ગાંધીનગરઃ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સરકાર દ્વારા સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ખુદ હાજર રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રીએ કર્યા દિશાનિર્દેશઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઇમર્જન્સી મીટિંગ થઈ હતી. દરેક જિલ્લા તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ મીટિંગ કરી હતી. મીટિંગમાં મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત લોકોને પાણી અને ભોજનની વ્યવસ્થા કરવા અધિકારીઓને આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં પાણી ઓસરે અને વરસાદ અટકે એટલે તુરંત જ માટી-કાંપની સફાઈ, જંતુનાશક દવાઓના છંટકાવ તથા પડી ગયેલા ઝાડની આડશો દૂર કરવાના કામો અગ્રતાએ ઉપાડવા સૂચનાઓ આપી હતી. સુરત અને વડોદરા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગઈકાલે પડ્યો હતો. સુરત અને વડોદરા કલેકટર, કમિશ્નર સાથે વરસાદની સ્થિતિને લઈને ચર્ચા કરી હતી.
યુદ્ધના ધોરણે કામગીરીઃ વરસાદને પરિણામે રાજ્યના જે વિસ્તારોમાં વીજ પુરવઠાને અસર પહોંચી છે ત્યાં યુદ્ધના ધોરણે મરામત કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા તંત્ર કામે લાગ્યું છે. તેની પણ વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી. માર્ગોને થયેલા નુકસાન, બંધ થયેલા માર્ગો ત્વરાએ પુનઃવાહન વ્યવહારયુક્ત બને તે માટે ઝાડ-થાંભલા વગેરેની આડશો હટાવવા જે.સી.બી સહિતની મશીનરી કામે લગાડવા તેમણે માર્ગ-મકાન વિભાગને સૂચનાઓ આપી હતી. જિલ્લા લેવલે અને તાલુકા લેવલની ડિઝાસ્ટરની ટીમ સંકલનથી કામ કરી રહી છે.
સીઝનનો વરસાદઃ અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ વરસાદ 53.25 ટકા પડ્યો છે. રાજ્યમાં આ સીઝનનો 31 તાલુકામાં 1000 એમએમ કરતાં વધુ વરસાદ થયો છે. 43 તાલુકાઓમાં 500 એમએમથી વધુ વરસાદ પડ્યો છે. કચ્છમાં અત્યાર સુધી 75% વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 73 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ 63.07 ટકા વરસાદ થયો છે. નોર્થ ગુજરાત અને ઈસ્ટ-સેન્ટ્રલ ગુજરાતમાં વરસાદ ઓછો છે. આ બંને ઝોનમાં 30 ટકા જેટલો વરસાદ પડ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારમાં વરસાદની તીવ્રતા ઓછી થવાની સંભાવના છે. છોટા ઉદયપુર, વડોદરા, સુરત અને વલસાડમાં પણ વરસાદની તીવ્રતા ઓછી થવાની સંભાવના છે. અત્યાર સુધી સિઝનમાં 63 લોકોના મોત થયા છે. વડોદરામાં ગઈકાલે એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકોને નિયમ અનુસાર સહાય ચૂકવવામાં આવી રહી છે.
સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાયોઃ સરદાર સરોવર ડેમ 54 ટકા ભરાઈ ગયો છે. 206 ડેમમાં પાણીની સારી આવક થઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમોમાં પાણીની નવી આવક થઈ છે. ઉત્તર ગુજરાતના ડેમમાં પ્રમાણમાં પાણીની આવક ઓછી છે. એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ની ટીમો વરસાદ ગ્રસ્ત જિલ્લાઓમાં તેનાત કરવામાં આવી છે. આ બંનેની રિઝર્વ ફોર્સ વડોદરા અને ગાંધીનગરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.