રાજકોટ: ઉપલેટા તાલુકાના ગઢાળા ગામને જોડતો રસ્તો તાજેતરમાં પડેલા વરસાદને કારણે તૂટી ગયો છે. ઉપલેટા સાથે જોડતા મોજ નદી પર આ કોઝવે બનાવવામાં આવ્યો છે. જે કોઝવે પાણીના ભારે પ્રવાહના કારણે તૂટી જતા આ રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો છે. ત્યારે બંધ થયેલા આ રસ્તાના કારણે ગઢાળા ગામને જોડતા રસ્તામાં આવન જાવન માટે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનોને અંદાજે 12 થી 15 કિલોમીટર જેટલો અંતર કાપી વૈકલ્પિક રસ્તા પરથી પસાર થવું પડે છે.
તંત્રને જગાડવા અનોખો કાર્યક્રમ યોજ્યો: આ અંગે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મંજૂર થયેલા રસ્તા અને પુલનું કામ તંત્ર છેલ્લા ઘણા સમયથી ન કરતા હોવાને કારણે સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને કોંગ્રેસ આગેવાનોએ એકત્રિત થઈ તૂટેલા આ રસ્તાને રીપેર કરવા અને તંત્રને જગાડવા માટે અનોખો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં પથ્થર પર શ્રીરામ લખી રામસેતુ બનાવવા માટેનો પ્રયત્ન કરી જવાબદાર તંત્ર અને સરકારને જગાડવા માટે અને લોકોની સમસ્યા દૂર કરવા માટે અનોખો કાર્યક્રમ યોજ્યો હોવાનું સામે આવ્યું છે.
ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ: ઉપલેટાના ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. મોજ ડેમના પાટિયા ખોલતા ગઢાળાનો કોઝવે ધોવાયો છે અને હાલ તૂટી પણ ગયો છે. મોજ ડેમ ઉપર ખૂબ જ વરસાદ હોવાથી પાટિયા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે ગઢાળા ગામનો કોઝવે ધોવાઇ ગયો છે. આ કોઝવે ધોવાઇ જતા આ ગામના લોકોને તાલુકા મથકે જવા માટે એસટી બસો પણ બંધ કરવામાં આવી છે. તેમજ બાળકોને શાળાએ જવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે અવારનવાર માગ કરી છે કે, આ કોઝવેમાં પડેલા ગાબડામાં માત્ર મેટલ નહીં પણ પાક્કું કામ થવું જરૂરી છે. જેથી આ કોઝવેનું આયુષ્ય વધે અને સ્થાનિક લોકોને પણ મોટી રાહત મળી શકે છે. આ સાથે જ ફરી એકવાર ગાબડાં મેટલથી પૂરવાને બદલે રસ્તાનું પાકુ કામ કરવા તેમને અપીલ કરી છે.
નદી પર આવેલો રસ્તો લોકોની સમસ્યાનું કારણ: મોજ નદી પર આવેલો રસ્તો વારંવાર લોકોની સમસ્યાનું કારણ બની રહ્યું છે. જેમાં પાણી અને રસ્તો તૂટી જવાથી આ રસ્તો બંધ થઈ જાય છે. ત્યારે આ મામલે છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિક આગેવાનો સહિતના દ્વારા સમયાંતરે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આ રજૂઆતોને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવતું હોવાની પણ ફરિયાદ ઉઠી છે. તેને વર્તમાન સમયના માજી સરપંચ દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન અનેક વખત લેખિત રજૂઆતો અને ફરિયાદો કરી હતી. જે બાદ માજી ધારાસભ્ય લલિત વસોયાના કાર્યકાળ દરમિયાન આ રસ્તો મંજૂર થઈ ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે. પરંતુ રાજકીય કીન્નાખોરીના કારણે આ રસ્તાનું કામ શરૂ નહીં કરવામાં આવતા લોકોનો જીવ દર વર્ષે જોખમાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિકોએ રોષ સાથે તંત્ર પર સવાલ ઉભા કર્યા: આ રસ્તામાં કોઈ મોટી દુર્ઘટના બનશે. તો જવાબદાર કોણ રહેશે તેને લઈને પણ સ્થાનિકોએ રોષ સાથે તંત્ર પર સવાલ ઉભા કર્યા છે. પરંતુ તંત્ર દર વર્ષે આ સમસ્યાને દૂર કરવાને બદલે મેટલ પાથરી ભ્રષ્ટાચાર કરવામાં રસ ધરાવતા હોવાની પણ ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, વર્ષ 2021માં મંજૂર થયેલો રસ્તો અને રસ્તાની સમસ્યા દૂર કરવા માટેની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે અને લોકોના જીવના જોખમ અને વર્ષોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તંત્ર અને સરકાર કેટલી સક્રિય બને છે. તે તો આવતા સમયની અંદર જ ખ્યાલ આવશે.
તૂટેલો કોઝવે વિદ્યાર્થીઓ માટે જોખમી: આ તૂટેલા કોઝવે અને ખરાબ રસ્તાના કારણે અહીંયા વિદ્યાર્થીઓ પણ કઈ રીતે અભ્યાસ માટે જાય છે. તે પણ એક ચર્ચાનો અને ચિંતાનો વિષય વાલીઓ માટે બની ગયો છે. જેમાં જ્યારે પણ આ બાળકો સ્કૂલે જાય છે ત્યારે વાલીઓને પણ બાળકો સાથે આવવું પડે છે અને પાણીના પ્રવાહમાંથી બાળકોને પસાર પણ કરાવવા પડે છે અને જીવનું જોખમ પણ લેવું પડે છે. ત્યારે શિક્ષણ બાળકો કઈ રીતે કેવી પરિસ્થિતિમાં મેળવી રહ્યા છે. તે પણ એક દૈનિક સ્થિતિ સર્જાઇ રહી છે. ત્યારે આ મામલે જવાબદાર તંત્રને સરકાર યોગ્ય અને વહેલી તકે કામગીરી કરે તેવી સૌ કોઈ માંગણીઓ પણ કરી રહ્યા છે.
આ પણ જાણો: