ખેડા: જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર,વડતાલ તેમજ નડીયાદ ખાતે ગુરૂપુર્ણિમાની ભક્તિભાવપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ડાકોરના રણછોડરાયજી મંદિરે,વડતાલ સ્વામીનારાયણ મંદિર તેમજ નડીયાદના સંતરામ મંદિર ખાતે વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. સાથે જ ગુરૂપુર્ણિમા નિમિત્તે જીલ્લાભરમાં ગુરૂ પાદુકા પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
ડાકોર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા: યાત્રાધામ ડાકોર ખાતે આજે ગુરૂપુર્ણિમાને લઈ રણછોડરાયજીના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. સમગ્ર મંદિર પરિસર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ગુરૂપુર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. મંગળા આરતીનો પણ મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
સંતરામ મંદિર ખાતે ભક્તિભાવપુર્ણ ઉજવણી: નડિયાદ સંતરામ મંદિર ખાતે ગુરૂપુર્ણિમાની ભક્તિભાવપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી.સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સંતરામ મંદિર ખાતે ઉમટ્યા હતા.સંતરામ મહારાજના સમાધિ સ્થાન અને દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરી તેમજ રામદાસજી મહારાજને વંદન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. આ સાથે મંદિર ખાતે ગુરુપાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે પોતાના ગુરૂ પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરવા ભાવિકો કંઠી ધારણ કરે છે.ત્યારે મંદિરમાં ગુરૂ કંઠી માટે લાંબી કતારો જોવા મળી હતી.
વહેલી સવારે મંગળા આરતી: વડતાલ સ્વામીનારાયણ મંદિરે સવારે મંગળા આરતી બાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સંપ્રદાયના ગુરુ અને ભગવાનના સ્વહસ્તે પધરાવેલ એ હરેકૃષ્ણ મહારાજનું તથા પાદુકા પૂજન કરી આરતી ઉતારી હતી. આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે મંદિરે વિશાળ સંખ્યામાં હરિ ભક્તો ઉમટી પડ્યા હતા.