ભૂજ: રાજકોટના TRP ગેમ ઝોનમાં આગની દૂર્ઘટનામા 28 જેટલાં લોકોના મૃત્યું થયા બાદ રાજ્યનું સરકારી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે, ત્યારે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્યભરનું સરકારી તંત્ર કામે લાગી ગયું છે, ત્યારે કચ્છ કલેક્ટરની અધ્યક્ષતામા તમામ વિભાગની એક બેઠક મળી હતી, જેમાં કચ્છ પંથકમાં આવેલા તમામ ગેમ ઝોનની તપાસ માટે જણાવવામાં આવ્યું છે.
ગત રવિવારે ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસર જીગર પટેલ સાથે ભુજ ફાયર વિભાગની ટીમ દ્વારા ભુજ અને માધાપરમા 3 સ્થળ પર તપાસ કરવામા આવી હતી. જેમા હિલગાર્ડન ભુજ તથા માધાપરમા અન્ડર ગ્રાઉન્ડ ચાલતા ગેમ ઝોનમા ફાયર વિભાગે તપાસ કરી હતી ત્યાર બાદ બંન્ને ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યાં હતા. તો બીજી બાજુ ભુજના સેવન સ્કાય મોલ સ્થિત ગેમઝોનમા પણ ફાયર સહિતના નિયમોની સમીક્ષા કરાય ત્યાં સુધી ગેમ ઝોન બંધ કરાવાયા છે.
ભૂજ પંથકમાં તમામ ગેમ ઝોનમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવા માટે સુચના આપવામાં આવી છે, જેના ભાગરૂપે કલકટરની સૂચના મુજબ ભુજ નગરપાલિકાની હદમાં ચાલતા ગેમ ઝોનમાં ફાયર સેફટી તેમજ ઈલેક્ટ્રીકલ સેફટી બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ ટીમમાં ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર, જી.ઈ.બી.ના જુનિયર ઇજનેર, ભુજ નાયબ મામલતદાર,પોલીસ વિભાગના અધિકારી, સ્ટેશન ફાયર ઓફિસર તથા કમિટીના સભ્યો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી.
ભુજ વિસ્તારના 3 ગેમ ઝોન એન વાય મોલ પાસે આવેલ ફન વર્લ્ડ, હિલ ગાર્ડનમાં આવેલ ફન વર્લ્ડ, અને માધાપરમાં આવેલ કિડ્સ કિંગડમમાં તપાસ કરવામાં આવી હતી આ તમામ ગેમ ઝોનને બંધ કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આગામી કોઈ વધારાની સૂચના ન મળે ત્યાં સુધી આ ગેમ ઝોન બંધ રાખવાની સૂચના પણ આપવામાં આવી છે.