કચ્છ: થોડા સમય પહેલા જ વનતંત્ર દ્વારા કરછના બંન્નીના ઘાસિયા મેદાનમાં ચિતા બ્રિડિંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેનું કામ પ્રગતિમાં છે. બીજી બાજુ તાજેતરમાં જ આ વિસ્તારમાં ચિંકારા માટે પણ સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં દેશના જુદા જુદા અભયારણ્યો કે જ્યાં ચિંકારાની સંખ્યા વધુ છે ત્યાંથી કચ્છના બન્ની વિસ્તારમાં ચિંકારા લઈ આવવામાં આવશે અને કચ્છના બન્ની વિસ્તારમાં પણ ટૂંક સમયમાં ચિંકારા ઉછળતા કુદતા જોવા મળશે.
પ્રથમ તબક્કામાં 20 જેટલા ચિંકારા લાવવામાં આવશે
કચ્છના બન્ની વિસ્તારમાં આમ તો છૂટા છવાયા ચિંકારા જોવા મળતા હોય છે ત્યારે હવે ગુજરાતનું પહેલું ચિંકારા સંવર્ધન કેન્દ્ર આ વિસ્તારમાં બનશે. બન્ની વિસ્તારમાં 1.5 હેક્ટર વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા પ્રોજેક્ટ ચિંકારા આકાર પામશે. રાજ્ય સરકાર દ્વારા હવે બન્નીમાં પ્રોજેક્ટ ચિતા બ્રિડિંગ સેન્ટર બાદ પ્રોજેક્ટ ચિંકારા હાથ ધરવામાં આવ્યું છે. બન્ની વિસ્તારમાં ખુલ્લા પાંજરામાં અંદાજિત 20 જેટલા ચિંકારા લાવીને મૂકવામાં આવશે અને ત્યાર બાદ તેના પ્રજનન અને સંવર્ધન માટે જુદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. હાલની સ્થિતિએ ટેન્ડર મુજબ બાંધકામ માટે 50 લાખ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. જે આગામી 40 દિવસમાં પૂર્ણ કરવામા આવશે અને ચિંકારા લાવવામાં આવશે જ્યારે ત્યારબાદ બાકીની અન્ય સવલતો ઉભી કરવામાં આવશે.
1.5 હેક્ટરમાં 50 લાખના ખર્ચે પ્રોજેક્ટ
બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝનના નાયબ વન સંરક્ષક બી.એમ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, બન્ની વિસ્તાર છે તે ચિંકારા માટે એક ખૂબ સારું રહેઠાણ માટેની સ્થળ છે અને હાલમાં પણ હાજીપીર વિસ્તાર ભિંજડો વિસ્તારમાં ચિંકારાની હાજરી જોવા મળી રહી છે.સરકારનું લક્ષ્ય છે કે કચ્છમાં ચિંકારાની સંખ્યા વધે તે માટે બન્ની વિસ્તારમાં 1.5 હેક્ટરમાં ચિંકારા બ્રિડિંગ સેન્ટર બનાવવામાં આવશે. આ ચિંકારા બ્રીડીંગ સેન્ટરથી ચિંકારાની વસ્તીમાં નોંધપાત્ર વધારો થશે.
ગુજરાતનું પહેલું ચિંકારા બ્રિડિંગ સેન્ટર
ઉલ્લેખનીય છે કે આ ગુજરાતનું પહેલું ચિંકારા બ્રિડિંગ સેન્ટર હશે. હાલમાં કચ્છના નારાયણ સરોવર અભ્યારણમાં પણ ચિંકારા મુક્તપણે વિચરી રહ્યા છે, જ્યાં તાજેતરમાં જ જંગલ સફારી શરુ કરવાની જાહેરાત સરકારે કરી હતી. તો બન્ની વિસ્તારના ઘાસિયા મેદાનોમાં ચિતા સંવર્ધન કેન્દ્રનો પ્રોજેક્ટ પણ પ્રગતિમાં રહ્યો છે એ વચ્ચે તૃણાહારી પ્રાણી ચિંકારા પણ બન્નીમાં આગામી સમયમાં બ્રિડિંગ સેન્ટરમાં ઊછળતાં કુદતા જોવા મળશે.
શું છે બન્ની વિસ્તારના લોકોનો અભિપ્રાય?
જો કે ચિતા બ્રિડિંગ સેન્ટરની જાહેરાત બાદ બન્ની વિસ્તારના 47 જેટલા ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ ચિંકારા બ્રિડિંગ સેન્ટર અંગે પોતાનો મંતવ્ય રજૂ કરતાં બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના પ્રોગ્રામ કોર્ડીનેટર ઈશાભાઈ મુત્વાએ જણાવ્યું હતું કે, સરકારે બન્નીના ચિંકારા બ્રિડિંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી છે એ અગાઉ હિંસક પ્રાણી ચિતા બ્રિડિંગ સેન્ટરની જાહેરાત કરી હતી. ચિંકારા કોઈ હિંસક પ્રાણી નથી અને અગાઉ પણ આ બન્ની વિસ્તારમાં ચિંકારા જોવા મળ્યા જ છે.પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે બન્નીના વર્ષો જુના અધિકારોની વાત આવે છે કે જેને કાયમ કર્યા વગર અને કોઈ પણ પ્રકારનું સેટલમેન્ટ કર્યા વગર તેમજ કાનૂની પાસાઓની દરકાર કર્યા વગર સરકાર દ્વારા એક તરફી નિર્ણય લેવામાં આવી રહ્યા છે.સરકાર પાસે અનેક માંગણીઓ કરવામાં આવી છે.
બન્નીના લોકોના હકકો અંગે પણ સરકાર વિચારે તેવી માંગ
આજે બન્નીના ગ્રામ પંચાયતો છે,બન્ની વિસ્તાર એશિયાનો સૌથી મોટો ચરિયાણ વિસ્તાર છે જેનાં થકી અહીંનું પશુપાલન રોજગાર સર્જન કરનાર ઉધોગ તરીકે વિકસિત થયો છે જેનાથી અનેક લોકોને રોજગારી મળી છે.બન્નીમાં છેલ્લાં 400 વર્ષથી પશુ પલકો પોતાની પશુ પાલન પ્રવૃતિ સાથે જીવન નિર્વાહ કરી રહ્યા છે અહી 54 જેટલા ગામડાઓ છે જેમાં 7500 પરિવાર રહે છે 45000 જેટલી માનવ વસ્તી અને 1,50,000 જેટલું પશુધન બન્ની વિસ્તારમાં છે.માટે સરકાર માલધારીઓને પહેલા તેમના હકકો આપે અને ત્યાર બાદ સરકારી પ્રોજેક્ટ અમલમાં મૂકે તેવી માંગણી છે.