ગાંધીનગર: અત્યારે મસાલાની સીઝન ચાલુ છે. મસાલામાં કોઈ ભેળસેળના કરે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ચેકીંગ કરતા હોય છે. અલગ અલગ જગ્યાએથી મસાલાના 300થી વધારે સેમ્પલ લેવામાં આવ્યા હતા. બોડેલી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જાજોલી ગામમાં મયુદ્દીન ખત્રી વગર લાયસન્સ મરચાનો વેપાર કરતો હતો, તેવી માહિતી મળી હતી. આ ફેક્ટરીમાં મરચા પાવડરમાં અખાધ્ય કલર તથા ઓલીયો રેઝીનની ભેળસેળ થતી હતી. તપાસ દરમિયાન સ્થળ પર અખાધ્ય લાલ કલરનો ૨૫ કિલોગ્રામ જથ્થો તથા “કેપ્સિકમ ઓલિયોરેસિન”નો 09 કિલોગ્રામ જ્થ્થો સ્થળ પરથી મળી આવ્યો હતો. એક શેડ ઊભો કરી મરચામાં કલર મિક્સ કરી પોતાની બ્રાન્ડ તરીકે વેચાણ કરતા હતાં. તેણે કોઈ પણ પ્રકારનું લાયસન્સ લીધું નહોતું. હલકી ગુણવત્તા ધરાવતા મરચામાં ભેળસેળ કરી ઉચી ગુણવત્તાનું મરચું બતાવી વેચાણ કરતા હતા.
કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે: જેના પર કાયદા મુજબ બેચ નંબર, પેકીંગ તારીખ, ઉત્પાદકનું સરનામું કે અન્ય કોઇ માહિતી છાપેલ ન હતી. કુલ-06 કાયદેસરના નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપેલ છે. જ્યારે બાકીનો આશરે 4027 કિલોગ્રામ જથ્થો, જેની અંદાજીત કિંમત રૂ. 6,20,000 જથ્થો જપ્ત કરવામા આવ્યો છે. ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.
અન્ય નકલી ફેક્ટરી: તેવી જ રીતે ઊંઝામાં વરીયાળીને લીલો કલર કરતી ફેક્ટરી પણ પકડાઈ હતી. વરીયાળીનો દેખાવ સુધારવા માટે તેની પર અખાદ્ય કલર કરવામાં આવતો હતો. આ ફેક્ટરી ઉત્પાદક વિરુદ્ધ પણ ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે.