છોટા ઉદેપુરઃ જિલ્લાનું યુવા સંમેલન મધ્ય પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન રાજેન્દ્ર શુક્લાના અઘ્યક્ષ સ્થાને પાવી જેતપુર તાલુકાના કલારાણી પાસે આવેલ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસના ગ્રાઉન્ડમાં યોજાયું હતું. આ યુવા સંમેલનમાં મોટી સંખ્યામાં નાગરિકો, ભાજપના કાર્યકરો અને અગ્રણીઓએ ભાગ લીધો હતો. મધ્ય પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન રાજેન્દ્ર શુક્લાએ "અબ કી બાર, 400 પાર"ના સૂત્રને સાકાર કરવા યુવા કાર્યકર્તાઓને હાંકલ કરી હતી.
નાયબ મુખ્ય પ્રધાન રાજેન્દ્ર શુક્લાનું સંબોધનઃ જનમેદની સંબોધન કરતા નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, જેમ મધ્ય પ્રદેશની અંદર વડાપ્રધાન મોદીના નેતૃત્વ મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર બની છે તેમ ગુજરાતમાં પણ આવનારી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 એ 26 બેઠકો પાંચ લાખ કરતાં વધારે સરસાઈથી આપણે જીતવાની છે. આવનારી લોકસભા ચૂંટણી એ એક મહત્ત્વપુર્ણ ચૂંટણી છે. પાછલા 10 વર્ષમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતે સફળતાના શિખરો સર કરવાના જે કાર્યો શરુ કર્યા છે તેને મંજીલ સુધી પહોંચાડવા અનિવાર્ય છે. આપણું લક્ષ છે કે ભારતને પ્રથમ ક્રમની આર્થિક વ્યવસ્થા બનાવવી. જો નરેન્દ્ર મોદી 3જી વખત દેશના વડાપ્રધાન બનશે તો આ લક્ષ હાંસલ થઈ શકશે. માત્ર ભાજપના જ નહિ પરંતુ સમગ્ર દેશના નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણીની રાહ જોવાઈ રહી છે. પ્રત્યેક કાર્યકરની નૈતિક ફરજ છે કે દરેક બૂથ પર નાગરિકોનો સંપર્ક કરે, સરકારની યોજનાઓ વિશે લોકોને અવગત કરે અને "અબ કી બાર, 400 પાર"ના સૂત્રને સાકાર કરવા મહેનત કરે. તો જ દેશમાં ફરી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક મજબૂત સરકાર નિર્માણ પામશે. જેનાથી દેશ વિશ્વ ગુરુના સ્થાન ઉપર પ્રસ્થાપિત થશે.
પત્રકારો સાથે વાતચીતઃ મધ્યપ્રદેશ ના નાયબ મુખ્ય મંત્રી પત્રકારો ના પૂછેલા પ્રશ્નોના જવાબ આપતા જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં 29 લોકસભા બેઠકોમાંથી 29 બેઠક પર ભાજપા જીત મેળવશે, કોંગ્રેસ નેતા કમલનાથ કોંગ્રેસનો હાથ છોડી કમલ ધારણ કરશે કે કેમ એ પ્રશ્ન બાબતે સમય આવ્યે બધું થઈ જશે તેમ જણાવ્યું હતું. હાલ કોંગ્રેસ ના નેતા નારણ રાઠવા ભાજપામાં જોડાયા છે તો નારણ રાઠવાને જ ટિકિટ મળશે એમ છોટા ઉદેપુર લોકસભા બેઠકના પ્રભારી પ્રદીપસિંહ જાડેજાને પુછવામાં આવ્યું હતું. તેમણે છોટા ઉદેપુર લોકસભા બેઠક પરના ઉમેદવારને લઈને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના કમળને જનતા ઓળખે છે અને પાર્ટી જેને ટિકિટ આપશે તેને અમે જીતાડવા મહેનત કરીશું.