વડોદરા : જન્માષ્ટમીના દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. જેને લઈને જનજીવન ખોરવાયું, તેમજ કેટલાક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા હતા. જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ડભોઇ તાલુકાના 11 જેટલા ગામોમાંથી 802 લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં ભીલાપુર, અદલાપુરા, ગોજાલી, વડદલા, ઢોલાર, બનૈયા, રાજલી,અંગુઠણ, બંબોજ, પલાસવાડા, વાલીપુરા જેવા ગામમાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
અસરગ્રસ્ત લોકોને સહાય : સરકારના ધારાધોરણ મુજબ પૂરમાં અસરગ્રસ્ત લોકોને સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ સર્વે આરંભી દેવામાં આવ્યો છે. જેને લઈને ડભોઇ તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તલાટીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં અસરગ્રસ્ત લોકોની યાદી બનાવી 12 જેટલી ટીમ બનાવી કઈ રીતે સહાય ચૂકવણી કરવી તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
કેશડોલ પ્રક્રિયા શરુ : ડભોઇ તાલુકા વિકાસ અધિકારી સાથે તલાટી કમ મંત્રીઓની મિટિંગ યોજવામાં આવી હતી. ત્યારબાદ તે મિટિંગમાં સર્વે કરીને નિયમોનુસાર પ્રક્રિયા હેઠળ ચૂકવણું કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી સર્વે કરીને 892 જેટલા લોકોને કેશડોલની પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં પુખ્ત વયના લોકોને 100 રૂપિયા અને બાળકોને 60 રૂપિયાની ચૂકવણી કરવાનો પ્રારંભ કર્યો હતો.
MGVCL ની સરાહનીય કામગીરી :
ડભોઇ શહેરમાં આ દિવસો દરમિયાન 128 વીજ ફરિયાદ નોંધાઈ હતી. જે વીજ ફરિયાદ સમય મર્યાદામાં પૂર્ણ કરી દેવામાં આવી અને અતિભારે વરસાદમાં પણ લાઈનમાં કોઈ ફોલ્ટ આવ્યો ન હતો. જેનાં કારણે ડભોઇ શહેરના ગ્રાહકોને વીજળીને લગતી સમસ્યાઓ ઉભી થઈ ન હતી. ડભોઇ ગ્રામ્યમાં ઢાઢર અને દેવ નદીનું પાણી પુષ્કળ પ્રમાણમાં આવેલ હતું. જેના લીધે ડભોઈ તાલુકાના 12 ગામડામાં પૂરનાં પાણી ફરી વળ્યા અને વીજ પ્રવાહ બંધ થઈ ગયો હતો. તે ગામોનો વીજ પુરવઠો સમય મર્યાદામાં ચાલુ કરવામાં આવ્યો અને ગ્રાહકોને ઓછી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
ડભોઇ ગ્રામ્યના ગામોમાંથી જતી ભારે દબાણની લાઇનના વીજ પોલ તૂટી ગયા હતા. જેના લીધે વીજ પુરવઠો ચાલુ કરવામાં વધારે સમય લાગે તેમ હતો. પરંતુ નાયબ ઇજનેર પરાગ પટેલ, ડભોઇ ડિવિઝનના નાયબ ઈજનેર ટેક. સિદ્ધાર્થ ચુડાસમા અને વનરાજસિંહ સોલંકીએ પોતાના અનુભવના આધારે સૂઝબૂઝથી બીજી ભારે દબાણની લાઈનનો ઉપયોગ કરી વીજ પ્રવાહ સત્વરે ચાલુ કર્યો હતો.
ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા : ડભોઇ તાલુકામાં ખેતીને લગતા નુકસાનને લઈને ખેતી નિયામક દ્વારા ગ્રામસેવકોને સૂચના આપીને ખેતીમાં થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી. ડાંગર સિવાયનાં અનેક પાકમાં ભારે નુકસાન થયું છે. તેમજ દિવેલા, મિર્ચી, ડ્રેગન ફ્રુટ જેવા અનેક પાકોમાં અતિભારે નુકસાન થવાને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જેને લઈને ખેતી નિયામકે ખેતીમાં થયેલા નુકસાનની સમીક્ષા કરાવી હતી. જેથી સરકાર દ્વારા ખેતીમાં રાહતની કોઈ સૂચના આપવામાં આવે તો તેનું સત્વરે નિયમોનુસાર પાલન કરી શકાય.