિયુક્તિ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓએ સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
- ભાજપના નેતાઓ પહેલા દારૂનો ધંધો કરતા અને હવે ડ્રગ્સનો ધંધો કરે છે : ઈસુદાન ગઢવી
આ બેઠક થયા બાદ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ પહેલા દારૂનો ધંધો કરતા અને હવે ડ્રગ્સનો ધંધો કરવાનું શરૂ કર્યું છે. હાલ જે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, તે ફક્ત 10% ડ્રગ્સ છે. હકીકતમાં 90% ડ્રગ્સ પકડાતું જ નથી. છેલ્લા બે વર્ષમાં 10,000 કરોડનું ડ્રગ્સ પકડાયું છે, તો જે ડ્રગ્સ નથી પકડાયું તેનો આંકડો કેટલો મોટો હશે. તે ગુજરાતના લોકોએ વિચારવાની જરૂર છે.
- ડ્રગ્સ કેસમાં પકડાયેલો વ્યક્તિ હર્ષ સંઘવીનો અંગત મિત્ર છે : ઈસુદાન ગઢવી
આમાં પકડાનાર મોટાભાગે લોકો ભાજપના નેતાઓ છે અને આ ભાજપના નેતાઓને આશીર્વાદ આપનાર ભાજપના મંત્રીઓ છે. હાલ જે વિકાસ આહીર નામનો વ્યક્તિ ડ્રગ્સ કેસમાં પકડાયો, તે હર્ષ સંઘવીનો અંગત મિત્ર છે એવું વિકાસ આહિરે પોતે કહ્યું છે. એટલા માટે તે વ્યક્તિ વિરુદ્ધ માફિયા ગેંગની કલમ લગાવવામાં આવી નથી. રાજકોટમાંથી પણ ભાજપના નેતાઓ ડ્રગ્સ કેસમાં પકડાયા છે. હર્ષ સંધવીના મજુરા વિસ્તારમાંથી ભાજપના કાર્યકર્તાઓ ડ્રગ્સ કેસમાં પકડાયા છે. અમને આશંકા છે કે આ તમામ કેસમાં મોટા મંત્રીઓની સંડોવણી હોઈ શકે છે.
હું હંમેશા કહેતો આવ્યો છું કે ડ્રગ્સ બિનવારસી કેમ પકડાય છે ? જો પાકિસ્તાનથી કે અફઘાનિસ્તાનથી અબજો રૂપિયાનું ડ્રગ્સ આવી રહ્યું છે, તો તેને લેવાવાળો કોઈ વ્યક્તિ તો હશે. તો પછી ડ્રગ્સ બિનવારસી કઈ રીતે થયું ? હું ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે તમે બીજા કોઈપણ બે નંબરના ધંધા કે ભ્રષ્ટાચાર કરો પણ મહેરબાની કરીને ડ્રગ્સના ધંધા કરીને ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું કામ છોડી દો.
- અયોધ્યાવાસીઓએ ભાજપને લાત મારી, હવે ગુજરાતમાંથી ભાજપને કાઢો : ઈસુદાન ગઢવી
ભાજપના નેતાઓના બે ધંધા છે. એક તો ડ્રગ્સનો ધંધો અને બીજો તેઓ વિદ્યાર્થિનીઓ પર બળાત્કાર કરે છે. જસદણ નજીક એક BCA ની વિદ્યાર્થિની પર બળાત્કાર કરવામાં આવ્યો, તેમાં પણ ભાજપના નેતાઓનું નામ બહાર આવ્યું છે. હું ગુજરાતની જનતાને કહેવા માંગીશ કે હવે તો હદ થઈ ગઈ છે. હવે આ તમામ રોગોનો એક જ ઈલાજ છે કે, પ્રભુ શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં અયોધ્યાવાસીઓએ ભાજપને લાત મારી, એ જ રીતે ગુજરાતમાં પણ લોકોએ ભાજપને સત્તામાંથી હટાવવી પડશે.