અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે AMTS દ્વારા નવા શરૂ કરવામાં આવનાર મેટ્રો કનેક્ટિવિટી ફીડર રુટ અને રિવરફ્રન્ટના નવા રુટ પરની ઈ-બસોને તેમજ અ.મ્યુ.કો.ની RRR (રીડ્યુશ, રીયુઝ, રીસાયકલ) વાનને લીલી ઝંડી આપી ફ્લેગ ઓફ કરાવ્યું હતું. અ.મ્યુ.કો.ની RRR (રીડ્યુસ, રીયુઝ, રીસાયકલ) વાન પર શહેરીજનો પોતાના વધારાનાં જૂનાં કપડાં, પગરખાં, ઘરગથ્થુ વસ્તુઓ, રમકડાં, પુસ્તકો, નાનું ફર્નિચર વગેરે જેવી વસ્તુઓ આપી શકશે. શહેરીજનો દ્વારા અર્પણ કરવામાં આવેલી આ ચીજવસ્તુઓને યોગ્ય વ્યવસ્થાપન દ્વારા રિયુઝ કે રિસાયકલ કરવામાં આવશે. આ પહેલનો ઉદ્દેશ વેસ્ટ રીડ્યુસ કરીને શહેરને સ્વચ્છ અને સુઘડ બનાવવાનો તેમજ સસ્ટેનેબ્લ વેસ્ટ મેનેજમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે.
શું છે 'મિશન થ્રી મિલિયન ટ્રીઝ' અભિયાન: શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે 'મિશન થ્રી મિલિયન ટ્રીઝ' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 30 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે. આ પહેલ આવનારા સમયમાં શહેરનું એકંદર તાપમાન અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ બનશે. AMC દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઓક્સિજન પાર્ક પણ આ જ દિશામાં શહેરનું ગ્રીન કવર કરી રહ્યા છે. તેમજ નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રહ્યા છે.
આ ઉપરાંત, આ પ્રસંગે ફ્લેગ ઓફ કરાયેલ મેટ્રો કનેક્ટિવિટી ફીડર રુટ અને રિવરફ્રન્ટના નવા રુટ પરની ઈ-બસો ઇકો ફ્રેન્ડલી પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપશે. તેના લીધે શહેરના કાર્બન ઉત્સર્જન અને હવા પ્રદૂષણમાં ઘટાડો પણ થશે. અને નાગરિકોને રિવરફ્રન્ટ અને મેટ્રો સ્ટેશન માટે એક સરળ અને સુવિધાયુક્ત જાહેર પરિવહનની સુવિધા પ્રાપ્ત થશે. મેટ્રો કનેક્ટિવિટી ફીડર રુટ દ્વારા શહેરીજનોને મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા પોતાના અંગત વાહનની જરૂરિયાત રહેશે નહિ, જે પરોક્ષ રીતે પણ પર્યાવરણ માટે લાભદાયી નીવડશે.