બનાસકાંઠા: સરહદી વાવ તાલુકાના ચોથાનેસડા ગામે ઉનાળો આવતાની સાથે જે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જોકે અગાઉ પણ ગ્રામજનો દ્વારા લેખિતમાં રજૂઆત કરીને ચૂંટણી બહિષ્કારની ચીંમકી પણ ઉચ્ચારી હતી અને ગામની અંદર પ્રવેશતાની સાથે જ ચૂંટણી બહિષ્કારના બેનર પણ પાણી મામલે લગાવવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું ત્યારબાદ ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું હતું.
શાળામાં ભણતા ભૂલકાઓને પાણીની સમસ્યા: છેલ્લા 10 દિવસથી ફરી ચોથાનેસડા ગામે પીવાના પાણીની સમસ્યા સર્જાતા ગ્રામજનો સહિત શાળાએ આવતા નાના ભૂલકાઓ પાણી વગર હાલાકીનો સામનો કરી રહ્યા છે. જો કે બાળકોએ જણાવ્યું હતું કે, શાળામાં પાણી આવતું નથી. ઘરેથી પાણીની બોતલ લઈને આવીએ છીએ તે પણ પાણીની બોતલ ગરમ થઈ જાય છે. અમારે શાળામાં જમવું હોય તો વાસણ ધોવાની તકલીફ થાય છે. જમવા બેસીએ ત્યારે હાથ પણ ધોઈ શકતા નથી. જેથી તંત્ર દ્વારા ગામની રૂબરૂ મુલાકાત કરી પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી છે.
બાળકોને ઘરેથી બોટલમાં પાણી લાવવું પડે છે: જો કે પીવાના પાણી મામલે ગામના બાળકો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમારે શાળાએ ઘરેથી પાણીની બોટલ લઈને આવવું પડે છે અને શાળાએ જમતી વખતે પણ પાણી ના હોવાના લીધે હાથ ધોયા વગર ખાવા ખાઈએ છીએ તેમજ થાળી ધોવા માટે પણ પાણી નથી અને નાના બાળકો તો પાણી ન આવવાના લીધે શાળાએ આવતા પણ બંધ થઈ ગયા છે. અમારે પણ જો પાણી નહીં આવે તો અમે પણ શાળાએ નહીં આવીએ.
મધ્યાહન ભોજનની રસોઇ બનાવતી વખતે હાલાકી: MDMના સંચાલક કાનજી રાજપુત સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ચોથાનેસડા પ્રાથમિક શાળામાં જ્યારથી વેકેશન ખોલ્યું ત્યારથી આજ દિવસ સુધી પીવાનું પાણી આવતું નથી. મધ્યાહન ભોજનની અંદર રસોઈ બનાવતી વખતે પાણી વગર ખૂબ જ હાલાકી ભોગવી પડે છે. પાણી વગર શાકભાજી ધોવામાં વાસણ ધોવામાં ખૂબ જ તકલીફ પડે છે. જોકે પાણી બહારથી વેચાતું લાવીએ છીએ. પ્રાથમિક શાળામાં પણ વહેંચાતું પાણી લાવવામાં આવી રહ્યું છે. પાણી વગર વૃક્ષો પણ બળી રહ્યા છે જેથી સરકારને નમ્ર વિનંતી છે કે, તાત્કાલિક ધોરણે ચોથાનેસડા ગામની પ્રાથમિક શાળામાં પાણી પહોંચાડવામાં આવે.
પાણી પુરવઠા અઘિકારી દ્વારા તપાસ: પાણી પુરવઠા અધિકારી સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે. આ ગામ સરહદી વિસ્તારનું ગામ છે. ઉનાળામાં અહી પીવાના પાણીની વધારે જરૂરિયાત હોય છે. અમારી કચેરી દ્વારા ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ગામની સ્કૂલમાં જે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે તે માટે અમે અમારી ટીમને આજે મોકલી છે તેને તપાસ કરીને પાઇપ લાઈનમાં મૂળિયું છે કે લાઇન લીકેજ છે તે મને જણાવશે તેવું જણાવ્યું હતું.